યોગ્ય તપાસ પહેલાં કારણના તારણ પર આવવાનું શક્ય નથી, પરંતુ નિષ્ણાતોનું એવું કહેવું છે કે નેગેટિવ G ટર્નમાં રિકવરી ન આવતાં તેજસ ક્રૅશ થયું હોઈ શકે
શહીદ થનારા વિન્ગ કમાન્ડર નમાંશ સ્યાલના પાર્થિવને શનિવારે દુબઈના ભારતીય દૂતાવાસમાં ઍરફોર્સના અધિકારીઓ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સના અધિકારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારતનું સ્વદેશી તેજસ ફાઇટર જેટ વજનમાં હલકું, ચપળ, ૪.૫ જનરેશનનું ફાઇટર જેટ છે જે સુપરસોનિક સ્પીડ અને ઍડ્વાન્સ્ડ ફીચર માટે જાણીતું છે. દુબઈમાં દર બે વર્ષે ઍર-શો થાય છે જે દુનિયામાં એવિએશન જગતમાં ઑસ્કર જેટલું મહત્ત્વ ધરાવે છે. શુક્રવારે ૨૧ નવેમ્બરે ઍર-શોનો છેલ્લો દિવસ હતો અને અલ મકતુમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હજારો દર્શકો એકઠા થયા હતા.
આ તેજસ તામિલનાડુના ઍરબેઝ પરથી આવ્યું હતું. પ્રદર્શનમાં લૂપ, રોલ્સ અને હાઈ-સ્પીડ ટર્ન્સ જોઈને દર્શકો મંત્રમુગ્ધ હતા; પરંતુ લૂપ પછી તેજસે નેગેટિવ G ટર્ન લેવાની કોશિશ કરી. વિડિયો-ફુટેજમાં સાફ જોઈ શકાતું હતું કે એ જ વખતે જેટની ઊંચાઈ ઘટવા લાગી અને એ રિકવર ન થઈ શક્યું. ખૂબ તેજ ગતિએ જેટ જમીન પર ગોઠીમડાં ખાઈ ગયું, આગ લાગી અને કાળા ધુમાડા થઈ ગયા. રિટાયર્ડ ઍર માર્શલ સંજીવ કપૂરે કહ્યું હતું કે ‘તેજસ ક્રૅશ થયું એનાથી આખી સિસ્ટમ હલી ગઈ છે. કેમ ફાઇટર જેટ ક્રૅશ થયું એનાં ઘણાં કારણો હોઈ શકે. મેકૅનિકલ ખામી કે પછી કન્ટ્રોલમાં ગરબડ કે બીજું કંઈ. યોગ્ય રિપોર્ટ વિના અત્યારે તરત જ ક્રૅશનું કારણ કહેવું જલદી ગણાશે.’ જોકે કેટલાક નિષ્ણાતોના મતે નેગેટિવ G ટર્નમાં રિકવરીની સમસ્યાને કારણે આમ થયું હોવાની ચર્ચા છે.
આ પહેલાં પણ ફાઇટર જેટ ક્રૅશ થયાં છે
ADVERTISEMENT
૧૯૮૬થી ચાલતા દુબઈના ઍર-શોમાં ભારતનું તેજસ ક્રૅશ થયું એ કોઈ પહેલું વિમાન નથી. ચીનમાં બનેલું પાકિસ્તાનનું ચૅન્ગડુ-J-10 ફાઇટર જેટ, સાઉદી અરેબિયાનું બોઇંગ ૭૩૭-૮૦૦, રશિયાનું સુખોઈ SU-27 અને અમેરિકાનું F-16 જેટ આ જ ઍર-શોમાં ધ્વસ્ત થઈ ચૂક્યાં છે.
નેગેટિવ G ટર્ન શું હોય?
કોઈ પણ પ્લેન ઊડતું હોય ત્યારે G ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અસર કરતું હોય છે. નૉર્મલ ઉડાનમાં 1G પ્રેશર હોય જે લગાતાર એકસરખું બળ આપે, જ્યારે પૉઝિટિવ Gમાં પાઇલટ સીટમાં દબાય છે અને શરીરમાં લોહી પગ તરફ ખૂબ જોરથી વહે છે. એને કારણે ક્યારેક બ્લૅકઆઉટ થઈ શકે છે. જ્યારે નેગેટિવ G એટલે કે જેટ તેજીથી નીચે આવે છે ત્યારે એનાથી ઊલટું થઈ જાય છે અને પાઇલટની સીટ ઉપરની તરફ ઊછળે છે અને લોહી માથા તરફ વહે છે. એનાથી નજર સામે લાલ ધબ્બા દેખાવા લાગે એવું બની શકે છે. માણસ સામાન્ય રીતે માઇનસ 2G કે 3G સુધીનું નકારાત્મક ગુરુત્વાકર્ષણ સહન કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે તેજસ જેટની ખાસિયત નેગેટિવ G ટર્ન છે. લૂપમાં ઊલટું થઈને ઝડપથી નીચે આવે છે અને પછી રિકવર થઈને પાછું ઊડે છે. જોકે એ રિકવરી માટે માત્ર બે જ સેકન્ડ મળે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે બની શકે નેગેટિવ G ટર્ન લેતી વખતે જેટની ઊંચાઈ ખૂબ ઓછી હતી એટલે તે એ ફેઝમાં સ્ટેબલ ન રહ્યું અને પાઇલટ ક્ષણવાર માટે ડિસઓરિએન્ટ થતાં જ કન્ટ્રોલ ગુમાવીને ક્રૅશ થઈ ગયું હોય એવું બની શકે.
યુટ્યુબ પર દીકરાના ઍર-શોનો વિડિયો શોધી રહ્યા હતા ત્યાં અચાનક જેટ ક્રૅશ થયાના સમાચાર મળ્યા
દુબઈના ઍર-શોમાં તેજસ ફાઇટર જેટ ક્રૅશ થઈ ગયું એ દુર્ઘટનામાં વિન્ગ કમાન્ડર નમાંશ સ્યાલ મૃત્યુ પામ્યા હતા. નમાંશ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પટિયલકડ ગામના છે, જ્યારે તેમના પિતા રિટાયર્ડ સ્કૂલ પ્રિન્સિપાલ છે. પિતા સાથે નમાંશની હજી ગુરુવારે જ વાત થઈ હતી અને તેમણે પિતાને કહેલું કે શુક્રવારે તેના ઍર-શોને યુટ્યુબ પર જોજો. પિતાએ સાંજે ૪ વાગ્યે દીકરાનાં કરતબો જોવા માટે યુટ્યુબ ફંફોસ્યું તો તેમને જેટ ક્રૅશ થયું હોવાના સમાચાર મળ્યા. જગન્નાથ સ્યાલ કહે છે, ‘જેવા મને સમાચાર મળ્યા કે તરત જ મેં દીકરાવહુને ફોન કર્યો. તે પણ વિન્કમાન્ડર છે. થોડી જ વારમાં ઘરે વાયુસેનાના છ અધિકારીઓ આવ્યા. એ જોઈને જ મને અમંગળ થઈ ગયું છે એ સમજાયું.’ નમાંશ કોઇમ્બતુરમાં રહે છે. નમાંશની પત્ની કલકત્તામાં ટ્રેઇનિંગ લઈ રહી છે એટલે તેમની ૭ વર્ષની પૌત્રી આર્યાને સાચવવા માટે હજી બે વીક પહેલાં જ દાદા-દાદી પણ ત્યાં શિફ્ટ થયાં હતાં.


