મે ૨૦૨૫માં ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના પંજાબ અને PoKમાં આતંકવાદી ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદના સંગઠન લશ્કર-એ-તય્યબાના કમાન્ડર આમિર ઝિયાએ ખુલ્લેઆમ કાશ્મીરમાં આતંક ફેલાવવાની અને ભારતમાં વિનાશ મચાવવાની ધમકી આપી છે. આમિર ઝિયા પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં લશ્કર-એ-તય્યબાનો કમાન્ડર છે.
લશ્કરની PoK વિંગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આમિર ઝિયાએ ભારત તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે ‘ગાયની પૂજા કરતો આપણો પાડોશી આજે આપણને ધમકી આપી રહ્યો છે. તેઓ એટલા હિંમતવાન થઈ ગયા છે કે તેઓ PoK પર વિજય મેળવવાની વાત કરી રહ્યા છે, પરંતુ અમે અમારી લડાઈથી પાછળ હટીશું નહીં. અમે કાશ્મીરને આઝાદ કરીશું અને સમગ્ર ભારતમાં વિનાશ મચાવીશું. ગજવા-એ-હિન્દ માટે હવે બધાં જૂથોએ ભારત સામે એક થવાની જરૂર છે.’
ADVERTISEMENT
આતંકવાદી સંગઠનોએ ફરી ભરતી શરૂ કરી
મે ૨૦૨૫માં ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના પંજાબ અને PoKમાં આતંકવાદી ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં હતાં. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબાની ઘણી ઇમારતોનો નાશ કરવામાં આવ્યો હતો. હવે આ બન્ને આતંકવાદી જૂથો ફરીથી સક્રિય થઈ ગયાં છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તય્યબા અને જૈશ-એ-મોહમ્મદની સંગઠનાત્મક અને કાર્યકારી પ્રવૃત્તિઓ વિશે ચેતવણી આપી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઑપરેશન સિંદૂરના ૭ મહિના પછી બન્ને આતંકવાદી સંગઠનોએ ભરતી ફરી શરૂ કરી છે.


