૩ ડેપો અને ૩૦ ફ્યુઅલ ટૅન્ક તબાહ, તેલના લીકેજથી આગની નદીની જેમ જ્વાળા રોડ પર ફેલાઈ, ધુમાડાના ગોટેગોટાને કારણે જાણે કાળો વરસાદ પડ્યો હોય એમ પાણી પણ કાળું પડી ગયું
ઈરાનના મુખ્ય ત્રણ ઑઇલડેપો પર હુમલો થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી જે આસપાસના વિસ્તારોમાં દાવાનળની જેમ ફેલાઈ હતી.
ઇઝરાયલી સૈન્યએ શનિવારે અનેક તેલ સંઘરતાં સંકુલો પર હુમલો કર્યા બાદ તેહરાન અને પાડોશી શહેર કારાજમાં વિસ્ફોટો થયા હતા, જેનાથી આકાશમાં આગ અને ધુમાડાના વિશાળ ગોટા ફેલાઈ ગયા હતા. ઇઝરાયલે તેહરાન અને અલ્બોર્ઝ પ્રાંતોમાં અનેક ઑઇલ ડેપોને નિશાન બનાવ્યા હતા. સોશ્યલ મીડિયા પર ફરતા વિડિયોમાં આગની વિશાળ જ્વાળાઓ જોવા મળી હતી.
આ મુદ્દે ઈરાનના તેલ-મંત્રાલયે જણાવ્યું હતું કે ફાયર-બ્રિગેડ અને ઇમર્જન્સી ટીમો આગ ઓલવવા માટે કામ કરી રહી છે. દેશમાં બળતણ કે ઊર્જાની અછત રહેશે નહીં, કારણ કે આવા હુમલાઓની અપેક્ષા હોવાથી પહેલેથી જ સાવચેતી રાખવામાં આવી હતી.
ઇઝરાયલી સૈન્યએ હુમલાઓની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ઑઇલ ડેપો અને ઊર્જા સંકુલનો ઉપયોગ ઈરાનનાં સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આ હુમલો ઈરાની સરકારના લશ્કરી માળખાને તોડી પાડવાનો હતો. બીજી તરફ ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝે જણાવ્યું હતું કે એણે બદલામાં ઇઝરાયલ પર હુમલાઓનો નવો દોર શરૂ કર્યો છે.
ADVERTISEMENT
ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી હતી કે ‘ઈરાનમાં અમેરિકા-ઈઝરાયલી બૉમ્બમારો કરવાનું અભિયાન ચાલુ રહેશે. ઈરાનીઓ માટે તેમની સરકારને ઊથલાવી પાડવાનો સમય નજીક આવી રહ્યો છે. ઇઝરાયલ ઈરાનને વિભાજિત કરવાનો પ્રયાસ નથી કરી રહ્યું પરંતુ એને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.’
તેલ અવિવમાં ૧૦ ધડાકા, ઈરાનની નવી મિસાઇલોથી ઇઝરાયલ અલર્ટ
મિડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે ગઈ કાલે ઈરાને ઇઝરાયલના તેલ અવિવમાં એક પછી એક મિસાઇલો છોડી હતી અને એને કારણે ૧૦ સ્થળે વિસ્ફોટો સંભળાયા હતા. ઇઝરાયલે ઈરાને છોડેલી આ નવી બૅલિસ્ટિક મિસાઇલોની ઓળખ કર્યાની પુષ્ટિ કરી છે. ઇઝરાયલના સેન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘તેલ અવિવમાં મિસાઇલ અને ઇન્ટરસેપ્ટર સિસ્ટમ સક્રિય છે. ખતરાને રોકવા માટે ઍર ડિફેન્સ સિસ્ટમ પણ ઍક્ટિવ છે. અમારા હુમલામાં ઈરાનની સૈન્ય-ક્ષમતામાં ઘટાડો થયો છે. ઈરાનની મિસાઇલ અને નૌકાદળ સૌથી વધારે પ્રભાવિત થયાં છે.’
