જીતપુર ગ્રુપ ગ્રામપંચાયતમાં રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહજી પરમારના પુત્ર કિરણસિંહ પરમાર હારી ગયા
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીના ગઈ કાલે જાહેર થયેલા રિઝલ્ટમાં અરવલ્લી જિલ્લાની એક ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં ગુજરાત સરકારના પ્રધાનપુત્રનો પરાજય થયો છે.
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તેમ જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહજી પરમારના પુત્ર કિરણસિંહજી પરમારે જીતપુર ગ્રુપ ગ્રામપંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. મતદાન બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં કિરણસિંહજી પરમારનો મંગળસિંહ પરમાર સામે પરાજય થયો હતો. પ્રધાનના પુત્રની ગ્રામપંચાયતના સરપંચની ચૂંટણીમાં હાર થતાં આ વિસ્તારમાં અચરજ ફેલાઈ ગયું છે. જોકે ચૂંટણીમાં મતદારોએ જે ચુકાદો આપ્યો એને પ્રધાન ભીખુસિંહજી પરમાર અને તેમના પુત્ર કિરણસિંહ પરમારે શિરોમાન્ય ગણ્યો હતો.

