ક્રોએશિયાની રાજધાની ઝગરેબમાં વડા પ્રધાન મોદી પ્લેનમાંથી ઊતર્યા ત્યારથી લઈને હોટેલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં જબરદસ્ત ભવ્ય, હૂંફાળું અને સંસ્કૃતિમય સ્વાગત થયું હતું.
ક્રોએશિયાના લોકોએ સંસ્કૃત મંત્રોચ્ચાર, ગરબા અને કથક નૃત્ય દ્વારા સ્વાગત કર્યું નરેન્દ્ર મોદીનું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે કૅનેડાથી ક્રોએશિયા પહોંચ્યા હતા. ત્રણ દેશોની યાત્રામાં આ તેમનો છેલ્લો પડાવ છે. પહેલી વાર કોઈ ભારતીય વડા પ્રધાને બાલ્કન દેશની મુલાકાત લીધી હોય એવું બન્યું છે. આ જ કારણસર ક્રોએશિયાની રાજધાની ઝગરેબમાં વડા પ્રધાન મોદી પ્લેનમાંથી ઊતર્યા ત્યારથી લઈને હોટેલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં જબરદસ્ત ભવ્ય, હૂંફાળું અને સંસ્કૃતિમય સ્વાગત થયું હતું. ઍરપોર્ટ પર તેમને સૌપ્રથમ રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. એ પછી સફેદ વસ્ત્રમાં સ્થાનિક ક્રોએશિયન લોકોએ બ્રાહ્મણો જેવા શુદ્ધ ઉચ્ચારણ સાથે સંસ્કૃત શ્લોકો અને ગાયત્રીમંત્રનું રટણ કર્યું હતું. એ પછી કેટલાંક ક્રોએશિયન બાળકોએ ગરબા કર્યા હતા તો બહેનોએ કથક ડાન્સ થકી સ્વાગત કર્યું હતું.
જ્યારે નરેન્દ્ર મોદી ભારતીય લોકોને મળ્યા ત્યારે ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. ભારતીયોના હાથમાં તિરંગા લહેરાતા હતા. હંમેશની જેમ મોદીજીએ બાળકોના માથે વહાલ વરસાવ્યું હતું.

