એકબીજાના દેશની રાજધાનીમાં રાજદૂતોને પુનઃસ્થાપિત કરવા માટે સંમત થઈ ગયા
ગઈ કાલે કૅનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના કડવા રાજદ્વારી વિવાદના મહિનાઓ પછી ભારત અને કૅનેડા મંગળવારે એકબીજાની રાજધાનીઓમાં રાજદૂતોને પુનઃસ્થાપિત કરવા સંમત થયા હતા. કૅનેડામાં ગ્રુપ ઑફ સેવન (G7) સમિટ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીને મળ્યા હતા અને તેમની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.
ગયા વર્ષે કાર્નીના પુરોગામી જસ્ટિન ટ્રુડોએ જાહેરમાં કૅનેડિયન ભૂમિ પર સિખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. આ આરોપને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. આ પછી નવી દિલ્હી અને ઓટાવાએ એકબીજાના રાજદૂતોને દેશ છોડવા આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
કૅનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્નીએ માર્ચમાં હોદ્દો સંભાળ્યો હતો અને તેમણે G7 સમિટમાં વડા પ્રધાન મોદીને ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. બન્ને નેતાઓએ સમિટની સાઇડલાઇન્સમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને સંમત થયા હતા કે બન્ને દેશો નવા હાઈ કમિશનરોની નિમણૂક કરશે.
કૅનેડાના વડા પ્રધાન કાર્નીની ઑફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બન્ને નેતાઓએ બન્ને દેશોના નાગરિકો અને વ્યવસાયોને નિયમિત સેવાઓ પરત કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
G7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવું એ એક મહાન સન્માન છે એમ જણાવીને કૅનેડાના વડા પ્રધાન કાર્નીએ કહ્યું કે ઊર્જા સુરક્ષા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ભવિષ્યથી લઈને આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામેની લડાઈ સુધીના મુદ્દાઓ પર આપણે સાથે મળીને કામ કરવાની આશા રાખીએ છીએ.
લિબરલ પાર્ટીને ચૂંટણીમાં જીત તરફ દોરી જવા બદલ માર્ક કાર્નીને અભિનંદન આપીને વડા પ્રધાન મોદીએ એ પણ ખાતરી આપી કે ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો ઘણી રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કૅનેડા અને ભારત બન્ને લોકશાહી મૂલ્યો પ્રત્યે સમર્પિત છે. મને વિશ્વાસ છે કે ભારત અને કૅનેડા ઘણાં ક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે સાથે મળીને કામ કરશે.
ભારત-કૅનેડા સંબંધો
સિખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વિવાદથી ભારત અને કૅનેડા વચ્ચે રાજદ્વારી સેવાઓને અસર પડી હતી. કૅનેડામાં વિશાળ ભારતીય ડાયસ્પોરાને કારણે ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે, જે ભારતની બહાર સૌથી મોટી સિખ વસ્તીનું ઘર છે. ખાલિસ્તાન નામના સ્વતંત્ર સિખ રાજ્યની હિમાયત કરનારા કૅનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની ૨૦૨૩માં બ્રિટિશ કોલંબિયામાં એક સિખ મંદિરના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર સીધી સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ભારતે નિજ્જરની હત્યામાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કૅનેડાએ ખાલિસ્તાનના હિંસક હિમાયતીઓ સામે વધુ કાર્યવાહી કરવી જોઈએ.

