આ કેસમાં માલ આપનાર અને વેચનાર સુરતના અમરોલીમાં રહેતો કાલુ અને તેનો માણસ વૉન્ટેડ છે.
News In Shorts
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
સુરત ગ્રામ્ય સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપે ૨૪૪ કિલો ગાંજા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો
સુરત ગ્રામ્યના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપે કામરેજ પોલીસ-સ્ટેશન વિસ્તારના નવા પારડી ગામથી ગાંજાનું વેચાણ કરતા ભાવેશ મકવાણાને તેના બગીચામાંથી ૨૪,૪૭,૪૦૦ની કિંમતના ૨૪૪.૭૪૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે નવા પારડી ગામની સીમમાં આવેલા થોરોલી ફળિયામાં રહેતા ભાવેશ મકવાણાના ઘરની પાછળના ભાગમાં આવેલા બગીચામાં મૂકેલી લોખંડની પેટીમાંથી ગેરકાયદે પરમિટ વગરના ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો અને ભાવેશને પકડી લીધો હતો. આ કેસમાં માલ આપનાર અને વેચનાર સુરતના અમરોલીમાં રહેતો કાલુ અને તેનો માણસ વૉન્ટેડ છે.
ADVERTISEMENT
ગુજરાત કૉન્ગ્રેસના નવા કૅપ્ટન શક્તિસિંહ ગોહિલ
ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીએ રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૭ બેઠકો પર કૉન્ગ્રેસના ઉમેદવારોની જીત થઈ હતી. આ કારમી હાર બાદ એનાં કારણ શોધવા માટે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે ફૅક્ટ ફાઇન્ડ કમિટી પણ નીમી હતી. ગુજરાતમાં કૉન્ગ્રેસની હારને લઈને ઘણા આક્ષેપ થયા છે એવા સમયે ગુજરાત કૉન્ગ્રેસનું સુકાન પીઢ રાજકીય નેતા શક્તિસિંહ ગોહિલને હાઇકમાન્ડે સોંપ્યું છે. તેઓ હાલના ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરના સ્થાને પ્રમુખપદ સંભાળશે.
શાઓમી અને ત્રણ ફૉરેન બૅન્કોને ઈડીની નોટિસ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે ૫૫૫૧ કરોડ રૂપિયાથી વધુ રકમના ફૉરેન એક્સચેન્જ કાયદાના કથિત ભંગ બદલ ચાઇનીઝ મોબાઇલ ફોન મૅન્યુફૅક્ચરર શાઓમીની ઇન્ડિયન કંપની, એના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર અને ડિરેક્ટર સમીર બી. રાવ તેમ જ ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર મનુકુમાર જૈન અને ત્રણ ફૉરેન બૅન્કોને શો-કૉઝ નોટિસ ઇશ્યુ કરી છે. ઈડીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ઑથોરિટીએ શાઓમી ટેક્નૉલૉજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બે એક્ઝિક્યુટિવ્ઝ, સિટી બૅન્ક, એચએસબીસી બૅન્ક અને ડોયચ બૅન્કને નોટિસ આપી છે.
રેસલર્સે બ્રિજભૂષણ સાથે સમાધાનના રિપોર્ટ ફગાવ્યા
રેસલર્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ગઈ કાલે રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો મુદ્દો સેટલ કરવાની કોશિશ કરી હોવાનો દાવો કરતા રિપોર્ટને ફગાવી દીધા હતા. સંગીતા ફોગાટ બ્રિજભૂષણના ઘરે જોવા મળ્યા બાદ આવા રિપોર્ટ્સ આવ્યા હતા. જોકે વિનેશ ફોગાટે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘મહિલા રેસલર્સ પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે ક્રાઇમ સાઇટ પર ગઈ હતી, પરંતુ મીડિયામાં ચલાવવામાં આવ્યું કે તેઓ સમાધાન કરવા માટે ગયાં છે.’
મણિપુરમાં ફરી હિંસામાં ત્રણ જણનાં મોત, સીબીઆઇએ એસઆઇટી રચી
મણિપુરમાં ગઈ કાલે ફરી હિંસક ઘટના બની હતી. ખોકેન ગામમાં ઉગ્રવાદીઓના એક હુમલામાં એક મહિલા સહિત ઓછામાં ઓછા ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે જણને ઈજા થઈ હતી. ખોકેન ગામ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા અને કાંગપોકપી વચ્ચેની બૉર્ડર પર આવેલું છે. દરમ્યાનમાં સીબીઆઇએ રાજ્ય સરકાર દ્વારા એને રિફર કરવામાં આવેલા મણિપુરમાં હિંસાના છ કેસની તપાસ કરવા માટે ડીઆઇજી રૅન્કના એક અધિકારી હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી છે.