વાહનોની સીટ પર જામી બરફની છારી : સરહદી સલામતી દળના જવાનોને ઠંડીથી રક્ષણ આપવા કરાઈ ખાસ વ્યવસ્થા
પ્રતીકાત્મક તસવીર
રણપ્રદેશ કચ્છમાં ગઈ કાલે ઠંડીએ માઝા મૂકી હોય એમ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતાં ભરબપોરે બે વાગ્યે પણ ઠંડા વેગીલા પવનોની સંગાથે પરોઢિયે પાંચ વાગ્યે પડતી હોય એવી ઠંડીની અનુભૂતિ લોકોને થઈ હતી. ગઈ કાલે ભુજનું મહત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ થઈ જતાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે નલિયામાં મહત્તમ તાપમાન બાવીસ ડિગ્રી જેટલું નોંધાયું હતું. ભરબપોરે બે વાગ્યે પરોઢના પાંચ વાગ્યે પડે એવી ઠંડીની અનુભૂતિ છેલ્લી એક સદીમાં થઈ નથી.
શાકભાજીના મોટા ભાગના ફેરિયાઓ અદૃશ્ય થઈ ગયા હતા. ભુજની મુંદરા રોડ રિલોકેશન સાઇટ પર શાકભાજીનો વેપાર કરતા મનોજ બાવાજીના જણાવ્યા પ્રમાણે વહેલી પરોઢે જથ્થાબંધ માર્કેટમાંથી શાક ઉઠાવવા ગયા ત્યારે શાકભાજી પર આછા બરફની છારી જોવા મળી હતી.
ADVERTISEMENT
નલિયા અને એની આસપાસનાં ગામોમાં તો ગઈ કાલે ન્યુનતમ તાપમાન ૩.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું નીચું જવાથી પાર્ક કરાયેલાં વાહનોની સીટ પર બરફની છારી બાજી ગઈ હતી. અબડાસા તાલુકાના વિસ્તારોમાં જમ્મુ-કાશ્મીરમાં શિયાળા દરમ્યાન અનુભવાતા ચિલ્લા-એ-કલાં જેવા હવામાનની અનુભૂતિ થઈ રહી છે.
ભુજમાં ગઈ કાલે બપોરે જે ઠંડી પડી હતી એવી ઠંડી હજી સુધી મેં મારી જિંદગીમાં અનુભવી નથી એમ ૯૦ વર્ષના દિલીપરાય વૈદ્યે જણાવ્યું હતું. સમગ્ર કચ્છ અને નલિયા જાણે બરફથી છવાયેલું વન્ડરલૅન્ડ બની ગયું હતું.
દરમ્યાન, સરહદી સલામતી દળના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ઠંડીને લઈને દુર્ગમ વિસ્તારોમાં અંતરિયાળ ફુટ-પૅટ્રોલિંગ કરતી ચોકિયાત ટુકડીઓને અને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના કાદવ-કીચડવાળા ક્રીક વિસ્તારોમાં પણ ફુટ-પૅટ્રોલિંગ કરી રહેલા જવાનોને ઠંડી સામે યોગ્ય રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


