૧૦ નવેમ્બરે કલવા-દિવા રેલવે-સ્ટેશન વચ્ચેથી તેની ડેડ-બૉડી મળી આવી હતી, પહેલી નજરે અકસ્માતની ઘટના લાગતી હતી, પણ હવે GRP દ્વારા આત્મહત્યાના ઍન્ગલથી પણ તપાસ શરૂ
શિખા જૈન
કલવા-દિવા રેલવે-સ્ટેશનની વચ્ચેથી ૧૦ નવેમ્બરે થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને એક યુવતીની ડેડ-બૉડી મળી આવી હતી. આ મામલે થાણે GRPએ એ સમયે આકસ્મિક મૃત્યુની નોંધ કરી હતી. ડેડ-બૉડીની ઓળખ મુલુંડ-વેસ્ટના આર. એચ. બી. રોડ પર નાંદલા બિલ્ડિંગમાં રહેતી શિખા જૈન તરીકે થઈ હતી જેની ઉંમર ૩૦ વર્ષની હતી. હવે આ કેસમાં શિખાએ આત્મહત્યા કરી હતી કે તેનો અકસ્માત થયો હતો એની સ્પષ્ટતા મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે શિખાના પરિવારજનો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે ડિલિવરી પછી શિખા માનસિક રીતે અસ્વસ્થ રહેતી એટલે પોલીસને શંકા છે કે શિખાએ બાળકના જન્મ પછી આવતા પોસ્ટપાર્ટમ ડિપ્રેશનને લીધે અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. આ માટે GRPએ શિખાના પરિવારના સભ્યો સહિત મોટરમૅનનાં સ્ટેટમેન્ટ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે એટલું જ નહીં, મુલુંડ, થાણે સહિત આસપાસનાં રેલવે-સ્ટેશન પર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે શિખાના પરિવાર દ્વારા તેનું માનસિક સતુંલન બરોબર ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
થાણે GRPનાં સિનિયર ઇન્સ્પેક્ટર અર્ચના દુશાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦ નવેમ્બરની સાંજે શિખાની બૉડી મળી ત્યારે તેની સાથે મોબાઇલ કે અન્ય કોઈ વસ્તુ નહોતી. ત્યારે અમારા અધિકારીઓએ વિશેષ તપાસ કરીને તેના પરિવારનો પત્તો મેળવી લીધો હતો. એ સમયે પોસ્ટમૉર્ટમ પછી અંતિમવિધિ માટે ડેડ-બૉડી સોંપી દેવામાં આવી હતી. જોકે આ કેસમાં તપાસ હાલમાં શરૂ કરવામાં આવી છે, કારણ કે મૃત્યુ પામનાર મહિલા તેની ચાર મહિનાની બાળકીને ઘરે છોડીને ટ્રેનમાં કેમ આવી હતી? મહિલાએ પોતાનો મોબાઇલ ફોન સાથે કેમ નહોતો રાખ્યો? આ પ્રશ્નો ઉપરાંત મહિલા એ દિવસે ક્યાં પ્રવાસ કરી રહી હતી એની પણ ચોક્કસ માહિતી અમને મળી નથી. આ વિશે જાણકારી લેવા માટે તેના પરિવારના સભ્યોનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવશે. એ સાથે મોટરમૅનનું પણ સ્ટેટમેન્ટ આ કેસમાં અગત્યનો રોલ ભજવશે, કારણ કે પ્રાથમિક માહિતી અનુસાર આ મહિલાએ આત્મહત્યા કરી લીધી હોવાની અમને શંકા છે.’
ADVERTISEMENT
શિખા જૈનના સસરા રણજિત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિખા એ દિવસે મંદિર જઈને આવું છું એમ કહીને ઘરેથી નીકળી હતી ત્યારે તેના મોબાઇલમાં મંત્ર ચાલુ હતા એટલે તેણે મોબાઇલ ઘરે રાખ્યો હતો. તે પ્રેગ્નન્સી પછી માનસિક રીતે અસ્વસ્થ જણાતી હતી એટલે તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો. શિખાના પપ્પાની ભિવંડીમાં કૉલેજ હોવાથી તે અવારનવાર ત્યાં જતી હતી એટલે અમારો અંદાજ છે કે એ દિવસે પણ શિખા ત્યાં જવા માટે નીકળી હશે. જોકે ત્યારે કઈ રીતે તેનું મૃત્યુ થયું એની અમને કોઈ જાણકારી નથી.’


