હરિયાણાની યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ હોવાના ખોટા દસ્તાવેજના આધારે લંડન જવા માગતા ૮ યુવકોની ધરપકડ: હરિયાણાની ઓમ સ્ટર્લિંગ ગ્લોબલ યુનિવર્સિટીના નામે બોગસ દસ્તાવેજ તૈયાર કરીને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી લંડન જવા નીકળેલાઓની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
હરિયાણાની ઓમ સ્ટર્લિંગ ગ્લોબલ યુનિવર્સિટીના નામે બોગસ દસ્તાવેજ તૈયાર કરીને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી લંડન જવા નીકળેલા ૭ યુવકો સાથે એક એજન્ટની સોમવારે સહાર પોલીસે ધરપકડ કરી હતી. ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગ દ્વારા એક પ્રવાસી શિવેન્દ્ર સિંહના દસ્તાવેજ તપાસતાં તેણે પોતાની ઓળખ સ્ટુડન્ટ તરીકે આપી હતી. જોકે તેના હાવભાવ પરથી અધિકારીઓને શંકા જતાં કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે લંડન સ્થાયી થવા માટે ૨૦ લાખ રૂપિયા આપ્યા હોવાનું કહ્યું હતું એટલું જ નહીં, એ જ ફ્લાઇટમાં બીજા ૬ યુવકો એ જ રીતે પ્રવેશવાના હોવાની માહિતી પણ તેણે આપી હતી. આ મામલે પોલીસે તમામ યુવકોને તાબામાં લઈ લીધા હતા. હાલમાં મુંબઈ પોલીસનો પ્રૉપર્ટી સેલ વધુ તપાસ કરી રહ્યો છે.
પૈસા લેનાર એજન્ટ વીરેન્દ્ર પ્રેમચંદે પોતાની ઓળખ હરિયાણાની ઓમ સ્ટર્લિંગ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે આપી હતી એમ જણાવતાં સહારના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સવારે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મુંબઈથી લંડન જવા માટે પ્રવીણ સિંહ નામનો પ્રવાસી ઇમિગ્રેશન કાઉન્ટર પર આવતાં તેના દસ્તાવેજ તપાસ્યા હતા જેમાં તે હરિયાણાની ઓમ સ્ટર્લિંગ ગ્લોબલ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હોવાની માહિતી હતી. જોકે તેના હાવભાવ પરથી તે કોઈ રીતે સ્ટુડન્ટ લાગતો ન હોવાથી શંકા જતાં ઇમિગ્રેશન વિભાગે તેની કડક પૂછપરછ કરી ત્યારે તેણે સ્વીકાર્યું હતું કે એ જ ફ્લાઇટમાં પ્રવાસ કરનાર વીરેન્દ્ર પ્રેમચંદને તેણે ૨૦ લાખ રૂપિયા લંડનમાં સ્થાયી થવા માટે આપ્યા હતા એટલું જ નહીં, એની સાથે બીજા ૬ યુવકો દિલ્હીથી લંડન જવા આવ્યા હોવાની માહિતી પણ તેણે આપી હતી. ત્યાર બાદ ગુરપ્રીત સિંહ, કરણદીપ સિંહ, પંકજ ઘીસારામ, હર્ષ પ્રેમચંદ અને જસકરમ સિંહને તાબામાં લેવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
આરોપીની વધુ પૂછપરછ મુંબઈ પોલીસનો પ્રૉપર્ટી સેલ કરી રહ્યો છે એમ જણાવતાં સહારના પોલીસ-ઇન્સ્પેક્ટર સંદીપ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તમામ આરોપીઓ શનિવારે દિલ્હીની એક હોટેલમાં ભેગા થયા હતા. આ એક મોટી ગૅન્ગ હોવાનો અમારો પ્રાથમિક અંદાજ છે. જોકે આ કેસ પર હાલમાં પ્રૉપર્ટી સેલ કામ કરી રહ્યો છે. તમામ આરોપીઓનો તાબો તેઓ લઈ ગયા છે. આ કેસમાં મોટા એજન્ટની સંડોવણી સાથે મોટી યુનિવર્સિટીની સંડોવણી પણ હોય એવી શક્યતા છે.’

