અમેરિકાએ સૌથી આધુનિક અને ઘાતક પરમાણુ બૉમ્બમાંના એક B61-12 ન્યુક્લિયર ગ્રૅવિટી બૉમ્બનું કર્યું સફળ પરીક્ષણ
પરીક્ષણ દરમ્યાન ફાઇટર જેટ F-35Aની નીચે સેટ કરવામાં આવેલા વૉરહેડ વિનાના B61-12 ન્યુક્લિયર ગ્રૅવિટી બૉમ્બ.
હવે અમે પણ પરમાણુ પરીક્ષણ કરીશું એવી જાહેરાત કરી ડોનલ્ડ ટ્રમ્પની જાહેરાત પહેલાં જ આ ટેસ્ટ નેવાડામાં ઑગસ્ટ મહિનામાં થઈ ચૂકી હતી : મોટો અપગ્રેડ કરીને બૉમ્બની લાઇફ ૨૦ વર્ષ વધારી
પોતાની પરમાણુ શક્તિને વધુ મજબૂત બનાવતાં અમેરિકાએ B61-12 ન્યુક્લિયર ગ્રૅવિટી બૉમ્બનાં સ્ટૉકપાઇલ ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. આ પરીક્ષણો ૧૯થી ૨૧ ઑગસ્ટ દરમ્યાન નેવાડાના ટોનોપાહ ટેસ્ટ રેન્જ ખાતે અમેરિકાના સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35Aનો ઉપયોગ કરીને કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
B61-12 પરમાણુ મિશન માટે તૈયાર
નૅશનલ ન્યુક્લિયર સિક્યૉરિટી ઍડ્મિનિસ્ટ્રેશન (NNSA) અને સેન્ડિયા નૅશનલ લૅબોરેટરીઝે જણાવ્યું હતું કે ‘આ વર્ષે F-35 પ્લૅટફૉર્મ પર B61-12 સાથે કરવામાં આવેલી આ એકમાત્ર સ્ટાફકપાઇલ ફ્લાઇટ-ટેસ્ટ હતી. સફળ પરિણામો દર્શાવે છે કે B61-12 ભવિષ્યના પરમાણુ મિશન માટે સંપૂર્ણપણે વિશ્વસનીય છે અને F-35A સાથે સંપૂર્ણપણે સુસંગત છે. આ પરીક્ષણ એ પણ સંકેત આપે છે કે અમેરિકા એની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને આધુનિક ધોરણો સુધી ઝડપથી અપગ્રેડ કરી
રહ્યું છે.’
લાઇફ ૨૦ વર્ષ વધી
B61-12 બૉમ્બ તાજેતરમાં એક લાંબા લાઇફ એક્સ્ટેન્શન પ્રોગ્રામમાંથી પસાર થયો છે જે ૨૦૨૪ના અંતમાં પૂરો થયો હતો. આ પ્રોગ્રામે બૉમ્બની સર્વિસ-લાઇફ ઓછામાં ઓછાં ૨૦ વર્ષ લંબાવી દીધી છે. એમાં સલામતી સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યના ઍરક્રાફ્ટ ડિઝાઇનને અનુરૂપ ફેરફારો ઉમેરવામાં આવ્યા છે. પૂર્ણ સ્તરનું ઉત્પાદન મે મહિનામાં શરૂ થયું અને ૨૦૨૬ સુધીમાં પૂરું થવાની અપેક્ષા છે.
અત્યંત સચોટ બૉમ્બ
B61-12ની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એની ટેલ ગાઇડન્સ કિટ છે, જેને લીધે એને લક્ષ્ય પર સચોટ રીતે ફેંકી શકાય છે. જૂના પરમાણુ બૉમ્બ ફક્ત ગુરુત્વાકર્ષણ પર આધાર રાખતા હતા, પરંતુ B61-12 JDAM જેવા આધુનિક માર્ગદર્શિત બૉમ્બની જેમ ચોકસાઈ-માર્ગદર્શિત છે. બૉમ્બની વિસ્ફોટક શક્તિ હોવા છતાં એ એના લક્ષ્ય પર વધુ અસરકારક હોવાથી વ્યાપક નુકસાનને પણ ઘટાડે છે, જે આધુનિક યુદ્ધયુક્તિઓમાં મહત્ત્વપૂર્ણ છે.


