વિશ્વનો એક મોટો ભાગ હાલમાં કોઈ ને કોઈ સ્વરૂપે યુદ્ધમાં સામેલ : અમેરિકાના સેન્ટર ફૉર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝના રિપોર્ટમાં દાવો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા સ્થિત સેન્ટર ફોર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ (CSIS)એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વિશ્વનો એક મોટો ભાગ હાલમાં કોઈ ને કોઈ સ્વરૂપે યુદ્ધમાં સામેલ છે. આ રિપોર્ટ અનુસાર રશિયાએ અમેરિકા અને યુરોપ સામે શૅડો વૉર છેડ્યું છે; જેમાં સાઇબર હુમલા, તોડફોડ અને જાસૂસી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એનો ઉદ્દેશ પશ્ચિમી દેશો તરફથી યુક્રેનને મળતી સહાયને નબળી પાડવાનો છે.
CSISના આ દાવા બાદ નિષ્ણાતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું આને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત માનવી જોઈએ? રિપોર્ટ અનુસાર હાલના સમયમાં યુરોપમાં સૈન્યનાં ઠેકાણાંઓ પર વિસ્ફોટ, સરકારી ઈ-મેઇલનાં હૅકિંગ અને દરિયામાં રહેલા કેબલ કાપવા જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ૨૦૨૨માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી યુરોપમાં આવા હુમલાઓની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે રશિયાનાં આ પગલાં યુક્રેનના સાથીદેશોને ડરાવવાની રણનીતિનો એક ભાગ છે. જો યુક્રેનમાં રશિયાની સ્થિતિ મજબૂત બને તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

