ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે-ટ્રૅક પર કોઈકે પથ્થર અને ફેન્સિંગ-પોલ મૂકી દીધા : રેલવે ઉથલાવવાનો પ્રયાસ કે ટીખળ? પોલીસે હાથ ધરી તપાસ
ડૉગ-સ્ક્વૉડ સાથે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.
સૌરાષ્ટ્રમાં ગુરુવારે અમરેલી જિલ્લાના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા લોકોએ રેલવે-ટ્રૅક પર પથ્થર અને ફેન્સિંગ-પોલ મૂકી દીધા હતા. જોકે ટ્રેનના લોકો પાઇલટની સમયસૂચકતાથી ટ્રેન અટકાવી દેવાતાં સંભવિત દુર્ઘટના ટળી હતી. આ કોઈનું ટ્રેન ઊથલાવી દેવાનું કાવતરું હતું કે ટીખળ હતી એ દિશામાં રેલવે સુરક્ષાદળ સહિતની પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગર–પોરબંદર પૅસેન્જર ટ્રેન ગુરુવારે પસાર થઈ રહી હતી ત્યારે લોકો પાઇલટે દૂરથી ટ્રૅક પર પથ્થર અને ફેન્સિંગ-પોલ પડેલા જોયા હતા એટલે તેણે સમયસૂચકતા વાપરીને ટ્રેન રોકી દીધી હતી. ટ્રૅક પરથી પથ્થર અને ફેન્સિંગ-પોલ હટાવ્યા બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. લોકો પાઇલટે આ ઘટના વિશે રેલવે વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ અને રેલવે પ્રોટેકશન ફોર્સ ઉપરાંત સ્થાનિક પોલીસ, ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ કોઈ તોફાની તત્ત્વોનું અડપલું હતું કે ટ્રેન ઉથલાવવા માટેની સાજિશ હતી એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


