કેટલાય બ્રિજ જર્જરિત અને ખખડધજ હાલતમાં છે : ક્યાંક પુલો પર તિરાડો પડી છે તો ક્યાંક સળિયા બહાર આવી ગયા છે તો ક્યાંક રેલિંગ તૂટી ગઈ છે : અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે
બોડેલી પાસેથી પસાર થતી ઓરસંગ નદીના બ્રિજ પર ખાડા પડી ગયા છે.
જો તમે ગુજરાતના કોઈ બ્રિજ પરથી પસાર થવાના હો તો સાચવજો, કેમ કે મધ્ય ગુજરાતના આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ અન્ય જિલ્લાઓના બ્રિજ પણ જર્જરિત અને ખખડધજ હાલતમાં હોવાના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. ક્યાંક પુલો પર તિરાડો પડી છે તો ક્યાંક સળિયા બહાર આવી ગયા છે તો ક્યાંક રેલિંગ તૂટી ગઈ છે.
ADVERTISEMENT
આમોદ-જંબુસર રોડ પર ઢાઢર નદીના પુલ પર ખાડા પડી ગયા છે અને રેલિંગ તૂટી ગઈ છે.
અમદાવાદમાં આવેલો અને શરૂ થયાના થોડા જ સમયમાં જર્જરિત હાલતમાં મુકાઈ ગયેલો હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાની જાહેરાત ગઈ કાલે મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ કરી હતી. અમદાવાદમાં આવેલો શાસ્ત્રી બ્રિજ જર્જરિત હાલતમાં છે. બ્રિજની રેલિંગ પર સળિયા બહાર નીકળી ગયા છે. ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર રોડ પર ઢાઢર નદી પરના બ્રિજ પર ખાડા પડી ગયા છે અને બ્રિજની રેલિંગ પણ કેટલીક જગ્યાએથી તૂટી ગઈ છે. તમે વાહન ચલાવતા હો ત્યારે ધ્યાન રાખવું પડે એમ છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી પાસેથી પસાર થતી ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. આ પુલ પર અસંખ્ય ખાડા પડી ગયા છે એને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. વલસાડ જિલ્લામાં વડખંભા પાસે પાર નદી પરનો બ્રિજ બિસમાર હાલતમાં છે. આ બ્રિજ પર સળિયા બહાર દેખાય છે અને ખાડા પડી ગયા છે. અમદાવાદ–રાજકોટ હાઇવે પર ગઢડાના ગોરકડા ગામ પાસેથી પસાર થતી કેરી નદી પરના બ્રિજની હાલત પણ જર્જરિત છે. આ પુલ પર ઘણી જગ્યાએ રેલિંગ તૂટી ગઈ છે અને પોપડા ખરી પડ્યા છે જેને કારણે સળિયા બહાર દેખાઈ રહ્યા છે.
ગુજરાતમાં આવા ઘણા બ્રિજમાં ક્યાંક તિરાડો પડી છે, ક્યાંક પુલ પર ખાડા પડી ગયા છે, ક્યાંક સળિયા બહાર નીકળી ગયા છે અને ક્યાંક કપચી ઊખડી ગઈ છે જેને કારણે લોકોમાં રોષ ફેલાયો છે અને જર્જરિત બ્રિજની મરમ્મત કરવાની અને જે બ્રિજ ભયજનક જેવા છે એમને તોડીને નવા બનાવવાની માગણી થઈ છે.

