Rajkot Crime News: રાજકોટ જિલ્લામાં આવેલા જસદણમાં રવિવારે એક ચોંકાવનારી ઘટનામાં 76 વર્ષીય પિતાએ પુત્રની ગોળી મારીને હત્યા કરી હતી. બીજા લગ્નનો વિરોધ કરતા પિતાએ પુત્ર અને અન્ય પરિવારજનોને આપી હતી મારી નાખવાની ધમકી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
રાજકોટ જિલ્લામાં આવેલા જસદણમાં રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 76 વર્ષીય રામ બોરીચાએ પોતાના 52 વર્ષીય પુત્ર પ્રતાપની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ અનુસાર, બોરીચા વિધુર હતો અને 20 વર્ષ પહેલા તેની પત્નીનું અવસાન થયું હતું. તાજેતરમાં બોરીચા ફરી લગ્ન કરવા માગતો હતો, જેનું તેનો પુત્ર અને અન્ય પરિવારજનો વિરોધ કરી રહ્યા હતા. તેના પુત્ર અને પરિવારના અન્ય સભ્યોએ આ વિચારનો વિરોધ કર્યો, અને કહ્યું કે બોરિચાના બીજા લગ્નથી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન થશે, જસદણ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી તપન જાનીએ જણાવ્યું.
સમગ્ર ઘટના
મૃતક પ્રતાપની પત્ની જયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ રવિવારે સવારે રામ બોરીચા અને પ્રતાપ વચ્ચે આ મામલે જગડો થયો હતો. જયાએ જણાવ્યું હતું કે તે પોતે, પતિ પ્રતાપ અને પુત્ર જયદીપ સાથે રવિવારે ઘરે હાજર હતા. જયદીપ દૂધ લેવા માટે બહાર ગયો હતો અને જયા તેના સસરા માટે ચા પીરસવા તેના રૂમમાં ગઈ હતી. જ્યારે તે પોતાના ઘરના હૉલમાં પરત ફરી રહી હતી ત્યારે ગોળી છૂટવાનો અવાજ આવ્યો. જયાએ કહ્યું કે તેણે પતિની ચીસો સાંભળી અને દોડીને હૉલ તરફ ગઈ, જેનો દરવાજો બંધ હતો. ત્યારે જ બીજી ગોળી છૂટવાનો અવાજ આવ્યો. જયાએ જણાવ્યું કે જ્યારે રામ બોરીચાએ દરવાજો ખોલ્યો ત્યારે પિસ્તોલ લઈને તે તેના પણ પાછળ દોડી તેને મારવા આવ્યો. જોકે, જયા ગભરાઈને ભાગી ગઈ અને બંને ઘરોને જોડતો દરવાજો બંધ કરી દીધો. થોડા સમય પછી જયદીપ ઘરે પરત ફર્યો અને જયાએ તેને સમગ્ર ઘટના કહી. જયદીપ જ્યારે રામ બોરીચાના ઓરડામાં પહોંચ્યો ત્યારે તેણે તેના પિતાને લોહી-લોહાણ જોયો. બોરીચા પોતાના પુત્રના મૃતદેહની બાજુમાં ખુરશી પર શાંતિથી બેઠો હતો. પ્રતાપને તરત જ સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ADVERTISEMENT
પોલીસે વધુ તપાસ હાથ ધરી
જયા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે તેના સસરા રામ બોરીચા વારંવાર તેના પરિવારની હત્યા કરવાની ધમકી આપતો હતો. તે હંમેશા પિસ્તોલ બતાવીને ધમકી આપતો કે જો કોઈ તેના બીજા લગ્નનો વિરોધ કરશે તો તેને ગોળી મારી દેશે. પોલીસે આ બનાવ બાદ બોરીચાની પિસ્તોલ જપ્ત કરી છે અને તે પિસ્તોલ માટે લાયસન્સ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. બોરીચાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તેને આ હત્યાનો કોઈ અફસોસ નથી. તેણે પોલીસ સમક્ષ કહ્યું હતું, "મારો પુત્ર મને હેરાન કરતો હતો." રામ બોરીચા અગાઉ GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)માં નોકરી કરતો હતો અને તેનો પુત્ર પ્રતાપ ખેતીનો વ્યવસાય કરતો હતો. આ સમગ્ર ઘટનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

