મારા દાદાને મારી રાખડી વિષય અંતર્ગત દેશ-વિદેશની બહેનો-દીકરીઓએ મોકલેલી રાખડીથી સિંહાસન પર કરવામાં આવ્યો શણગાર : રાખડીઓ સાથે આવેલા પત્રો દાદાને કરવામાં આવ્યા અર્પણ
હનુમાનદાદાના સિંહાસન પર રાખડીઓથી કરવામાં આવેલો શણગાર અને હનુમાનદાદાને મોકલાયેલી વૈવિધ્યસભર રાખડીઓ.
આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે ત્યારે ગુજરાતમાં આવેલા યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હનુમાનદાદાને દેશ-વિદેશની બહેન-દીકરીઓએ વૈવિધ્યસભર કલાત્મક રાખડીઓ મોકલી હતી. હનુમાનદાદાને મોકલાયેલી અગણિત રાખડીઓથી ગઈ કાલે હનુમાનદાદાના સિંહાસન પર શણગાર કરાયો હતો તેમ જ બહેન-દીકરીઓએ મોકલેલા પત્રો હનુમાનદાદા સમક્ષ અર્પણ કરાયા હતા.
મારા દાદાને મારી રાખડી વિષય અંતર્ગત હનુમાનદાદાને દેશ-વિદેશની અગણિત બહેનો-દીકરીઓએ ઘરે બનાવેલી રાખડીઓ મોકલી હતી. બહેનો-દીકરીઓએ કાપડમાંથી બનાવેલી, ઊનમાંથી ગૂંથીને બનાવેલી, મોરપંખવાળી, બાણ આકારની, કોડી અને મોતીથી બનાવેલી, ફૂલવાળી, પ્રભુશ્રી રામના મુખવાળી, હનુમાનદાદાના ફોટોવાળી, લાકડામાંથી બનાવેલી, હનુમાનદાદાના પેઇન્ટિંગવાળી, ઘૂઘરીવાળી, ચોખામાંથી બનાવેલી, હનુમાન ચાલીસા લખેલી, ગોળ, લંબચોરસ, લંબગોળ, ૩ ફુટ લાંબી, દોઢ ફુટ લાંબી, પ્રભુશ્રી રામના ફોટોવાળી રાખડી સહિત વૈવિધ્યસભર કલાત્મક રાખડીઓ મોકલી હતી.
