તમે ગુજરાતમાં કૉન્ગ્રેસ પાર્ટી માટે લડો છો એ આસાન કામ નથી. કદાચ આખા દેશમાં તમારે સૌથી વધુ સહન કરવું પડે છે. તમે ધમકીઓ સાંભળો છો, તમે ગાળો ખાઓ છો, લાઠી ખાઓ છો પણ કૉન્ગ્રેસ પાર્ટીનો ઝંડો નથી છોડતા
મોડાસામાં રાહુલ ગાંધીએ સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યાં હતાં.
RSS અને BJPને દેશમાં હરાવવાં હશે તો એનો રસ્તો ગુજરાત થ્રૂ જાય છે એમ જણાવતાં રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસના ગુજરાતના કાર્યકરોને કહ્યું...
કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાથી જિલ્લાઓને જવાબદારી આપવાના પાઇલટ પ્રોજેક્ટ સંગઠન-સર્જન અભિયાનનો પ્રારંભ કરાવીને ગુજરાતમાં ગ્રાસરૂટ લેવલે કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા-સંગઠનને જિલ્લામાંથી જ ચલાવવામાં આવશે અને સંગઠન નક્કી કરશે કે ચૂંટણી કોણ લડશે એ મતલબની વાત કરીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને દેશમાં હરાવવાં હશે તો એનો રસ્તો ગુજરાત મારફત જાય છે. રાહુલ ગાંધીએ ૧૪ મિનિટના સંબોધનમાં નીચેના મુદ્દા માંડ્યા હતા...
ADVERTISEMENT
અહીં પહેલાં અમારું ઓરિજિનલ ફાઉન્ડેશન હતું. આપણી પાર્ટી પણ ગુજરાતમાંથી શરૂ થઈ હતી. આપણા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધીને તમે આપ્યા હતા અને સરદાર પટેલ પણ તમે આપ્યા હતા, તો આપણી વિચારધારા પાર્ટી પણ અહીંથી શરૂ થઈ છે.
ઘણાં વર્ષોથી ગુજરાતમાં ડીમોરલાઇઝેશન છે. લાગે છે કે થોડું મુશ્કેલ કામ છે. હું તમને એ જણાવવા આવ્યો છું કે આ તમારા માટે આસાન કામ છે અને તમે જોજો આપણે આ કામ ગુજરાતમાં પૂરું કરીને છોડીશું.
અમે નિર્ણય લીધો છે કે કૉન્ગ્રેસ પાર્ટીમાં થોડો બદલાવ લાવવો પડશે. ડિસ્ટ્રિક્ટ લેવલના નેતાઓને અમે મળ્યા. તેઓ કહે છે કે ટિકિટ ક્યાંથી આવી ગઈ? આસમાનમાંથી ટપકીને આવી જાય છે. જિલ્લાના લોકલ લોકોને અને નેતાઓને ટિકિટ ડિસિઝનમાં સામેલ નથી કરતા.
અમારા ડિસ્કશનમાં મુખ્ય વાત શું નીકળી? ડિસ્ટ્રિક્ટને અમદાવાદથી નહીં, ડિસ્ટ્રિક્ટને ડિસ્ટ્રિક્ટમાંથી ચલાવવું જોઈએ. ડિસ્ટ્રિક્ટના નેતાઓને સ્ટ્રેન્થ આપવી જોઈએ. જે જિલ્લા-પ્રમુખ છે તેમને જવાબદારી આપવી જોઈએ, પાવર આપવો જોઈએ અને તેમના હાથ મજબૂત કરવા જોઈએ. આ કામ હવે અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ.
ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ કૉમ્પ્રોમાઇઝ્ડ ઉમેદવાર નહીં હોય, તે જિલ્લાને ચલાવશે, બધાની મદદથી ચલાવશે, ડિસ્ટ્રિક્ટ કમિટીના નિર્ણયથી ડિસ્ટ્રિક્ટ ચલાવશે. ઉપરથી કોઈ અલગ-અલગ ઉમેદવાર ડિરેક્શન નહીં આપે. આ સ્ટ્રક્ચર અમે બનાવીએ છીએ.
અમે ઇચ્છીએ છીએ કે સંગઠન અને ઇલેક્શન લડવાવાળા વચ્ચે કનેક્શન હોય. આજકાલ શું થાય છે; કૉન્ગ્રેસ-સંગઠન ચૂંટણી જિતાડે છે. એક વાર વ્યક્તિ વિધાનસભ્ય કે સંસદસભ્ય બની જાય પછી સંગઠનને ભૂલી જાય છે. એટલે હવે સંગઠનના માધ્યમથી ઉમેદવાર ચૂંટીશું. સંગઠન નક્કી કરશે કે કોણ ચૂંટણી લડશે અને કોણ નહીં, કોઈ એક વ્યક્તિ ઉપરથી નક્કી નહીં કરે.
ગુજરાતમાં આ પાઇલટ પ્રોજેક્ટ છે. ગુજરાતમાં અમે ટેસ્ટ કરી રહ્યા છીએ, કેમ કે અમે મેસેજ આપવા માગીએ છીએ કે ગુજરાત અમારા માટે સૌથી જરૂરી પ્રદેશ છે. આપણી લડત વિચારધારાની છે, ગુજરાતમાં લડીશું અને જીતીશું.
કેટલાક સિનિયર નેતા બનીને ફરી રહ્યા છે, પણ બૂથ નથી જિતાડી શકતા. એટલે જેમની પકડ બૂથ પર છે, જે લોકલ છે, જે જનતાની સમસ્યા, જનતાના ઇશ્યુ ઉઠાવે છે તેમને આગળ વધારવા માગીએ છીએ, તેમને પાવર આપવા માગીએ છીએ, તેમને સ્ટ્રેન્થ આપવા માગીએ છીએ.
તમારી સાથે વાત થશે, તમારી રાય લેવામાં લેવાશે, તમારો ઓપિનિયન લેવાશે અને એના બેસિસ પર નિર્ણય લેવાશે.
તમે ગુજરાતમાં કૉન્ગ્રેસ પાર્ટી માટે લડો છો એ આસાન કામ નથી. કદાચ આખા દેશમાં તમારે સૌથી વધુ સહન કરવું પડે છે. તમે ધમકીઓ સાંભળો છો, તમે ગાળો ખાઓ છો, લાઠી ખાઓ છો પણ કૉન્ગ્રેસ પાર્ટીનો ઝંડો નથી છોડતા. હું તમને ધન્યવાદ કહેવા માગું છું. હું તમારી સાથે છું, જ્યાં મારી જરૂર હશે, ગુજરાતના ખૂણે-ખૂણે જ્યાં મને બોલાવશો ત્યાં હાજર થઈશ. નવી જનરેશનને કૉન્ગ્રેસમાં લાવવાની છે. જે જનતા સાથે જોડાયેલા છે તેમને આગળ વધારવાના છે.
આ ભીડમાં એવા પણ છે જે BJP સાથે મળેલા છે. તેમને આઇડેન્ટિફાય કરવાના છે અને પ્યારથી દૂર કરવાના છે.

