Entertainment Updates: લૈલા મજનૂ પછી આવી રહી છે હીર રાંઝા; તારાએ મૉલદીવ્ઝમાં કર્યું ત્રીસમી વર્ષગાંઠનું ઍડ્વાન્સ સેલિબ્રેશન અને વધુ સમાચાર
મનોરંજન સમાચાર વાંચો અહીં
લૈલા મજનૂ પછી આવી રહી છે હીર રાંઝા

ADVERTISEMENT
ફિલ્મ-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીનો ભાઈ સાજિદ અલી રોમૅન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. તેણે લગભગ ૭ વર્ષ પહેલાં અવિનાશ તિવારી અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી ‘લૈલા મજનૂ’ બનાવી હતી. આ ફિલ્મે એ સમયે તો ખાસ સારો દેખાવ નહોતો કર્યો, પણ થોડા સમય પહેલાં એને રીરિલીઝ કરવામાં આવી ત્યારે તેણે સારો એવો બિઝનેસ કર્યો હતો. ‘લૈલા મજનૂ’ને રીરિલીઝમાં મળેલી સફળતાને પગલે સાજિદ અલી હવે ‘હીર રાંઝા’ બનાવી રહ્યો હોવાનો રિપોર્ટ છે. સાજિદ અલી આ ફિલ્મમાં નવોદિતોને જ લીડ રોલમાં લેવા માગે છે અને એને પંજાબમાં શૂટ કરવામાં આવશે.
નિશાનચીની સાથોસાથ OTT પર રિલીઝ કરી દેવાઈ નિશાનચી 2

અનુરાગ કશ્યપના ડિરેક્શનમાં બનેલી ‘નિશાનચી’ ગયા શુક્રવારે પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે મેકર્સે સરપ્રાઇઝ આપીને ફિલ્મનો બીજો ભાગ ‘નિશાનચી 2’ પણ કોઈ જાહેરાત કે હોબાળા વિના સીધી પ્રાઇમ વિડિયો પર જ રિલીઝ કરી દીધો છે. હકીકતમાં પહેલી ફિલ્મ ‘નિશાનચી’ થિયેટરમાં બહુ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી એને કારણે બીજો ભાગ થિયેટરમાં રિલીઝ ન કરીને સીધો OTT પર રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેલુગુ ફિલ્મોમાં રાશા થડાણીની એન્ટ્રી
રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હવે તેલુગુ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. તે પોતાની પહેલી તેલુગુ ફિલ્મમાં મહેશ બાબુના ભત્રીજા જયા કૃષ્ણા ઘટ્ટામનેની સાથે કામ કરી રહી છે. આ વાતની સોશ્યલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે. રાશાએ આ વર્ષે જાન્યુઆરીમાં ‘આઝાદ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે એ ફિલ્મ તો ફ્લૉપ ગઈ હતી, પરંતુ રાશાનું ગીત ‘ઉઈ અમ્મા’ ભારે વાઇરલ થયું હતું. હાલમાં રાશા પોતાની બીજી ફિલ્મ ‘લાઇકી લાઇકા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ‘મુંજ્યા’ ફેમ ઍક્ટર અભય વર્મા સાથે જોવા મળશે.
તારાએ મૉલદીવ્ઝમાં કર્યું ત્રીસમી વર્ષગાંઠનું ઍડ્વાન્સ સેલિબ્રેશન

તારા સુતરિયા હાલમાં વીર પહારિયા સાથે રિલેશનશિપમાં છે અને પોતાની પર્સનલ લાઇફમાં ખુશ છે. તારાની ૧૯ નવેમ્બરે ત્રીસમી વર્ષગાંઠ છે પણ તેણે પોતાના જન્મદિવસની ઍડ્વાન્સ ઉજવણી શરૂ કરી દીધી છે. તારાએ સોશ્યલ મીડિયા હૅન્ડલ પર મૉલદીવ્ઝ વેકેશન દરમ્યાન કરેલા સેલિબ્રેશનની સુંદર તસવીર શૅર કરી છે. આ તસવીર સાથેની પોસ્ટમાં તારાએ કૅપ્શન લખી છે, ‘બર્થ-ડે વીક શરૂ.’
બોની કપૂરે લીધી સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત
ફિલ્મમેકર બોની કપૂર હાલમાં ગુજરાતના પ્રસિદ્ધ ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ની મુલાકાતે ગયા હતા. બોનીએ આ મુલાકાતની તસવીર શૅર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનાં વખાણ કરતી એક નોંધ લખી હતી. પોતાની નોંધમાં બોનીએ લખ્યું હતું, ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેવાનું મારા માટે સન્માન, ગૌરવ અને સપનું સાકાર થવા જેવું છે. આ ખરેખર એક ચમત્કાર છે. દુનિયા માત્ર અહીંના વાતાવરણની સુંદરતા માટે જ નહીં પરંતુ આ અદ્ભુત કૃતિ માટે પણ સન્માન કરશે. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી રચાયેલા આ વિશ્વની મુલાકાત લેવાનો અવસર મેળવનાર દરેક લોકો દ્વારા એની પ્રશંસા કરવામાં આવશે, સન્માનિત થશે અને પૂજનીય બની રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોહપુરુષ હતા અને રહેશે. તેમની સમગ્ર યાત્રાને આજના ભારતના લોહપુરુષ અને આપણા પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી દ્વારા જીવંત બનાવાઈ છે.’


