૧૨ વર્ષની છોકરી પર જાતીય અત્યાચાર કરવા ખોટી આધ્યાત્મિક શક્તિઓ હોવાનો દાવો કરતો હતો
પ્રતીકાત્મક તસવીર
ઈસ્ટ લંડનમાં એક આદરણીય ધાર્મિક નેતા તરીકેના પોતાના પદનો દુરુપયોગ કરીને મહિલાઓ પર બળાત્કાર કરવાના દોષી અબ્દુલ હલીમ ખાનને ગુરુવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મેટ્રોપૉલિટન પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે ૫૪ વર્ષના ભૂતપૂર્વ ઇમામ અબ્દુલ હલીમ ખાને ૧૨ વર્ષની નાની ઉંમરની છોકરીઓ પર બળજબરી અને જાતીય શોષણ કરવા માટે પોતાની પાસે આધ્યાત્મિક શક્તિઓ હોવાનો ખોટો દાવો કર્યો હતો. તે ૨૦૦૪થી ૨૦૨૫ દરમ્યાન ૭ મહિલાઓ અને છોકરીઓ સામે બળાત્કાર, જાતીય હુમલો અને બાળજાતીય ગુનાઓ સહિત ૨૧ જાતીય ગુનાઓમાં દોષી ઠર્યો હતો.
ઇમામને આજીવન કેદની સજા ફટકારીને કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ૨૦ વર્ષના કારાવાસ બાદ જ તેના પરોલ માટે વિચારણા કરવામાં આવશે. અબ્દુલ હલીમ ખાને ઈસ્ટ લંડનના ટાવર હૅમલેટ્સમાં રહેતી બંગલાદેશી મુસ્લિમ સમુદાયની મહિલાઓ અને છોકરીઓને નિશાન બનાવી હતી. મસ્જિદના ઇમામ તરીકેના પોતાના પદનો દુરુપયોગ કરીને તે મહિલાઓ અને છોકરીઓને હેરાન કરતો હતો, એકાંત સ્થળોએ અને તેમનાં પોતાનાં ઘરોમાં મીટિંગો ગોઠવતો હતો. ત્યાં તે જીન અથવા અલૌકિક આત્મા પોતાના કબજામાં હોવાના અથવા વશમાં હોવાના ખોટા બહાના હેઠળ તેમનું જાતીય શોષણ કરતો હતો.
