મન ભગવાનમાં નહીં લાગે તો યાદ રાખો કે ભગવાનને ચોરી કરવાની આદત છે. તમારાથી મન નહીં લાગે તો એ ચોરી કરીને લઈ જશે.
પ્રતીકાત્મક તસવીર
બે સંતો મળ્યા એટલે એક સંત કહે કે ‘મન સોયની અણી ઉપર રાઈનો દાણો જેટલી વાર ટકે એટલી વાર પણ ભગવાનને છોડીને જાય તો પાપ લાગે.’
બીજો સંત કહે, ‘બાપજી, આટલી કઠણ વાત કરી દીધી! બહુ મોટી વાત કરી દીધી.’ તેણે એમ કહ્યું કે ‘રાઈનો દાણો જેટલી વાર સોયની અણી ઉપર ટકી જાય એટલી વાર જો મન ભગવાનમાં લાગી જાય તો બધાં પાપ મટી જાય.’
ADVERTISEMENT
મનને ભગવાનમાં લગાડવાની કોશિશ કરો અને ન લાગે તો પણ ચિંતા ન કરો, આ નિમિત્તે પાંચ-દસ મિનિટ પલાંઠી વાળી આંખ બંધ કરી બેસો. મન ભગવાનમાં નહીં લાગે તો યાદ રાખો કે ભગવાનને ચોરી કરવાની આદત છે. તમારાથી મન નહીં લાગે તો એ ચોરી કરીને લઈ જશે.
ભગવાન મન-મોહન છે. ચિત્તચોર છે. ક્યારેક તેઓ જ કૃપા કરીને મનની ચોરી કરીને એ લઈ જશે પણ હા, એનો અર્થ એવો પણ નહીં કરવાનો કે તમે પ્રયત્ન પણ ન કરો. ના, પ્રયત્ન તો કરવાનો. મનની સાથે બહુ લડશો નહીં. મન મિત્ર છે. એને મિત્ર બનાવો, શત્રુ નહીં. એને પ્રેમથી સમજાવો. ઘણા કહે કે વિચારો અમને બહુ હેરાન કરે છે જ્યારે અમે ભજન કરીએ, ધ્યાન કરીએ. વિચારો એટલા માટે હેરાન કરે છે કેમ કે વિચારોમાં આપણે ઇન્વૉલ્વ થઈએ છીએ. આવતા-જતા વિચારો સારા હોય કે ખરાબ - માથાકૂટ મૂકો. તમે માત્ર દૃષ્ટા બનીને જોયા કરશો તો મજા આવશે. પછી તમે જોશો કે મન સ્વયં સાફ હો ગયા. એટલા માટે સાક્ષીભાવ કેળવવાની વાત છે.
જેનો જેટલો વિશેષ વૈરાગ્ય તે શ્રીમદ્ ભાગવતમાં વિશેષ અધિકારી. શાપ થયો અને રાજા પરીક્ષિતને વૈરાગ્ય થયો. આ શાપ શાપ નથી, વરદાન છે. રાજા પરીક્ષિતે ભગવદ્ કથા માટે થઈને બધું જ છોડ્યું અને પછી શુકદેવજીએ દ્વિતીય સ્કંધથી કથાનો આરંભ કર્યો. અધિકારી શિષ્યને અધિકારી ગુરુ આપોઆપ મળે છે. તેને શોધવા જવા પડતા નથી. અધિકારી શિષ્ય થવાનું છે. શુકદેવજીને બોલાવવામાં નથી આવ્યા. કથા માટે વિનંતી કરવામાં નથી આવી. રાજા પરીક્ષિત અધિકારી શિષ્ય બન્યા. તેમનામાં મુમુક્ષુ ભાવ જાગ્યો અને શુકદેવજી અચાનક ત્યાં પ્રગટ થયા.
આપણામાં જ્યારે મુમુક્ષુ ભાવ આવે ત્યારે અધિકારી સદ્ગુરુ આ જ રીતે આપણા જીવનમાં પ્રગટ થઈ જતા હોય છે. ભગવાન મોકલી આપે. અરે! ભગવાન શું મોકલી આપે? ભગવાન ખુદ જ આવી જાય! ભગવાન હી ગુરુ હૈ ઔર ગુરુ હી ભગવાન હૈ.
મન ભગવાનને અર્પણ કરી દો. તેને મિત્ર બનાવી દો, તમારું જીવન પ્રેમપૂર્ણ બની જશે. એટલે મનથી ભાગો નહીં, મનને સમજો અને એની સાથે રહો.
-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

