કેરલામાં રહેતા અબુબકર મુસલિયાર ગ્રૅન્ડ મુફ્તીનું બિરુદ ધરાવે છે, સુન્ની મુસ્લિમોની ટોચની વ્યક્તિ છે
અબુબકર મુસલિયાર, નિમિષા પ્રિયા
યમનના હુથી બળવાખોરોના કબજા હેઠળના શહેર સનામાં ૩૭ વર્ષની ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી ટળી એની પાછળ ૯૪ વર્ષના મુસ્લિમ ધર્મગુરુ કંથાપુરમ એ. પી. અબુબકર મુસલિયાર મુખ્ય વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા છે. તેમનું સત્તાવાર નામ શેખ અબુબકર અહમદ છે. તે કેરલામાં રહે છે, જે નિમિષા પ્રિયાનું પણ હોમ-સ્ટેટ છે. તેઓ ભારત અને સાઉથ એશિયન ક્ષેત્રમાં સુન્ની ઇસ્લામ સંપ્રદાયમાં ટોચની વ્યક્તિ છે.
તેઓ ‘ભારતના ગ્રૅન્ડ મુફ્તી’નું બિરુદ ધરાવે છે. સરકારની મંજૂરીના અર્થમાં આ પદવી સત્તાવાર નથી. એમ છતાં તેઓ ‘ભારતના ગ્રૅન્ડ મુફ્તી’ તરીકે વ્યાપકપણે જાણીતા છે. હકીકતમાં આ પદવી ધરાવતી તેઓ દસમી વ્યક્તિ છે. ઇસ્લામ અને ભારતમાં અન્ય ગ્રૅન્ડ મુફ્તીઓ પણ છે, જેમાં અગ્રણી મસ્જિદો તેમનું મુખ્ય મથક છે. ‘મુફ્તી’ શબ્દનો અર્થ ઇસ્લામિક કાયદાના નિષ્ણાત થાય છે.
ADVERTISEMENT
કોઝીકોડમાં જન્મેલા અબુબકર મુસલિયાર રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિદ્વાનોની પરિષદોમાં પણ સક્રિય છે. તેઓ ગલ્ફ અને સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાં ઉપદેશો અને પ્રવચનો માટે અવારનવાર જાય છે. તેઓ કોઝીકોડમાં એક પ્રાઇવેટ ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપ અને મરકઝ નૉલેજ સિટી પ્રોજેક્ટના અધ્યક્ષ પણ છે. આ પ્રોજેક્ટમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર ઉપરાંત મેડિકલ અને લૉ કૉલેજો પણ છે.
બ્લડ-મની આપવાની તૈયારી
નિમિષા પ્રિયા દ્વારા ૨૦૧૭માં જેની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી એ તલાલ અબ્દો મહદીના પરિવાર સાથે અબુબકર મુસલિયાર સંપર્કમાં છે. તેમણે શરિયા કાયદાના વિદ્વાન હોવાને કારણે તેમણે બ્લડ-મનીના બદલામાં તલાલ અબ્દો મહદીના પરિવારને નિમિષા પ્રિયા પ્રત્યે દયાની વિભાવના દર્શાવવા વિનંતી કરી છે. સામાન્ય રીતે આ રીતે આપવામાં આવતી નાણાકીય સહાયને બ્લડ-મની કહેવામાં આવે છે. નિમિષા પ્રિયા માટે તેમણે યમનના ધાર્મિક અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
આ મુદ્દે અબુબકર મુસલિયારે કહ્યું હતું કે ‘ઇસ્લામમાં બીજો કાયદો છે. જો ખૂનીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે તો પીડિતના પરિવારને માફી આપવાનો અધિકાર છે. મને ખબર નથી કે આ પરિવાર કોણ છે, પરંતુ ઘણા દૂરથી મેં યમનના જવાબદાર વિદ્વાનોનો સંપર્ક કર્યો હતો. મેં તેમને મુદ્દાઓ સમજાવ્યા છે. ઇસ્લામ એક એવો ધર્મ છે જે માનવતાને ખૂબ મહત્ત્વ આપે છે. મેં વડા પ્રધાનના કાર્યાલયને એક પત્ર પણ મોકલ્યો છે.’

