Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાએ ઈરાનના ઇસ્ફહાનમાં ૯૦૦ કિલોના બન્કર-બસ્ટર બૉમ્બથી હુમલો કર્યો

અમેરિકાએ ઈરાનના ઇસ્ફહાનમાં ૯૦૦ કિલોના બન્કર-બસ્ટર બૉમ્બથી હુમલો કર્યો

Published : 01 April, 2026 11:09 AM | Modified : 01 April, 2026 11:14 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાએ આ બન્કર-બસ્ટર બૉમ્બથી ઇસ્ફહાનમાં એક ભૂગર્ભ માળખાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગઈ કાલે ઈરાનના ઇસ્ફહાનમાં ફેંકેલા બન્કર બૉમ્બ પછી ઊઠેલી જ્વાળાઓ.

ગઈ કાલે ઈરાનના ઇસ્ફહાનમાં ફેંકેલા બન્કર બૉમ્બ પછી ઊઠેલી જ્વાળાઓ.


અમેરિકાએ ઈરાનના ઇસ્ફહાનમાં ૯૦૦ કિલોના બન્કર-બસ્ટર બૉમ્બથી હુમલો કર્યો હતો અને આ મુદ્દે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક વિડિયો પણ શૅર કર્યો હતો જેમાં બૉમ્બને કારણે થયેલું ભયાનક દૃશ્ય દેખાય છે. જોકે આ હુમલાની હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનમાં થયેલા એક પ્રચંડ વિસ્ફોટનો વિડિયો શૅર કર્યો હતો, જે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે વહેલી સવારે ઇસ્ફહાન શહેરમાં થયો હતો. ફુટેજમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો જોવા મળે છે. ત્યાર બાદ રાત્રિના આકાશમાં વિશાળ આગ જોવા મળી રહી છે. ટ્રમ્પે આ વિડિયોનો કોઈ સંદર્ભ આપ્યો નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે એ ૨૩ લાખની વસ્તી ધરાવતા અને બદ્ર મિલિટરી ઍરબેઝ ધરાવતા ઇસ્ફહાનમાં એક મુખ્ય દારૂગોળા ડેપો પર અમેરિકા અને ઇઝરાયલી સંયુક્ત હુમલાનો છે. 



અમેરિકાએ આ બન્કર-બસ્ટર બૉમ્બથી ઇસ્ફહાનમાં એક ભૂગર્ભ માળખાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 


ઇસ્ફહાન ઈરાનનું એક લશ્કરી કેન્દ્ર છે અને ઈરાનની પરમાણુ સુવિધાઓ શહેરની નજીક આવેલી છે. ઇસ્ફહાનનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ છે અને એવો દાવો કરવામાં આવે છે કે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમનો લગભગ ૫૪૦ કિલો હિસ્સો ઇસ્ફહાનમાં ભૂગર્ભ સુવિધાઓમાં સંગ્રહિત છે.

હવે ઇટલીનો પણ અમેરિકાને ઠેંગો


મિડલ ઈસ્ટ યુદ્ધ-કામગીરી માટે પોતાના ઍરબેઝનો ઉપયોગ કરવા દેવાનો કર્યો ઇનકાર

ઇટલીએ ગયા અઠવાડિયે મિડલ ઈસ્ટમાં ઉડાન ભરતાં પહેલાં સિસિલીના સિગોનેલા ઍરબેઝ પર અમેરિકન લશ્કરી વિમાનોને ઊતરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. ઇટલીને કેટલીક અમેરિકન ઍર ઍસેટ્સની ફ્લાઇટ-યોજનાની જાણ થયા પછી આ માહિતી બહાર આવી છે. આ વિગતોથી જાણકાર લોકોએ કહ્યું હતું કે વૉશિંગ્ટને આ મુદ્દે રોમમાં સરકાર પાસેથી પૂર્વપરવાનગી લીધી નહોતી. રોમને જાણ થઈ હતી કે કેટલાક અમેરિકન બૉમ્બરો સિસિલીના ઍરબેઝ પર ઊતરવાના હતા. અગાઉ સ્પેને યુદ્ધમાં સામેલ અમેરિકન વિમાનો માટે એની ઍરસ્પેસ બંધ કરી દીધી હતી.

ગલ્ફ દેશોએ ડોનલ્ડ ટ્રમ્પ સમક્ષ કરી માગણી: ઈરાનમાં સત્તાપરિવર્તન નહીં થાય ત્યાં સુધી અમેરિકા હુમલા બંધ ન કરે 

વેસ્ટ એશિયામાં અમેરિકાના પરંપરાગત સાથીઓએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખવાની વિનંતી કરી છે. સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના નેતૃત્વ હેઠળના ગલ્ફ સાથીઓએ ખાનગી રીતે ટ્રમ્પને યુદ્ધ ચાલુ રાખવાની વિનંતી કરી છે. તેમણે એવી દલીલ કરી છે કે તેહરાન પૂરતું નબળું પડ્યું નથી. સાઉદી અરેબિયા, UAE, કુવૈત અને બાહરિનના અધિકારીઓએ ખાનગી વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ઈરાની નેતૃત્વમાં નોંધપાત્ર ફેરફારો ન થાય ત્યાં સુધી લશ્કરી કાર્યવાહી સમાપ્ત થાય એવું ઇચ્છતા નથી. UAE, સાઉદી અરેબિયા, બાહરિન અને કુવૈત યુદ્ધમાં જોડાયાં નથી. અહેવાલોમાં ઉમેરવામાં આવ્યું છે કે UAE એમાંથી સૌથી વધુ કટ્ટરપંથી તરીકે ઊભરી આવ્યું છે અને જમીન પર આક્રમણ માટે સખત પ્રયાસ કરી રહ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 11:14 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK