ડોનલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે સાઉથ કોરિયાના બુસાન ઍરપોર્ટ પર ૧૦૦ મિનિટની મીટિંગ પછી થઈ ટ્રેડ-ડીલ ફાઇનલ
					 
					
સાઉથ કોરિયાના બુસાન ઍરપોર્ટ પર ડોનલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે ટ્રેડ-ડીલની ચર્ચા ૧૦૦ મિનિટ ચાલી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે સાઉથ કોરિયાના બુસાન શહેરમાં ઍરપોર્ટ પર થયેલી બેઠકમાં ૧૦૦ મિનિટની વાતચીત થઈ અને બન્ને વચ્ચે વેપારને લઈને કેટલીક સહમતી સધાઈ ગઈ. ટ્રમ્પે સાઉથ કોરિયાથી અમેરિકા પાછા ફરતી વખતે પ્લેનમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કહ્યું હતું કે ‘મેં ચીન પર ૧૦ ટકા ટૅરિફ ઘટાડી દીધી છે અને બદલામાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકા પાસેથી મોટી માત્રામાં સોયાબીન ખરીદવા તૈયાર થઈ ગયા છે. મેં ચીન પર ફૅન્ટેનાઇલને કારણે ૨૦ ટકા ટૅરિફ લગાવી હતી જે ખૂબ વધારે હતી. એ ઘટાડીને ૧૦ ટકા કરી છે. આ બદલાવ તરત જ લાગુ થશે.’
છ વર્ષ પછી મુલાકાત
ટ્રમ્પ અને શી જિનપિંગ છ વર્ષ પછી મળ્યા હતા. આ પહેલાં તેમની વચ્ચે ૨૦૧૯માં મુલાકાત થઈ હતી. ગુરુવારે ઍરપોર્ટ તેમની મુલાકાત પહેલાં જ ડોનલ્ડ ટ્રમ્પે કહેલું કે ચીન સાથે ટ્રેડ-ડીલ થઈ શકે છે. જોકે એ મુલાકાત દરમ્યાન શી જિનપિંગે એટલો ઉમળકો દાખવ્યો નહોતો. 
ADVERTISEMENT
૧૦૦ મિનિટની બેઠકની પાંચ મુખ્ય વાતો
અમેરિકાએ ચીન પર ૧૦ ટકા ટૅરિફ ઘટાડી દીધી. હવે ચીની પ્રોડક્ટ્સ પર અમેરિકામાં 
૫૭ ટકાને બદલે ૪૭ ટકા ટૅરિફ લાગશે. 
ચીન હવે અમેરિકા પાસેથી સોયાબીન વિપુલ માત્રામાં ખરીદશે. 
ટ્રેડ-ડીલમાં સહમતી થઈ ગઈ છે, પરંતુ એની લેખિત સહમતી બાકી છે.
રૅર અર્થ મટીરિયલ પર 
ચીને લગાવેલી મર્યાદાઓ વિશેનો મુદ્દો સુલઝી ગયાનો ટ્રમ્પનો દાવો.
રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ સાથે મળીને અટકાવવાની કોશિશ કરવા પર સહમતી. 
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	