બીફ, કૉફી અને ઉષ્ણકટિબંધીય ફળો સહિત વિવિધ ચીજવસ્તુઓ પરની ટૅરિફ દૂર કરવાનો સમાવેશ થાય છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં બીફ, કૉફી અને ઉષ્ણકટિબંધીય ફળો સહિત વિવિધ ચીજવસ્તુઓ પરની ટૅરિફ દૂર કરવાનો સમાવેશ થાય છે. અમેરિકામાં મોંઘવારી વધી રહી છે અને જીવનજરૂરી ચીજોના ભાવ ખૂબ ઊંચા હોવાની અમેરિકનોની ફરિયાદના પગલે આ પગલું લેવામાં આવ્યું છે. તાજેતરમાં ચૂંટણીઓમાં મળેલી હારને લીધે પણ આ નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાય છે.
આ મહિનાની શરૂઆતમાં ઑફ-યર ચૂંટણીઓમાં વર્જિનિયા અને ન્યુ જર્સીમાં ડેમોક્રૅટ્સ માટે મોટી જીત થઈ હતી. ટ્રમ્પે એપ્રિલમાં મોટા ભાગના દેશો પર ટૅરિફ લાદી હતી. ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે ટૅરિફ ચીજવસ્તુઓને મોંઘી કરતી નથી. જોકે આર્થિક પુરાવાઓ વિપરીત છે.
ADVERTISEMENT
બીફના રેકૉર્ડ ઊંચા ભાવથી અમેરિકનોમાં ચિંતા ઊભી થઈ હતી, કારણ કે બીફના મુખ્ય નિકાસકાર બ્રાઝિલ પર ટ્રમ્પે આકરી ટૅરિફ લગાવી દીધી હતી. એક્ઝિક્યુટિવ ઑર્ડર ચા, ફળોના રસ, કોકો, મસાલા, કેળાં, નારંગી, ટમેટાં અને ચોક્કસ ખાતરો પરની ટૅરિફને પણ દૂર કરે છે. આવરી લેવામાં આવેલાં કેટલાંક ઉત્પાદનો અમેરિકામાં ઉત્પન્ન થતાં નથી.


