બંગલાદેશમાં ઈંધણની વધતી જતી કટોકટી વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવીને ૫૦૦૦ ટન ડીઝલનું શિપમેન્ટ મોકલ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશમાં ઈંધણની વધતી જતી કટોકટી વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવીને ૫૦૦૦ ટન ડીઝલનું શિપમેન્ટ મોકલ્યું છે. ભારત અને બંગલાદેશ વચ્ચે પાઇપલાઇન કરાર થયા બાદ ડીઝલનો પુરવઠો હવે ફરી શરૂ થયો છે. દ્વિપક્ષીય કરાર હેઠળ ભારતથી પાઇપલાઇન દ્વારા બંગલાદેશમાં ૫૦૦૦ ટન ડીઝલનું શિપમેન્ટ મોકલવામાં આવી રહ્યું છે. આ ડીઝલ પાર્વતીપુર સરહદ દ્વારા બંગલાદેશમાં પ્રવેશ કરશે.
બંગલાદેશ પેટ્રોલિયમ કૉર્પોરેશન (BPC)ના ચૅરમૅન મુહમ્મદ રેઝાનુર રહમાને જણાવ્યું હતું કે ‘ભારતથી પાઇપલાઇન દ્વારા બંગલાદેશમાં ૫૦૦૦ ટન ડીઝલ આયાત કરવામાં આવી રહ્યું છે. અમારો ભારત સાથે કરાર છે અને એ કરાર મુજબ ભારત દર વર્ષે પાઇપલાઇન દ્વારા બંગલાદેશને ૧,૮૦,૦૦૦ ટન ડીઝલ સપ્લાય કરશે. હાલમાં આવી રહેલું ૫૦૦૦ ટન ડીઝલ એ કરારનો એક ભાગ છે. કરાર મુજબ છ મહિનાની અંદર બંગલાદેશમાં ઓછામાં ઓછું ૯૦,૦૦૦ ટન ડીઝલ આયાત કરવું પડશે. અમે આગામી બે મહિનામાં છ મહિનાનો પુરવઠો આયાત કરવાની આશા રાખીએ છીએ.’
