NCERTના આ નવા નિર્ણયથી વિદ્યાર્થીઓ સારા સ્વાસ્થ્ય માટેની શિસ્ત અને દિનચર્યા સ્કૂલમાં જ શીખશે
					 
					
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT)એ નવા નિર્ણયની જાહેરાત કરી છે. આ નિર્ણય પ્રમાણે છઠ્ઠાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓએ હવે આયુર્વેદનો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે. નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.
છઠ્ઠાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયમાં આયુર્વેદ વિશેનાં પ્રકરણો ઉમેરવામાં આવશે. NCERTએ જણાવ્યા પ્રમાણે આ નિર્ણયમાં વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક જ્ઞાન સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની બાબત પણ ધ્યાનમાં લેવામાં આવી છે. નવા અભ્યાસક્રમમાં હવે બાળકોને આરોગ્ય, પોષણ અને પર્યાવરણમાં સંતુલનની જાણકારી અને ભારતના આ પારંપરિક વારસાનું જ્ઞાન પણ મળશે.
ADVERTISEMENT
છઠ્ઠા ધોરણના વિજ્ઞાનના અભ્યાસક્રમમાં આયુર્વેદના ૨૦ ગુણો જેવા મૂળભૂત સિદ્ધાંતો સામેલ કરવામાં આવશે, જ્યારે આઠમા ધોરણમાં ઋતુગત શિસ્ત (સીઝનલ ડિસિપ્લિન), દિનચર્યા (ડેઇલી રૂટીન) અને સ્વાસ્થ્ય સંતુલન જેવા વિષયો શીખવવામાં આવશે. આયુર્વેદના અભ્યાસક્રમનો વિસ્તાર આવનારા સમયમાં કૉલેજોમાં પણ થશે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	