છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે સેન્ટ્રલ વિયેટનામમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી
વિયેટનામમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી
છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે સેન્ટ્રલ વિયેટનામમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. વિયેટનામની ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં લગભગ ૬૭,૭૦૦ ઘર ડૂબી ગયાં હતાં, ૧૩,૦૦૦ હેક્ટરથી વધુ વિસ્તારનાં ખેતરોનો પાક બગડી ગયો હતો અને ૩૦,૭૦૦ પ્રાણીઓ મૃત્યુ પામ્યાં હતાં. છેલ્લા ૩ દિવસમાં ૪૩ લોકોએ પૂરને કારણે જીવ ગુમાવ્યો હતો. એવું અનુમાન છે ૧૨૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૦૭૫ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. દેશભરમાં લગભગ ૧૦ લાખ લોકો પ્રભાવિત થયા હતા.
ઉત્તરાખંડના અલ્મોડામાં સ્કૂલ નજીક જિલેટિનની ૧૬૧ સ્ટિક મળી આવી
ADVERTISEMENT
ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં ડબરાની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ પાસેનાં જંગલોમાંથી ૧૬૧ જિલેટિન સ્ટિક મળી આવી હતી. કેટલાંક બાળકોએ આ શંકાસ્પદ વસ્તુઓ જોઈને સ્કૂલના પ્રિન્સિપાલને જાણ કરી હતી. તેમણે પછી સલ્ટ પોલીસ-સ્ટેશનને જાણકારી આપી હતી. પોલીસે સુરક્ષાનાં કારણોસર સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પોલીસને ઘટનાસ્થળેથી કુલ ૧૬૧ જિલેટિન સ્ટિક મળી આવી છે. આ શંકાસ્પદ સામગ્રી માનવામાં આવી રહી છે અને જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને ડૉગ-સ્ક્વૉડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસે આ મામલે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને એની તપાસ માટે ૪ ટીમ બનાવવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરના સાંબા વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, થોડો સમય નિરીક્ષણ કર્યા બાદ પાછું ફરી ગયું
જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પરના એક ગામ પર શુક્રવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું. આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘સરહદપાર ચક ભૂરા ચોકીથી પ્રવેશેલા માનવરહિત ડ્રોને ઘગવાલ સેક્ટરના રીગલ ગામ પર થોડી મિનિટો માટે ઉડાન ભરી હતી અને પછી પાકિસ્તાન બાજુએ પાછું ફર્યું હતું. સુરક્ષા દળોએ હથિયારો અથવા માદક દ્રવ્યોના કોઈ પણ માલને હવામાંથી ફેંકવામાં આવ્યો છે કે નહીં એ શોધી કાઢવા માટે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. આ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલુ છે.’
૧૦૦૦ કરોડના સાઇબર ફ્રૉડનો પર્દાફાશ
દિલ્હી પોલીસે ૪૮ કલાકમાં મોટા પાયે ઑપરેશન સાઇબર હૉક ચલાવીને જબરદસ્ત કાર્યવાહી કરી હતી. આ ઑપરેશનમાં પોલીસે ૭૦૦થી વધુ સાઇબર ગુનેગારોને ઝડપ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમાં ૧૦૦૦ કરોડથી વધુ રૂપિયાના સાઇબર ફ્રૉડનું મોટું નેટવર્ક બેનકાબ થયું હતું. સાઇબર ગુનેગારોનાં ઠેકાણાંઓ પરથી મોટી માત્રામાં મોબાઇલ, લૅપટૉપ, સિમ કાર્ડ, સર્વર અને ડિજિટલ રેકૉર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં. પોલીસે આ કાર્યવાહીમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી મોટા સાઇબર ફ્રૉડના વિશાળ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટ માત્ર દિલ્હી જ નહીં, ભારતભરમાંથી નિર્દોષ લોકોને ફ્રૉડનો શિકાર બનાવી રહી હતી.
અંતરીક્ષમાં પ્રયોગ માટે મોકલેલા ૪ ઉંદર પાછા પૃથ્વી પર આવી ગયા
ચીનનું શેનઝોઉ-૨૧ સ્પેસક્રાફ્ટ એના અંતરીક્ષ સ્ટેશન પરથી સફળતાપૂર્વક પાછું આવી ગયું છે અને એની સાથે અવકાશમાં મોકલવામાં આવેલા ચારેય ઉંદરો પણ જીવતા જ પાછા આવી ગયા છે. આ ઉંદરો પર લાઇફ-સાયન્સને લગતા પ્રયોગો કરવા માટે એમને મોકલવામાં આવ્યા હતા. અવકાશથી આવ્યા પછી તરત જ વૈજ્ઞાનિકોએ ઉંદરોને દેખરેખમાં લઈ લીધા છે. એમના વ્યવહાર અને શરીરમાં આવેલા બદલાવો પર સ્ટડી થશે.


