લેઉવા પાટીદાર હૉલમાં લગ્નની વિધિ ચાલતી હતી ત્યારે લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા, પણ પોલીસે મહેમાન બનીને દાગીના તફડાવનાર મહિલાની ભાળ મેળવીને પકડી પાડી
રબાળે પોલીસે શકુંતલા પ્રસાદને તેમની ચોરાયેલી માલમતા પાછી આપી હતી.
ઐરોલીના સેક્ટર પંદરમાં આવેલા લેઉવા પાટીદાર સમાજ હૉલમાં આયોજિત લગ્નસમારંભમાં મહેમાન તરીકે સ્ટેજની નજીક આવીને વધૂના ૧૦ લાખ રૂપિયાના દાગીના સહિત ૧૨ લાખ રૂપિયાની માલમતા તડફાવી જનાર અંજલિ દપાણીની રબાળે પોલીસે મધ્ય પ્રદેશથી ધરપકડ કરી હતી. બીજી નવેમ્બરે સાંજે ફરિયાદી શકુંતલા પ્રસાદની પુત્રી સ્નેહાની લગ્નવિધિ ચાલતી હતી એ સમયે ટિપટૉપ કપડાંમાં આવેલી અંજલિએ ચોરીને અંજામ દીધો હોવાનું ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું. આ મામલે પાટીદાર સમાજ હૉલની બહારનું ફુટેજ તપાસતાં આરોપી મહિલા કારમાં બેસી જતી જોવા મળી હતી. એ કારની માહિતી કાઢીને પોલીસ આરોપી મહિલા સુધી મધ્ય પ્રદેશ પહોંચી હતી. આ કેસમાં આરોપી મહિલા અને તેના પતિએ અનેક ઠેકાણે આવી ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
શું હતી ઘટના?
રબાળે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજી નવેમ્બરે સાંજે શકુંતલા પ્રસાદની પુત્રીનાં લગ્નની વિધિ ચાલુ હતી એ સમયે સ્ટેજ પર રાખેલી બૅગ ચોરાઈ ગઈ હતી. એમાં સોનાનો હાર, કાનની બુટ્ટી, ચેઇન, ચાંદીની બંગડી, બે લાખ રૂપિયાની રોકડ તેમ જ આઇફોન 17-PRO અને આઇફોન 11 મોબાઇલ રાખવામાં આવ્યાં હતાં. આશરે ૧૨ લાખ રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાની ખાતરી થતાં ખુશીનો માહોલ દુખમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ અમને કરવામાં આવતાં બે ટીમોએ હૉલમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં ત્યારે એમાં એક અજાણી મહિલા સ્ટેજ નજીક આવી ચોરીને અંજામ આપતી હોવાનું જોવા મળ્યું હતું. અંતે આ મામલે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.’
આરોપીઓ ગૅન્ગના સભ્ય સિનિયર ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘CCTV કૅમેરાનાં ફુટેજમાં સ્ટેજ નજીકથી ચોરી કરી બહાર નીકળીને મહિલા એક પુરુષ સાથે જતી દેખાઈ હતી. ત્યાર બાદ તેઓ પાટીદાર હૉલથી ૫૦૦ મીટર દૂર ઊભી રાખેલી કારમાં જતાં દેખાયાં હતાં. ત્યાર બાદ તેમના વાહન વિશે માહિતી મેળવી ત્યારે આરોપી મહિલા મધ્ય પ્રદેશમાં રહેતી હોવાનું જણાઈ આવ્યું હતું. અંતે સ્થાનિક પોલીસની મદદથી પાંચ દિવસ છટકું ગોઠવ્યા બાદ આરોપી મહિલા અંજલિની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી બધો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી મહિલા તેના પતિ પ્રદીપ સાથે ચોરી કરવા કારમાં આશરે ૧૦૦૦ કિલોમીટર દૂરથી આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં અમે ચોરીની તમામ માલમતા જપ્ત કરી છે. આરોપીઓ એક ગૅન્ગ સાથે સંકળાયેલા છે જેઓ લગ્નપ્રસંગે અથવા જાહેર પ્રોગ્રામમાં ટિપટૉપ કપડાં પહેરી ચોરી કરતા હોય છે.’


