હજી ડોનલ્ડ ટ્રમ્પની શેખાઈ ઓછી નથી થઈ, કહે છે... : અર્થતંત્ર બાબતે પોતાના દેશને હૉટેસ્ટ અને આર્થિક રીતે બેસ્ટ ગણાવ્યો
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ મંગળવારે ઓવલ ઑફિસમાં પત્રકારોને મળ્યા ત્યારે તેમણે દેશના આર્થિક અને વૈશ્વિક પ્રભાવ વિશે મોટા દાવા કર્યા હતા અને કહ્યું હતું કે અમેરિકા વિના દુનિયાની દરેક વસ્તુ મરી જશે.
ડોનલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમ્યાન અમેરિકાના અર્થતંત્રના ઝડપી વિકાસ પર ભાર મૂકતાં કહ્યું હતું કે મેં પ્રથમ ૪ વર્ષમાં એને ખરેખર મોટું બનાવ્યું, પછી આ બાઇડન પ્રશાસને જે કર્યું એનાથી એ અધોગતિ પામવા લાગ્યું હતું.
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાની નાણાકીય શક્તિ વધારવામાં ટૅરિફની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે ટૅરિફ અને અન્ય વસ્તુઓને કારણે આવતા પૈસા ખૂબ મોટા છે, ટૅરિફ આપણને એ અન્ય વસ્તુઓ પણ અપાવે છે. ટ્રમ્પે અમેરિકાને હૉટેસ્ટ અને આર્થિક રીતે બેસ્ટ ગણાવ્યું હતું. પ્રેસ-બ્રીફિંગ દરમ્યાન ટ્રમ્પે યુદ્ધો ઉકેલવાના પોતાના દાવાને પણ પુનરાવર્તિત કરતાં કહ્યું હતું કે મેં સાત યુદ્ધો ઉકેલ્યાં છે અને એમાંથી ઘણાં યુદ્ધો વેપારને કારણે હતાં.
ભારતે અત્યાર સુધી અમેરિકા પર બહુ ટૅરિફ લાદી છે એમ કહીને હાર્લી ડેવિડસન પરની ટૅરિફને ફરીથી વાગોળી
ભારતની ટૅરિફ નીતિઓની નવી ટીકા વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે હાર્લી ડેવિડસનને અન્યાયી વેપારપ્રથાઓનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે ‘નવી દિલ્હી વિશ્વમાં લગભગ સૌથી વધુ ટૅરિફ લાદે છે, જ્યારે અમેરિકા ભારતીય માલને ઓછામાં ઓછા અવરોધો સાથે એના બજારમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. તેઓ મોટા પાયે તેમણે બનાવેલી દરેક વસ્તુ મોકલશે, તેઓ એને આપણા દેશમાં ડમ્પ કરશે. તેથી એ અહીં બનાવવામાં આવશે નહીં જે દેશ માટે નકારાત્મક છે, પરંતુ અમે કંઈ પણ મોકલીશું નહીં કારણ કે તેઓ હાર્લી ડેવિડસન માટે અમારી પાસેથી ૧૦૦ ટકા ટૅરિફ વસૂલ કરતા હતા.’
ટ્રમ્પે ઉમેર્યું હતું કે ભારતે ટૅરિફ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ટિપ્પણી કરી હતી કે મોડું થઈ રહ્યું છે.

