પોલીસે અપહરણકર્તા બાબા ખાનને પરિવારની આર્થિક સ્થિતિ વિશે સમજાવ્યો અને તે માની ગયો : ત્રણેય યુવાનો હેમખેમ ઘરે પાછા આવતાં પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ
હેમખેમ પાછા ફરેલા ત્રણેય યુવાનો.
ગેરકાયદે રીતે અમેરિકા જવાની ઘેલછામાં ઇથિયોપિયામાં ફસાયેલી ઉત્તર ગુજરાતની બે યુવતીઓ અને એક યુવક એક પણ રૂપિયો આપ્યા વગર સલામત ભારત પાછાં ફર્યાં છે. ગઈ કાલે તેઓ વડસ્મા ગામમાં હેમખેમ પાછાં ફરતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અપહરણકર્તાઓએ આ યુવાનોને બંધક બનાવીને પરિવાર પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી, પરંતુ વિદેશ-મંત્રાલય અને પોલીસે સૂઝબૂઝથી કરેલી કાર્યવાહીને કારણે અપહરણકારોએ પૈસા લીધા વગર તમામને સલામત છોડી મૂક્યા હતા.
રાજ્યસભાના સંસદસભ્ય અને મહેસાણાના આગેવાન મયંક નાયકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અપહરણ કરાયેલા છોકરાઓના પરિવારના સભ્યોએ મને રજૂઆત કરી હતી. એને ધ્યાનમાં લઈને દિલ્હીમાં
ફૉરેન-મંત્રાલયમાં અરજી મોકલીને રજૂઆત કરી હતી કે અપહરણ કરાયેલા ૩ યુવાનોને છોડાવવા માટે મદદ કરવામાં આવે.’
બાબા ખાનનો પોલીસે કર્યો સંપર્ક
મહેસાણા જિલ્લા પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કરી હતી. એમાં એજન્ટોના મોબાઇલના નંબરોની કૉલ-હિસ્ટરી અને ટેક્નિકલ માહિતી મેળવીને એનું ઍનૅલિસિસ કર્યું હતું. વૉટ્સઍપ તથા ઇન્સ્ટાગ્રામ મારફત થયેલા સંપર્કો અને માહિતી મેટા કંપની પાસેથી મેળવવામાં આવી હતી. તમામ માહિતીનું વિશ્લેષણ કરીને અપહરણકર્તા બાબા ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેને સમજાવવામાં આવ્યો હતો કે પરિવારજનો સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે અને એક કરોડ રૂપિયાની ખંડણીની રકમ ચૂકવવી શક્ય નથી. આમ છતાં અપહરણકર્તા બાબા ખાને ૧૫ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે પોલીસે સતત તેના સંપર્કમાં રહીને પરિવારની આર્થિક સ્થિતિ વિશે ફરી સમજાવ્યો હતો જેને કારણે આખરે બાબા ખાને કોઈ પણ જાતની ખંડણીની રકમ લીધા વગર ૩ જણને મુક્ત કર્યા હતા.
લાગણીસભર દૃશ્યો સર્જાયાં
ગઈ કાલે સવારે બે યુવતી અને એક યુવક પોતાના ઘરે પહોંચતાં ફૅમિલી મેમ્બર્સે રાહતનો શ્વાસ લીધો હતો અને પોતાનાં બાળકોને સહીસલામત પાછાં આવેલાં જોઈને લાગણીસભર દૃશ્યો સર્જાયાં હતાં. વડસ્માના રુત્વિક જનસારી, ગોઝારિયાની મમતા ચાવડા અને ગાંધીનગરની મયૂરી સોલંકી કૌટુંબિક સભ્યો છે. તેમને પરિવારજનો મુંબઈથી વડસ્મા ગામે ઘરે લઈ ગયા હતા. ગામમાં પહોંચીને ઘરે માતાજીનાં દર્શન કર્યાં હતાં અને ગામમાં આવેલા સધીમાતાજીનાં મંદિરે જઈને દર્શન કર્યાં હતાં. રુત્વિકનાં ભાભીએ ત્રણેય જણ ઘરે સલામત પાછાં ન આવે ત્યાં સુધી ગામનું પાણી નહીં પીવાની બાધા રાખી હતી અને અખંડ દીવો પ્રગટાવ્યો હતો. ત્રણેય જણ ગામમાં પાછાં આવતાં ગામવાળાઓ તેમના ખબર પૂછવા અને તેમને મળવા એકઠા થઈ ગયા હતા અને બધા હેમખેમ પાછા આવતાં ખુશી વ્યક્ત કરી હતી.
કેસ શું હતો?
ઉત્તર ગુજરાતની મમતા ચાવડા, રુત્વિક જનસારી અને મયૂરી સોલંકી એજન્ટ મારફત ગેરકાયદે રીતે અમેરિકા જવા ૨૦ સપ્ટેમ્બરે નીકળ્યાં હતાં. એ માટે વ્યક્તિદીઠ ૨૦ લાખ રૂપિયા આપ્યા હતા. આ લોકો ઇથિયોપિયા પહોંચ્યાં હતાં અને ત્યાં તેમનું અપહરણ થયું હતું. તેમને છોડાવવા માટે પરિવારજનો પાસે અપહરણકર્તાએ એક કરોડ રૂપિયા માગ્યા હતા એટલે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી અને સરકાર પાસે મદદ માગી હતી.
