સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, માત્ર દિલ્હીના લોકોને પ્રદૂષણથી મુક્ત રહેવાનો અધિકાર મળે એવું થોડું હોય, દેશના તમામ લોકોને શુદ્ધ હવાનો અધિકાર છે
પ્રતીકાત્મક તસવીર
દિવાળી પહેલાં સુપ્રીમ કોર્ટે ફક્ત દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં જ ફટાકડા પર પ્રતિબંધ મૂકવા સામે સવાલ ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ કહ્યું હતું કે ‘જો NCRના લોકોને હવા શુદ્ધ મેળવવાનો અધિકાર છે તો ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહેલાં અન્ય શહેરોના લોકોને એ અધિકાર કેમ ન હોય? ફટાકડા અંગેની કોઈ પણ નીતિ આખા દેશ માટે સમાન હોવી જોઈએ.’
ચીફ જસ્ટિસે આ મુદ્દે વધુમાં કહ્યું હતું કે ‘આપણે ફક્ત દિલ્હી માટે નિયમો બનાવી શકતા નથી, એવું ન બની શકે કે દિલ્હીના લોકો ખાસ હોય. હું ગયા વર્ષે અમ્રિતસરમાં હતો. ત્યાંની હવા તો દિલ્હી કરતાં પણ વધુ ખરાબ હતી. જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવો જ પડે તો એ આખા દેશમાં લાગુ થવો જોઈએ.’
ADVERTISEMENT
સુનાવણી દરમ્યાન વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે શ્રીમંત લોકો પોતાનું ધ્યાન રાખે છે અને જ્યારે પ્રદૂષણ વધે છે ત્યારે તેઓ દિલ્હી છોડી દે છે.
આ સુનાવણી પછી કોર્ટે દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી પર કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM)ને નોટિસ મોકલી છે. દર વર્ષે સામાન્ય રીતે દિવાળી અને ખેતરોમાં પરાળી સળગાવવાના સમયમાં ઉત્તર ભારતમાં હવાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે.

