IndiGo Flight delayed: સુરતથી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર મધમાખીઓનો હુમલો; ફ્લાઇટને બહાર કાઢવા માટે સુરત એરપોર્ટ પર ફાયર બ્રિગેડ બોલાવવાનો વારો આવ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફ્લાઇટ્સ મોડી પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે ફ્લાઇટ્સ વહેલી-મોડી થતી જ હોય છે. ક્યારેક ટેક્નિકલ કારણસર ફ્લાઇટ્સ મોડી પડે છે તો ક્યારેક હવામાનને કારણે પણ પેસેન્જર્સને હાલાકી ભોગવવી પડે છે. જોકે, સુરત એરપોર્ટ (Surat International Airport) પર ઇન્ડિગો (IndiGo)ની જયપુર (Jaipur) જતી ફ્લાઇટ એક વિચિત્ર કારણસર મોડી પડી હતી. ફ્લાઇટનું ટેક-ઑફ કરતા પહેલા ફાયર બ્રિગેડ બોલાવવાનો વારો આવ્યો હતો.
સુરત (Surat) એરપોર્ટ પર એક વિચિત્ર ઘટનામાં, જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ (Surat-Jaipur Flight) લગભગ એક કલાક મોડી પડી હતી. કારણકે મધમાખીઓનું ટોળું વિમાનના સામાનના દરવાજા પર એકઠું થઈ ગયું હતું અને ગ્રાઉન્ડ સ્ટાફ અને ઇમરજન્સી રિસ્પોન્ડર્સ દ્વારા વારંવાર પ્રયાસો છતાં પણ મધમાખીઓએ ત્યાંથી નીકળવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
સોમવારે સાંજે સુરત એરપોર્ટ પર ૪.૨૦ વાગ્યે આ ઘટના બની જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ ૬E-૭૨૮૫ (6E-7285) ઉડાન (IndiGo Flight delayed) ભરવાની તૈયારી કરી રહી હતી. મુસાફરો પહેલેથી જ સવાર થઈ ગયા હતા અને સામાન લોડ કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક મધમાખીના ટોળા દેખાયા અને કાર્ગો હોલ્ડ એરિયાની આસપાસ ભેગા થઈ ગયા.
શરુઆતમાં ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ધુમાડાનો ઉપયોગ કરીને મધમાખીઓને વિખેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આ પ્રયાસો બિનઅસરકારક સાબિત થયા હતા. પરિસ્થિતિ વધુ વણસી જતાં અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, એરપોર્ટ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડે પાણી છાંટીને મધમાખીઓને ભગાડી હતી અને પછી પરિસ્થિતિ કાબુમાં આવી હતી.
આ ઘટનના અનેક વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કાર્ગો હોલ્ડ એરિયાની આસપાસ મધમાખીઓના ટોળેટોળાં દેખાય છે. વીડિયોમાં એ પણ જોઈ શકીએ છીએ કે, ફાયર બ્રિગેડ પાણી છાંટીને મધમાખીઓનાં ટોળાંને હટાવવાનું કામ કરી રહી છે.
View this post on Instagram
ફ્લાઇટની ઉડાનમાં થઈ રહેલા અસામાન્ય વિલંબને કારણે મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા. જોકે, બાદમાં ક્રૂએ તેમને પરિસ્થિતિ સમજાવી હતી. પરંતુ આ દરમિયાન, મધમાખીઓના ટોળાને લઈને લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું.
મધમાખીના ટોળાને સુરક્ષિત રીતે દૂર કર્યા પછી, વિમાન આખરે સાંજે ૫.૨૬ વાગ્યે સુરત એરપોર્ટથી ઉદયપુર જવા રવાના થયું, જે સમયપત્રકથી બરાબર એક કલાક મોડું હતું.
અહેવાલોમાં જણાવાયું છે કે, એરપોર્ટ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે સુરત એરપોર્ટ પર આવી ઘટના પહેલા ક્યારેય બની નથી. ભારતીય એરપોર્ટ પર પક્ષીઓના ટક્કર જેવા વન્યજીવન સંબંધિત વિક્ષેપો અસામાન્ય નથી, પરંતુ મધમાખીઓના ટોળા દ્વારા ફ્લાઇટમાં વિલંબ થયો હોય તેવી ઘટના ચોક્કસ અસામાન્ય છે.
સુરત એરપોર્ટ મેનેજમેન્ટે મધમાખીઓના ટોળાના સ્ત્રોતને ઓળખવા અને ભવિષ્યમાં આવું ન બને તે માટે આંતરિક સમીક્ષા શરૂ કરી છે. તેઓ વન અને વન્યજીવન વિભાગો સાથે પરામર્શ કરશે.

