ભારત અને અમેરિકા વચ્ચેની કડવાશ દૂર કરવા ભારતમાં અમેરિકાના નવા રાજદૂત ઉમેદવાર મેદાનમાં ઊતર્યા, પ્રેસિડન્ટના માનીતા સર્જિયો ગોરે સેનેટના ભાષણમાં ભારતનાં ભરપેટ વખાણ કર્યાં અને ડોનલ્ડ ટ્રમ્પ-નરેન્દ્ર મોદીની મિત્રતાને અદ્ભુત ગણાવી
સર્જિયો ગોરે
સર્જિયો ગોરનું નામ ભારતમાં અમેરિકાના આગામી રાજદૂત તરીકે પ્રસ્તાવિત થયું છે. તેમણે સેનેટમાં તેમના સંબોધન વખતે કહ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસનની સૌથી મોટી પ્રાથમિકતા ભારતને રશિયન તેલ ખરીદવાથી રોકવાની છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે ટૅરિફ-ડીલ પર વાતચીત અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં સકારાત્મક પરિણામ આવી શકે છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘પ્રેસિડન્ટ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવું પડશે. બ્રિક્સ જૂથમાં ઘણા મુદ્દાઓ પર ભારત હંમેશાં અમારી સાથે રહ્યું છે. ઘણા બ્રિક્સ દેશો લાંબા સમયથી અમેરિકન ડૉલરથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારતે એને રોકવા માટે કામ કર્યું છે. ભારત બાકીના બ્રિક્સ દેશો કરતાં વાત કરવા અને અમારી સાથે જોડાવા માટે વધુ તૈયાર છે.’
ટ્રેડ-ડીલ મુદ્દે ગોરે વધુમાં કહ્યું હતું કે ‘બન્ને પક્ષો એનાં બારીક પાસાંઓ પર ચર્ચા કરી રહ્યા છે. અમને ઘણી વાર અન્ય દેશો કરતાં ભારત પાસેથી વધુ અપેક્ષા હોય છે. મને લાગે છે કે થોડાં અઠવાડિયાંઓમાં આ મુદ્દો ઉકેલાઈ જશે.’
ADVERTISEMENT
ભારત મહત્ત્વનું ભાગીદાર
સર્જિયો ગોરે ભારતને અમેરિકાનો મહત્વનું વ્યૂહાત્મક ભાગીદાર ગણાવતાં કહ્યું હતું કે ‘પ્રેસિડન્ટ ટ્રમ્પના મજબૂત નેતૃત્વ હેઠળ તેઓ ભારત સાથે સંબંધોને વધુ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતનું ભૌગોલિક સ્થાન, એનો આર્થિક વિકાસ અને લશ્કરી ક્ષમતા એને પ્રાદેશિક સ્થિરતાનો આધાર બનાવે છે.’
ટ્રમ્પ-મોદી મિત્રતા પર ભાર
જો સેનેટ સર્જિયો ગોરને ભારતના રાજદૂત તરીકે નિયુક્તિને મંજૂરી આપે છે તો તેઓ સૌથી યુવા અમેરિકન રાજદૂત હશે. ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધોને અદ્ભુત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘ટૅરિફને લઈને બન્ને દેશો વચ્ચે તનાવ હોવા છતાં બન્ને નેતાઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને મિત્રતા મજબૂત છે. પ્રેસિડન્ટ ઘણી વાર અન્ય દેશોના નેતાઓની ટીકા કરે છે, પરંતુ જ્યારે ભારતની વાત આવે છે ત્યારે તેમણે હંમેશાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. બન્ને વચ્ચે અદ્ભુત સંબંધ છે.’
અમેરિકાની સમગ્ર વસ્તી કરતાં ભારતના મિડલ ક્લાસ લોકોની સંખ્યા વધુ છે
ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા સહયોગ બાબતે સર્જિયો ગોરને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘એ માટેની સંભાવનાઓ તો અનંત છે. ભારતની લોકવસ્તી ૧૪૦ કરોડ જેટલી છે. ત્યાંની લોકવસ્તીમાં માત્ર મિડલ ક્લાસ લોકોની સંખ્યા પણ અમેરિકાની સમગ્ર લોકવસ્તીની સંખ્યા કરતાં વધારે છે. અમેરિકા ભારતના માર્કેટમાં વ્યાપ વધારવાની સંપૂર્ણ ઇચ્છા ધરાવે છે.’

