ઍર ઇન્ડિયાના પ્લેનને જાણીજોઈને ક્રૅશ કરવામાં આવ્યું? : પાઇલટ્સ અસોસિએશન ગુસ્સામાં આવી ગયું, અહેવાલોને પાયાવિહોણા અને આરોપોને બેજવાબદાર ગણાવ્યા
અમદાવાદ પ્લેન-ક્રૅશ
અમદાવાદ પ્લેન-ક્રૅશના પ્રારંભિક અહેવાલમાં પાઇલટની ભૂલ તરફ ધ્યાન દોરતું તારણ આપ્યા બાદ એક એક્સપર્ટે પાઇલટ દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું હશે એવી આશંકા પણ વ્યક્ત કરતાં બળતામાં ઘી હોમાયું હતું. આ મુદ્દે ઇન્ડિયા કમર્શિયલ પાઇલટ્સ અસોસિએશન (ICPA)એ પાઇલટની આત્મહત્યાની અટકળો પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને આ અહેવાલોને પાયાવિહોણા અને આરોપોને બેજવાબદાર ગણાવ્યા છે.
શનિવારે જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલમાં કૉકપિટ વૉઇસ રેકૉર્ડરની ટ્રાન્સક્રિપ્ટ શૅર કરવામાં આવી નહોતી, પરંતુ રિપોર્ટમાં એક વાક્ય હતું. એક પાઇલટે બીજાને પૂછ્યું હતું કે તેં ફ્યુઅલ કેમ કટઑફ કર્યું? ત્યારે બીજા પાઇલટે જવાબ આપ્યો કે મેં આવું કર્યું નથી.
ADVERTISEMENT
ભારતના અગ્રણી ઉડ્ડયન નિષ્ણાતોમાં સ્થાન પામતા કૅપ્ટન મોહન રંગનાથને કટઑફ મોડની ફ્યુઅલ સ્વિચ અને કૉકપિટ ઑડિયોના ક્રમ તરફ ધ્યાન દોરીને આશંકા વ્યક્ત કરી હતી કે આ ક્રૅશ ઇરાદાપૂર્વક થયો હોઈ શકે છે, સંભવિત રીતે પાઇલટે આત્મહત્યા કરી હોઈ શકે છે. તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈ પાઇલટે ઇરાદાપૂર્વક બળતણ બંધ કર્યું છે, તે સંપૂર્ણપણે જાણતો હતો કે આમ કરવાથી ક્રૅશ થઈ શકે છે? આ સવાલના જવાબમાં કૅપ્ટન રંગનાથને કહ્યું હતું કે બિલકુલ.
ડ્રીમલાઇનરના એન્જિનમાં ફ્યુઅલ બંધ કરવાની કોઈ રીત છે કે કેમ? એ પૂછવામાં આવ્યું ત્યારે કૅપ્ટન રંગનાથને જણાવ્યું હતું કે ‘એ જાતે જ કરવું પડે છે. એ આપમેળે અથવા પાવર-ફેલ્યરને કારણે થઈ શકતું નથી, કારણ કે ફ્યુઅલ સિલેક્ટર્સ સ્લાઇડિંગ પ્રકારનાં નથી. તેઓ સ્લૉટમાં રહેવા માટે રચાયેલાં છે અને તમારે એમને ઉપર અથવા નીચે ખસેડવા માટે ખેંચવાં પડે છે. તેથી અજાણતાં એમને બંધ સ્થિતિમાં ખસેડવાની શક્યતા ઊભી થતી નથી. એને બંધ સ્થિતિમાં ખસેડવા માટે ઇરાદાપૂર્વક મૅન્યુઅલ પસંદગીનો કેસ ચોક્કસપણે છે.’
ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ ૧૨ જૂનના ક્રૅશ અંગે પ્રારંભિક તારણો પ્રકાશિત કર્યાં એના ૨૪ કલાક પછી જ કૅપ્ટન મોહન રંગનાથનની ઉપરોક્ત ટિપ્પણી આવી છે.
સંભવિત મેડિકલ હિસ્ટરી
કૅપ્ટન રંગનાથને દાવો કર્યો હતો કે ઍર ઇન્ડિયામાં કામ કરતા ઘણા પાઇલટ્સે મને જાણ કરી હતી કે ફ્લાઇટના ક્રૂ-મેમ્બર્સમાંથી એકની મેડિકલ હિસ્ટરી જાણીતી છે અને તે ક્રૅશ પહેલાં લાંબી મેડિકલ લીવ પર હતો.
અટકળોને ‘ગંભીર આરોપો’ ગણાવ્યા
ભૂતપૂર્વ પાઇલટોના સંગઠન ICPAએ ગઈ કાલે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘અમે આ અટકળોથી ખૂબ જ દુઃખી છીએ, ખાસ કરીને બેજવાબદાર અને પાયાવિહોણી ધારણા જે પાઇલટની આત્મહત્યા તરફ ઇશારો કરે છે. આ તબક્કે આવા કોઈ દાવા માટે કોઈ આધાર નથી અને અધૂરી માહિતી પર આવા ગંભીર આરોપો લગાવવા એ માત્ર બેજવાબદાર જ નહીં, પરંતુ તે પરિવારો પ્રત્યે અત્યંત અસંવેદનશીલ પણ છે.’
માનસિક અને વ્યાવસાયિક તાલીમ
આ નિવેદનમાં ICPAએ પાઇલટોની માનસિક અને વ્યાવસાયિક તપાસ પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ‘પાઇલટોને સઘન મનોવૈજ્ઞાનિક અને વ્યાવસાયિક તપાસમાંથી પસાર થવું પડે છે. તેઓ નિયમિત તાલીમ મેળવે છે અને ઉચ્ચતમ સલામતી ધોરણો હેઠળ કામ કરે છે. આ રીતે આત્મહત્યાનો આરોપ લગાવવો એ માત્ર નૈતિક પત્રકારત્વનું ઉલ્લંઘન નથી પણ વ્યવસાયની ગરિમાની વિરુદ્ધ પણ છે.’
તપાસપ્રક્રિયાનું સન્માન કરવું જોઈએ
ICPAએ કહ્યું હતું કે તેઓ સક્ષમ તપાસ-એજન્સીઓની પ્રક્રિયાઓ પર વિશ્વાસ કરે છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આવી ગંભીર અફવાઓ ફેલાવવી અસ્વીકાર્ય અને નિંદનીય છે.

