બેઉ દેશોના દ્વિપક્ષીય સંબંધો પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરી કુલ ૧૧૭ અગ્રણીઓએ
નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ
વેપાર અને મુસાફરી માટે અટારી-વાઘા બૉર્ડર ફરીથી ખોલવાની, શ્રીનગર-મુઝફ્ફરાબાદ બસ-સર્વિસને ફરી શરૂ કરવાની અને અન્ય સરહદ પાર કનેક્ટિવિટી શરૂ કરવાની માગણી પણ કરવામાં આવી છે.
ઑપરેશન સિંદૂરના એક વર્ષ પછી ભારત અને પાકિસ્તાનની ૧૦૦થી વધુ અગ્રણી વ્યક્તિઓએ સંયુક્ત રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ઓપન લેટર લખ્યો છે અને એમાં બન્ને દેશો વચ્ચે શાંતિ, સંવાદ અને સામાન્ય દ્વિપક્ષીય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે નક્કર અને ટકાઉ પગલાં લેવાની અપીલ કરી છે. પત્રમાં હાઈ કમિશનરોને પુનઃસ્થાપિત કરવાની, વીઝા-સર્વિસ ફરી શરૂ કરવાની અને ઍરસ્પેસ ફરીથી ખોલવાની વાત પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સેન્ટર ફૉર પીસ ઍન્ડ પ્રોગ્રેસ દ્વારા જાહેર કરાયેલી અપીલ પર ભારતના ૬૧ અને પાકિસ્તાનના ૫૬ મળીને કુલ ૧૧૭ લોકોએ સહી કરી છે. આ અપીલમાં બન્ને સરકારોને લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનાવટનો અંત લાવવાની વિનંતી કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે એ લાખો યુવાનોને તકો, સમૃદ્ધિ અને સુરક્ષિત ભવિષ્યથી વંચિત રાખી રહી છે.
કોણે-કોણે સહી કરી છે?
આ પત્ર પર સહી કરનારા ભારતના નેતાઓમાં નૅશનલ કૉન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા, અલગતાવાદી નેતા મિરવાઇઝ ઉમર ફારુક, કાશ્મીરની પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટીનાં વડા મેહબૂબા મુફ્તી, રાષ્ટ્રીય જનતા દલના સંસદસભ્ય મનોજ ઝા અને તૃણમૂલ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન હુમાયુ કબીરનો સમાવેશ થાય છે. પાકિસ્તાન વતી ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખુર્શીદ મહમૂદ કસૂરી, ભૂતપૂર્વ રાજદ્વારી અશરફ જહાંગીર કાઝી, રાષ્ટ્રીય સભાના સભ્ય ઇસ્ફાન્યાર ભંડારા અને પરમાણુ ભૌતિકશાસ્ત્રી અને લેખક પરવેઝ હૂડભોયે સહી કરી છે.
