મોટેલમાં સાથે કામ કરતા આરોપીએ કુહાડીથી માથું વાઢી નાખ્યું અને પછી ફુટબૉલની જેમ પગેથી લાત મારીને ફંગોળ્યું
જીવ બચાવવા ભાગતા ચંદ્રમૌલિને આરોપીએ પકડ્યા અને પછી ક્રૂરતાપૂર્વક તેમની હત્યા કરી નાખી એ સંપૂર્ણ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ હતી. જીવ ગુમાવનાર ચંદ્રમૌલિ નાગમલ્લૈયા (અંદર)
અમેરિકાના ડૅલસમાં ૩૭ વર્ષના યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ નામના આરોપીએ ભારતીય મૂળના કર્ણાટકના ૫૦ વર્ષના ચંદ્રમૌલિ નાગમલ્લૈયા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ ચંદ્રમૌલિની પત્ની અને પુત્રની સામે જ તેની હત્યા કરી હતી. ચકચાર મચાવતી આ ઘટના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
૧૦ સપ્ટેમ્બરે ડૅલસની ‘ડાઉનટાઉન સૂટ્સ’ નામની એક મોટેલમાં ખરાબ વૉશિંગ મશીન અંગે આરોપી અને મોટેલના ભારતીય NRI મૅનેજર ચંદ્રમૌલિ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા પછી આરોપીએ ક્રૂરતાપૂર્વક કુહાડીથી ચંદ્રમૌલિનું માથું કાપી નાખ્યું હતું. આ હુમલાનો ભયાનક વિડિયો સામે આવ્યો હતો જેમાં ચંદ્રમૌલિ ચીસો પાડતો અને જીવ બચાવવા માટે ભાગતો જોવા મળે છે, પરંતુ આરોપી તેનો પીછો કરીને તેના પર હુમલો કરે છે.
ADVERTISEMENT
ચંદ્રમૌલિ નાગમલ્લૈયા અને આરોપી કોબોસ-માર્ટિનેઝ બન્ને આ મોટેલમાં કામ કરતા હતા. તે બન્ને અને એક મહિલા સાફસફાઈ કરી રહ્યાં હતાં ત્યારે ચંદ્રમૌલિએ આરોપીને તૂટેલા મશીનનો ઉપયોગ ન કરવાનું કહેતાં બેઉ વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે.
આરોપીએ પહેલાં ચંદ્રમૌલિ પર છરીથી અનેક હુમલા કર્યા એટલે તેમણે પાર્કિંગમાં ફ્રન્ટ ઑફિસ તરફ દોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ આરોપીએ તેમનો પીછો કર્યો હતો. ચંદ્રમૌલિની પત્ની અને ૧૮ વર્ષનો પુત્ર પણ ફ્રન્ટ ઑફિસમાંથી બહાર નીકળી ગયાં હતાં અને આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે તેમને ધક્કો મારીને દૂર ફંગોળી દીધાં હતાં. ત્યાર બાદ આરોપીએ ચંદ્રમૌલીનું માથું કાપી નાખ્યું હતું અને એને લાત મારીને ફુટબૉલની જેમ ફંગોળ્યું હતું.
ભારતીય કૉન્સ્યુલેટે ચંદ્રમૌલિના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ‘તેમની કાર્યસ્થળ પર નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. અમે તેમના પરિવાર સાથે સંપર્કમાં છીએ અને શક્ય તમામ સહાય આપી રહ્યા છીએ. આરોપી પોલીસની કસ્ટડીમાં છે.’
ટ્રમ્પના સહાયકનો દાવો : આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો ગેરકાયદે ઇમિગ્રન્ટ, ડીટેન થયા પછી ડિપૉર્ટ કરવાનો આદેશ છતાં બાઇડન સરકારે તેને મુક્ત કર્યો
આરોપી કોબોસ-માર્ટિનેઝ હ્યુસ્ટનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાના અહેવાલ છે. અગાઉ ઑટોની ચોરી અને હુમલા માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનાં સહાયક લૌરા લુમરે જણાવ્યું હતું કે ‘મોટેલમાં ભારતીય NRIની હત્યા કરનારો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો ગેરકાયદે ઇમિગ્રન્ટ છે. યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ સામે દેશનિકાલનો આદેશ હોવા છતાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડનના પ્રશાસને તેને મુક્ત કર્યો હતો. આ માટે એવી દલીલ આપવામાં આવી હતી કે ક્યુબા આ વ્યક્તિને સ્વીકારશે નહીં. ટ્રમ્પ સત્તાનાં સૂત્રો હાથમાં લે એના એક અઠવાડિયા પહેલાં યોર્ડાનિસને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.’

