Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટુમોરોલેન્ડ મુશ્કેલીમાં: બેલ્જિયમમાં ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા આઇકોનિક સ્ટેજ પર લાગી ભીષણ આગ

ટુમોરોલેન્ડ મુશ્કેલીમાં: બેલ્જિયમમાં ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા આઇકોનિક સ્ટેજ પર લાગી ભીષણ આગ

Published : 17 July, 2025 11:15 AM | Modified : 18 July, 2025 06:59 AM | IST | Antwerp
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Tomorrowland Festival Fire: ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલ ટુમોરોલેન્ડના મુખ્ય સ્ટેજમાં ભીષણ આગ લાગી; સ્ટાફના ૧૦૦૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બેલ્જિયમ (Belgium)ના બૂમમાં ટુમોરોલેન્ડ (Tomorrowland) ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલ માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ, ફેસ્ટિવલ શરૂ થવાના બે દિવસ પહેલા ત્યાં એક અકસ્માત થયો છે. બેલ્જિયમના બૂમ (Boom)માં ટુમોરોલેન્ડના મુખ્ય સ્ટેજમાં આગ (Tomorrowland Festival Fire) લાગી ગઈ છે.


ટુમોરોલેન્ડ ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલ એ વિશ્વના સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રોનિક મ્યુઝિક ફેસ્ટિવલમાંનો એક છે. વિશ્વભરના લાખો ચાહકો અહીં પહોંચવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બુધવાર, ૧૬ જુલાઈના રોજ બેલ્જિયમના પ્રતિષ્ઠિત ટુમોરોલેન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ સ્થળના મુખ્ય સ્ટેજ પર ભીષણ આગ લાગી હતી. જે દુર્ઘટના કાર્યક્રમ શરૂ થવાના માત્ર ૪૮ કલાક પહેલા જ બની હતી. આગના કારણે ‘વર્લ્ડ ઓફ ઓર્બીઝ’ (World of Orbyz) થીમ આધારિત માળખું નાશ પામ્યું હતું, જેના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને બ્રસેલ્સની ઉત્તરે આવેલા બૂમ (Boom, north of Brussels)માં સ્થળ પરથી લગભગ ૧૦૦૦ સ્ટાફ સભ્યોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.



ફેસ્ટિવલના આયોજકોએ પુષ્ટિ આપી છે કે, ટુમોરોલેન્ડ ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલમાં લાગેલી આગની આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અયોજકોએ કહ્યું કે, ‘ટુમોરોલેન્ડ મેઈનસ્ટેજ પર એક ગંભીર ઘટના અને આગને કારણે, અમારા પ્રિય મેઈનસ્ટેજને ભારે નુકસાન થયું છે. અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ નથી.’ ફેસ્ટિવલની વેબસાઇટ પર પ્રકાશિત એક નિવેદનમાં આયોજકોએ આ વાત જણાવી હતી.


પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, સ્ટેજની જમણી બાજુએ આતશબાજીના પરીક્ષણો દરમિયાન આગ લાગી હશે. જોકે, હજી સુધી કોઈ સત્તાવાર કારણની પુષ્ટિ થઈ નથી. આગને નજીકના જંગલોમાં ફેલાતી અટકાવવા માટે બૂમ અને પડોશી એન્ટવર્પના ૫૦થી વધુ અગ્નિશામકોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ કટોકટીની ચેતવણીઓ જારી કરીને રહેવાસીઓને સાવચેતી તરીકે બારીઓ અને દરવાજા બંધ રાખવા સલાહ આપી હતી. જોકે, ફાયર અધિકારીઓએ પાછળથી પુષ્ટિ કરી કે ધુમાડો ઝેરી નહોતો. આગ લાગી ત્યારે ફેસ્ટિવલમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિઓ સ્થળ પર હાજર નહોતા, પરંતુ લગભગ ૧૦૦૦ સ્ટાફ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ટુમોરોલેન્ડના પ્રવક્તા ડેબી વિલ્મસેને જણાવ્યું હતું કે, ‘ક્રૂ બરબાદ થઈ ગયો. ફેસ્ટિવલને ખૂબ પ્રેમ અને જુસ્સા સાથે બનાવવામાં વર્ષો લાગ્યા. અમે તેને એક મહાન ઉત્સવ બનાવવા જઈ રહ્યા છીએ. તે મુખ્ય મંચ વિના હશે. પરંતુ આશા છે કે, આપણે બીજું કંઈક કરી શકીશું.’ આગની દુર્ઘટના પછી પણ ફેસ્ટિવલનું આયોજન થશે આ વાતની તેમણે પુષ્ટિ કરી હતી.


હાલમાં, આગનું કારણ તપાસ હેઠળ છે અને અધિકારીઓ મૂલ્યાંકન કરી રહ્યા છે કે શુક્રવારે મ્યુઝિક ફેસ્ટિવલના સત્તાવાર ઉદઘાટન પહેલાં મુખ્ય સ્ટેજના માળખાના કોઈપણ ભાગને બચાવી શકાય છે કે કેમ. તમને જણાવી દઈએ કે, ટુમોરોલેન્ડ ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલ ૧૮ જુલાઈથી શરૂ થવાનો છે.

તમને જણાવી દઈએ કે, ટુમોરોલેન્ડના ઇતિહાસમાં આ બીજી મોટી આગ છે. વર્ષ ૨૦૧૭માં, બાર્સેલોના સેટેલાઇટ ઇવેન્ટમાં આગ લાગવાથી સ્ટીવ ઓકી (Steve Aoki)ના પર્ફોમન્સના થોડાક કલાકો પેહલા ૨૨,૦૦૦ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2025 06:59 AM IST | Antwerp | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK