પાંચ દિવસના અઠવાડિયા માટે બૅન્ક-કર્મચારીઓએ ૨૭ જાન્યુઆરીએ એક દિવસની હડતાળ જાહેર કરી છે, આગલા ત્રણ દિવસ આમ પણ રજા છે
પ્રતીકાત્મક તસવીર
પાંચ દિવસના અઠવાડિયાની માગણી સાથે બૅન્ક-કર્મચારીઓના યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સે ૨૭ જાન્યુઆરીએ હડતાળનું એલાન કર્યું છે. ૨૪ જાન્યુઆરી (ચોથો શનિવાર), ૨૫ જાન્યુઆરી (રવિવાર) અને ૨૬ જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ)એ રજા હોવાથી આ ત્રણ દિવસ બૅન્કો આમ પણ બંધ રહેવાની છે અને હવે ૨૭ જાન્યુઆરીએ હડતાળના કારણે સતત ચાર દિવસ માટે બૅન્કો બંધ રહેશે. આનાથી બૅન્કિંગ સર્વિસ પર અસર પડશે પરંતુ ડિજિટલ બૅન્કિંગ સામાન્ય રહેશે. સતત ચાર દિવસ બૅન્કો બંધ રહેવાને કારણે રોકડ ઉપાડ, ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક અપડેટ, લોન સંબંધિત કામ વગેરે સહિતની બૅન્કિંગ સર્વિસ પ્રભાવિત થશે.
ગ્રાહકોને ૨૩ જાન્યુઆરી સુધીમાં તેમનું કામ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય બૅન્ક્સ અસોસિએશન દ્વારા સૈદ્ધાંતિક રીતે સંમત થયા પછી પણ વેતન સુધારણા વિશે સરકાર અંતિમ નિર્ણય લેવામાં નિષ્ફળ જવાને કારણે આ હડતાળ યોજાઈ રહી છે.


