નૂતન વર્ષમાં આવનારા અગણિત ભક્તો માટે ભોજન, રોકાણ અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ગુજરાતમાં આવેલા વેપારી મથક અને યાત્રાધામ ઊંઝામાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયા માતાજીના મંદિરે નવા વર્ષે માતાજીનાં દર્શન કરવા માટે અંદાજે ૧૦ લાખથી વધુ માઈભક્તો આવવાની ધારણા છે. આ વર્ષે નૂતન વર્ષના પ્રારંભે ઉમિયા માતાજીનાં દર્શન કરવા આવનારા માઈભક્તોને અગવડ ન પડે એ માટે ભોજન, રોકાણ અને દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
નવા વર્ષની શરૂઆતથી લઈને લાભ પાંચમ સુધીના પાંચ દિવસ દરમ્યાન ઊંઝામાં અંદાજે ૧૦ લાખ જેટલા ધાર્મિકજનો ઉમિયા માતાજીનાં દર્શન કરવા આવશે. લાખો લોકો ભોજનપ્રસાદ લે એ માટે મંદિર સંકુલમાં તેમ જ મા અન્નપૂર્ણા ભોજનશાળા, ઉમા પ્રસાદમ્ અને હંગામી વ્યવસ્થાના ભાગરૂપે ઉમા પ્રસાદમ્–ટૂ એમ કુલ ૪ અલગ-અલગ ભોજનશાળાઓ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત બહારગામથી આવતા યાત્રાળુઓ માટે વિશ્રાંતગૃહ, માનસરોવર વિશ્રાંતગૃહ, ઉમા ભવન, ઉમા યાત્રી ભવન ખાતે રોકાણની સગવડ ઉપલબ્ધ રહેશે. પગપાળા સંઘો સાથે આવતા ભક્તજનો માટે ખાસ ઉમિયા માતાજી પથિકાશ્રમ ખાતે ભોજન બનાવવા માટે રસોડાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉમિયા માતાજીનાં દર્શન કરવા માટે માઈભક્તો સુગમતાથી દર્શન કરી શકે એ માટે વિશેષ રૂટ બનાવવામાં આવ્યો છે.
