ગયા અઠવાડિયે પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં ગુરુવારે મોડી રાત્રે અફઘાનિસ્તાને વળતો હુમલો શરૂ કર્યો
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સીમા પાસે ગુલામ ખાન વિસ્તારમાં બૉમ્બ-ધડાકાઓને કારણે ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા.
ભારતના પાડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે એક મોટા લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે અને ગઈ કાલે આ બે દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. શુક્રવારે વહેલી સવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, કંદહાર અને પક્તિકામાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાની સુરક્ષા-અધિકારીઓનો દાવો છે કે આ હુમલાઓમાં બે અફઘાન આર્મી બ્રિગેડ હેડક્વૉર્ટર નાશ પામ્યાં હતાં. કાબુલમાં ઓછામાં ઓછા ત્રણ મોટા વિસ્ફોટો સંભળાયા હતા, જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.
ગઈ કાલે પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન સામે ખુલ્લા યુદ્ધની ઘોષણા કરી હતી, જેને કારણે તાલિબાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. આ પરિસ્થિતિ વધુ વણસી શકે એવા અણસાર છે. આ યુદ્ધને રોકવા માટે ચીન, ઈરાન અને રશિયા જેવા દેશોએ મધ્યસ્થી કરવાની ઑફર કરી છે અને યુનાઇટેડ નેશન્સે પણ ચિંતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
ગયા અઠવાડિયે પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં ગુરુવારે મોડી રાત્રે અફઘાનિસ્તાને વળતો હુમલો શરૂ કર્યો ત્યારે તાજેતરનો સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. કાબુલે ડ્યુરન્ડ લાઇન પર આશરે પંચાવન પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયા હોવાનો અને ૧૫થી વધુ પાકિસ્તાની ચોકીઓ કબજે કરી હોવાનો દાવો કર્યો હતો.
એ પછી પાકિસ્તાને ઑપરેશન ‘ગઝબ-લિલ-હક’ શરૂ કર્યું હતું અને અફઘાનિસ્તાનમાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા જેમાં ૧૩૦થી વધુ તાલિબાન ફાઇટર્સ માર્યા ગયાનો અને ૨૦૦થી વધુ ઘાયલ થયાનો દાવો કરવામાં આવ્યો છે. એણે ૮૦થી વધુ ટૅન્ક અને સશસ્ત્ર વાહનોનો નાશ કરવાનો પણ દાવો કર્યો હતો.
અફઘાનિસ્તાને ગઈ કાલે એક મોટો દાવો કરતાં કહ્યું હતું કે અફઘાન દળોએ એના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. વિમાનના સળગતા કાટમાળના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં ફાઇટર જેટનો નંબર પણ દેખાય છે. બીજો એક વિડિયો પણ એક પાકિસ્તાની સૈનિકને પકડવાનો દાવો કરે છે.
