ઑફર સ્વીકારવી કે ઠુકરાવવી એ જે-તે દેશે નક્કી કરવાનું રહેશે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ૧૨ દેશોને મોકલવામાં આવનારા ટૅરિફ સંબંધિત પત્રો પર તેમણે હસ્તાક્ષર કર્યા છે અને આ પત્રો સોમવારે મોકલવામાં આવશે. આ પત્રોમાં આ ૧૨ દેશોને જણાવવામાં આવ્યું છે કે એમના દેશનો માલ અમેરિકા પહોંચે ત્યારે એ વિવિધ ટૅરિફનો સામનો કરશે. અમેરિકાની ઑફર સ્વીકારવી છે કે ઠુકરાવવી છે એનો નિર્ણય જે-તે દેશે કરવાનો રહેશે.
ટ્રમ્પે જોકે તેમણે આ ૧૨ દેશોનાં નામ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે એ સોમવારે જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
ટ્રમ્પે ગુરુવારે પત્રકારોને કહ્યું હતું કે તેઓ શુક્રવારે પત્રોનો પહેલો બૅચ મોકલશે. અમેરિકામાં શુક્રવારે નૅશનલ ડેની જાહેર રજા હોવાથી તારીખ હવે બદલાઈ ગઈ છે.
શુક્રવારેે ચોથી જુલાઈએ અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે હતો એ નિમિત્તે કૅલિફૉર્નિયા રાજ્યના લૉસ ઍન્જલસ શહેરમાં કરવામાં આવેલી આતશબાજી. જોકે કૅલિફૉર્નિયા રાજ્યમાં આતશબાજી કરવા પર પ્રતિબંધ છે.
ટ્રમ્પે એપ્રિલમાં મોટા ભાગના દેશો માટે ૧૦ ટકા બેઝ ટૅરિફદર અને વધારાના ટૅરિફની જાહેરાત કરી હતી, જેમાંથી કેટલાક ૫૦ ટકા જેટલા ઊંચા હતા.
જોકે સોદા સુરક્ષિત કરવા વાટાઘાટો માટે વધુ સમય આપવા ૧૦ ટકા બેઝરેટ સિવાયના બધાને ૯૦ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. આ સમયગાળો ૯ જુલાઈએ સમાપ્ત થાય છે. જોકે ટ્રમ્પે શુક્રવારે વહેલી સવારે કહ્યું હતું કે ટૅરિફ વધુ ઊંચી હોઈ શકે છે, લગભગ ૭૦ ટકા સુધી અને મોટા ભાગની પહેલી ઑગસ્ટથી અમલમાં આવશે.

