Darasing Khurana Meets King Charles: લંડનમાં આયોજિત કૉમનવેલ્થ ડે રિસેપ્શનમાં ભારતીય અભિનેતા અને ફિલેનથ્રોપીસ્ટ દારાસિંગ ખુરાનાની રાજા ચાર્લ્સ તૃતીય સાથે થયેલી મુલાકાત ખૂબ જ ખાસ રહી. દારાસિંગ ખુરાના કૉમનવેલ્થ ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાર્યરત છે.
દારાસિંગ ખુરાના અને કિન્ગ ચાર્લ્સની મુલાકાત
લંડનમાં આયોજિત કૉમનવેલ્થ ડે રિસેપ્શનમાં ભારતીય અભિનેતા અને ફિલેનથ્રોપીસ્ટ દારાસિંગ ખુરાનાની બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય સાથે થયેલી મુલાકાત ખૂબ જ ખાસ રહી. દારાસિંગ ખુરાના, જે ૫૬ રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરતો કૉમનવેલ્થ ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાર્યરત છે, તેણે કિન્ગ ચાર્લ્સ સાથે સંસ્કૃતિ, સમાજસેવા અને વૈશ્વિક સહકાર જેવી અગત્યની બાબતો પર ચર્ચા કરી. દારાસિંગ ખુરાનાએ તેના સંવાદની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ‘નમસ્તે’થી કરી. તેણે કિન્ગ ચાર્લ્સને સમજાવ્યું કે નમસ્તે માત્ર અભિવાદન નથી, પણ એ એક આધ્યાત્મિક સંકેત છે કે આપણે એકબીજામાં દૈવી શક્તિને માન્યતા આપીએ છીએ. એ સાંભળીને રાજાએ ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે પૅન્ડેમિક દરમિયાન તેમણે પણ નમસ્તેને પોતાની અભિવ્યક્તિનો ભાગ બનાવ્યો હતો. રાજાએ દારાસિંગના પહેરેલા પરિધાનની પણ પ્રશંસા કરી. આ આઉટફિટ પ્રખ્યાત ડિઝાઇનર અભિષેક ગાંધી દ્વારા ડિઝાઇન કરાયું હતું.
બન્ને વચ્ચેની વાતચીત માત્ર સંસ્કૃતિ સુધી સીમિત નહોતી, તેમણે પરોપકાર અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. દારાસિંગે ‘દાત્રી’ સંસ્થાની વાત કરી, જે વિશ્વની બીજી સૌથી મોટી સ્ટેમ સેલ રજિસ્ટ્રી છે. તે છેલ્લા સાત વર્ષથી આ સંસ્થાના એમ્બેસેડર તરીકે સેવા આપી રહ્યો છે. તેણે રાજાને સમજાવ્યું કે સ્ટેમ સેલ ડોનેશન કેટલું મહત્વપૂર્ણ છે અને તેના દ્વારા કેટલાંય જીવ બચાવી શકાય છે. રાજાએ આ વિષયમાં ગંભીર રુચિ દર્શાવી અને કહ્યું કે આવા વિષયો માટે લોકોને વધુ જાગૃત કરવાનાં પ્રયાસો ખુબ જ મહત્વપૂર્ણ છે. માનસિક આરોગ્યમાં પણ દારાસિંગ ખાસ દિલચસ્પી રાખે છે. તેણે રાજા ચાર્લ્સ સાથે માનસિક આરોગ્યને લઇને પણ ચર્ચા કરી. દારાસિંગે ધ્યાન, યોગ અને આયુર્વેદ જેવા પ્રાચીન ઉપાયોને આધારે હૉલિસ્ટિક વેલનેસના પ્રચાર વિશે વાત કરી અને જણાવ્યું કે માનસિક આરોગ્ય માટે જીવનશૈલીમાં ધીમે ધીમે ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. આ બાબત રાજાને પણ ખૂબ ગમી કારણ કે તેઓ પણ ઘણા વર્ષોથી સસટેનિબિલિટી અને પર્યાવરણીય જાગૃતિ સમર્થક છે.
ADVERTISEMENT
આ મુલાકાત વિશે વાત કરતા દારાસિંગે કહ્યું કે, “રાજાની નમ્રતા અને દયાળુતાએ મને ખૂબ પ્રભાવિત કર્યો. એમની અંદર એક ખરેખર માનવીય નેતૃત્વ છલકે છે, જે સેવા અને સમજદારીના આધાર પર બનેલું છે. મને જે વાત સૌથી વધુ ગમી તે એ હતી કે તેમણે પોતાની જવાબદારીઓ નમ્રતાથી નિભાવે છે. તેનાથી મને સમજાયું કે સાચું નેતૃત્વ સેવા અને સમજણમાં રહેલું છે," તેણે કહ્યું. કૉમનવેલ્થ ગ્લૉબલ એમ્બેસેડર તરીકે દારાસિંગ ખુરાના યુવાનોના સશક્તિકરણ, આરોગ્ય સુધારણા અને આંતરરાષ્ટ્રીય સંવાદ માટે સતત પ્રયત્નશીલ છે. કિન્ગ ચાર્લ્સ સાથેની મુલાકાત માત્ર એક ઓળખનો क्षણ નહોતો, પરંતુ વૈશ્વિક બદલાવ માટે એક મજબૂત પગલું હતું. આ મુલાકાત દ્વારા દારાસિંગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય સંસ્કૃતિ અને માનવસેવા સમસ્ત વિશ્વ માટે પ્રેરણા બની શકે છે.

