ખતરનાક સૈન્ય તનાવ બાદ પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું
ખ્વાજા આસિફ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસના ખતરનાક સૈન્ય તનાવ બાદ શનિવારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમ્યાન પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે રવિવારે એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે ‘જો ભવિષ્યમાં ભારત સાથે વાતચીત થાય છે તો કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદ જેવા મુખ્ય મુદ્દાઓ એ ચર્ચાનો ભાગ હોઈ શકે છે. અમે યુદ્ધવિરામ પર અડગ રહીશું. જો આ યુદ્ધવિરામ કાયમી શાંતિ તરફનું પ્રથમ પગલું સાબિત થાય છે તો એને સકારાત્મક સંકેત માનવામાં આવશે, પરંતુ હમણાં કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે. સમય જતાં શાંતિની શક્યતાઓ વધી શકે છે. અમને આશા છે કે ભારત એક દિવસ સમગ્ર દક્ષિણ એશિયાના ભવિષ્યને તેમના પક્ષનાં હિતોથી ઉપર રાખશે.’
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે ‘સહમત’ થયા છે. પાકિસ્તાને એને યુદ્ધવિરામ કરાર ગણાવ્યો હતો, પરંતુ ભારતે એને ફક્ત ‘પરસ્પર સમજૂતી’ ગણાવી હતી.

