આમાં ભારતીય સ્વતંત્રતા ચળવળના નૈતિક સિદ્ધાંતોનું પ્રારંભિક અને પ્રભાવશાળી ઉદાહરણ સામેલ છે
મૅન્યુસ્ક્રિપ્ટ
બ્રિટનના અગ્રણી મ્યુઝિયમ વેલકમ કલેક્શને શુક્રવારે સાઉથ એશિયાની બહાર જૈન હસ્તપ્રતના સૌથી મોટા સંગ્રહને પરત કરવાની ઐતિહાસિક પહેલની જાહેરાત કરી હતી. લંડનસ્થિત આ મ્યુઝિયમમાં એક સદીથી વધુ સમયથી રાખવામાં આવેલી ૨૦૦૦થી વધુ હસ્તપ્રતો પરત કરવાનો નિર્ણય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી સાથેના સંવાદ અને સહયોગ બાદ લેવામાં આવ્યો હતો.
આ હસ્તપ્રતના સંગ્રહમાં ૧૫મી સદીની સચિત્ર હસ્તપ્રતથી લઈને ૧૯મી સદીના ગ્રંથ સુધીના દુર્લભ ગ્રંથનો સમાવેશ છે. આ સામગ્રીમાં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, રાજસ્થાની અને પ્રારંભિક હિન્દી લિપિઓમાં ધર્મ, સાહિત્ય, દવા અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આમાં ભારતીય સ્વતંત્રતા ચળવળના નૈતિક સિદ્ધાંતોનું પ્રારંભિક અને પ્રભાવશાળી ઉદાહરણ સામેલ છે જેને મહાત્મા ગાંધીએ પ્રેરણા આપી હતી અને લોકપ્રિય બનાવ્યું હતું. આ દસ્તાવેજ ભારતમાં બ્રિટિશ વસાહતી શાસનના પાયાની તીવ્ર ટીકા કરે છે.
અન્ય હસ્તપ્રતોમાં ૧૬મી સદીના જૈન ગ્રંથ ‘કલ્પસૂત્ર’ની દુર્લભ અને ભવ્ય રીતે ચિત્રિત નકલનો સમાવેશ છે. સંગ્રહમાં ૧૬૮૮ની પાતળી, નાજુક અને ઘસાઈ ગયેલી કાગળની હસ્તપ્રત પણ સામેલ છે જે સંભવતઃ પ્રારંભિક હિન્દીમાં પ્રથમ તબીબી લખાણ ‘વૈદ્ય મનોત્સવ’ (૧૫૯૨)ની સૌથી જૂની હયાત નકલ માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ સાહસિક નિર્ણય ઐતિહાસિક છે
આ સંબંધે થયેલા કરાર હેઠળ આ સંગ્રહ શરૂઆતમાં બર્મિંગહૅમ યુનિવર્સિટી સ્થિત ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્ટડીઝ પાસે રાખવામાં આવશે. આનાથી સંશોધકો અને જૈન સમુદાય આ હસ્તપ્રતનો અભ્યાસ, અર્થઘટન અને અનુવાદ કરી શકશે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના મૅનેજિંગ ટ્રસ્ટી મેહુલ સંઘરાજકાએ જણાવ્યું હતું કે ‘આ ૨૦૦૦ પવિત્ર હસ્તપ્રતો પાછી કરવાનો વેલકમ કલેક્શનનો સાહસિક નિર્ણય ઐતિહાસિક છે અને અન્ય ધાર્મિક સમુદાયો માટે એક મૉડલ છે. અમે એ પણ સ્વીકારીએ છીએ કે ભારતની સ્વતંત્રતા પછીની ઘટનાઓમાં આમાંની કેટલીક હસ્તપ્રતો ટકી શકે એમ નહોતી. વેલકમ કલેક્શન દ્વારા આ ગ્રંથો પ્રત્યે દર્શાવવામાં આવેલાં આદર અને જાળવણી બદલ અમે આભારી છીએ.’
આ અઠવાડિયે વેલકમ ટ્રસ્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી અને બર્મિંગહૅમ યુનિવર્સિટી વચ્ચે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એક વિગતવાર કાનૂની કરાર પછીથી તૈયાર કરવામાં આવશે.
