ફાંસીની સજા સંદર્ભે ભારતે કહ્યું કે ટ્રિબ્યુનલના નિર્ણયની અમે નોંધ લીધી
શેખ હસીના
બંગલાદેશમાં ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT)એ શેખ હસીનાને ફાંસીની સજા ફટકારી એના કલાકો બાદ ભારતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ નિર્ણયની અમે નોંધ લીધી છે. અમે બંગલાદેશમાં શાંતિ અને લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે તમામ હિસ્સેદારો સાથે રચનાત્મક રીતે વાતચીત કરીશું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે નજીકના પાડોશી તરીકે બંગલાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે ભારત પ્રતિબદ્ધ છે.
બંગલાદેશનાં ૭૮ વર્ષનાં પદભ્રષ્ટ વડાં પ્રધાન શેખ હસીના હાલમાં ભારતમાં છે અને બંગલાદેશમાં મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. શેખ હસીનાએ ગયા વર્ષે પાંચમી ઑગસ્ટે વ્યાપક વિરોધ બાદ બંગલાદેશ છોડી દીધું હતું અને ત્યારથી તેઓ ભારતમાં રહે છે. બંગલાદેશે શેખ હસીના અને બંગલાદેશના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અસદુઝ્ઝમાન ખાન કમાલના પ્રત્યર્પણની માગણી કરી છે. બંગલાદેશે કહ્યું છે કે પ્રત્યર્પણ સંધિ હેઠળ ભારત આમ કરવા માટે બાધ્ય છે.
ADVERTISEMENT
વચગાળાની સરકારની કામગીરીની પોલ ખુલ્લી પાડી
શેખ હસીનાએ કહ્યું હતું કે મોહમ્મદ યુનુસના શાસનમાં જાહેર સેવાઓ પડી ભાંગી છે. દેશની શેરીઓમાંથી પોલીસ પાછળ હટી ગઈ છે અને ન્યાયિક નિષ્પક્ષતા પર સમાધાન કરવામાં આવ્યું છે. અવામી લીગના સમર્થકો પર હુમલાઓ વધી રહ્યા છે. હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે અને મહિલાઓના અધિકારોનું દમન થઈ રહ્યું છે. વહીવટમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓ જેમાં હિઝબુત-તહરીરના નેતાઓનો સમાવેશ થાય છે. તેઓ બંગલાદેશની બિનસાંપ્રદાયિક શાસનની લાંબી પરંપરાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુનુસના શાસનમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ સરકારી રક્ષણ હેઠળ કાર્યરત છે. પત્રકારોની ધરપકડ કરવામાં આવી રહી છે, આર્થિક વિકાસ અટકી ગયો છે અને યુનુસે જાણીજોઈને ચૂંટણી મુલતવી રાખી છે, દેશની સૌથી જૂની પાર્ટીને ચૂંટણી-પ્રક્રિયામાંથી બાકાત રાખી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અને સ્વતંત્ર સંસ્થાઓ પાસે આ બધાના પુરાવા છે છતાં આંતરરાષ્ટ્રીય સમુદાયે યુનુસ શાસનને સ્વીકાર્યું છે.
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા
ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ કોર્ટે તેમને બંગલાદેશમાં વિદ્યાર્થીઓની હત્યા માટે દોષી ઠેરવ્યાં: સજાની જાહેરાત થતાં જ દેશમાં ઠેર-ઠેર હિંસા ભડકી
ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT)એ ગઈ કાલે બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના, ભૂતપૂર્વ ગૃહપ્રધાન અસદુઝ્ઝમાન ખાન કમાલ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબદુલ્લા અલ-મામુન સામે માનવતા વિરુદ્ધના ગુનાઓના પાંચ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ આરોપો જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૪માં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન સાથે સંકળાયેલી અશાંતિમાંથી ઉદ્ભવ્યા છે. શેખ હસીના અને તેમના સહયોગીઓ સામે ૮૭૪૭ પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એના આધારે ICTએ શેખ હસીના વિરુદ્ધ પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબદુલ્લા અલ-મામુનને સાક્ષી બનવાના એક કેસમાં માફી આપી, જ્યારે બીજા કેસમાં તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી. કોર્ટે જણાવ્યું કે તેમણે સંપૂર્ણ ખુલાસો કર્યો છે અને કોર્ટ સમક્ષ સત્ય રજૂ કર્યું છે. બંગલાદેશના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ICTએ કોઈ વર્તમાન રાજ્યના વડા વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.
કોર્ટે ચુકાદો આપ્યો હતો કે શેખ હસીનાએ વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનોને દબાવવાનો આદેશ આપ્યો હતો. શેખ હસીનાએ હેલિકૉપ્ટરથી વિરોધીઓ સામે ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી અને તેમના આદેશ પર વિરોધીઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિણામે મહિલાઓ અને બાળકો સહિત ૧૪૦૦ વિરોધીઓ ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરીને માર્યાં ગયાં હતાં. શેખ હસીના, અસદુઝ્ઝમાન ખાન કમાલ અને ચૌધરી અબદુલ્લા અલ-મામુનને આ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે.
કોર્ટે જણાવ્યું હતું કે ‘શેખ હસીનાએ ઢાકા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને ફોન પર ધમકી આપી હતી કે જે રીતે રઝાકારોને ફાંસી આપવામાં આવી હતી એ જ રીતે આ વિરોધીઓને પણ મારી નાખવામાં આવશે. શેખ હસીનાએ વિરોધીઓ પર હેલિકૉપ્ટરમાંથી ઘાતક બૉમ્બ ફેંકવાનો આદેશ આપ્યો હતો. ઢાકા યુનિવર્સિટીમાં શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન દરમ્યાન પોલીસે ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો અને ગોળીબાર કર્યો હતો.’
કોર્ટના નિર્ણયને શેખ હસીનાએ પક્ષપાતી ગણાવ્યો
શેખ હસીનાએ ICTના ચુકાદાને છેતરપિંડી દ્વારા સ્થાપિત પક્ષપાતી અને અલોકતાંત્રિક ટ્રિબ્યુનલનો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ ટ્રિબ્યુનલ એક વચગાળાની સરકાર ચલાવી રહી છે જેની પાસે કોઈ લોકશાહી આદેશ નથી અને જેના નિર્ણયો સ્પષ્ટપણે રાજકીય પ્રેરણાઓ દ્વારા સંચાલિત છે. મૃત્યુદંડની ભલામણ સૂચવે છે કે વચગાળાની સરકારમાં આતંકવાદી તત્ત્વો બંગલાદેશના છેલ્લા ચૂંટાયેલા વડા પ્રધાનને ખતમ કરવા અને રાજકીય બળ તરીકે અવામી લીગને ખતમ કરવા માટે કાવતરું ઘડી રહ્યાં છે. ICT ટ્રાયલનો હેતુ ન્યાય પહોંચાડવાનો નહોતો, પણ અવામી લીગને બલિનો બકરો બનાવવાનો અને વચગાળાની સરકારની નિષ્ફળતાઓ પરથી વૈશ્વિક ધ્યાન હટાવવાનો હતો.


