અહીં કોઈ ભીખ નથી માગતું, નથી કોઈ થૂંકતું કે નથી કોઈ હૉર્ન મારતું : બારે મહિના લીલીછમ રહેતી ભારતના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમની રાજધાનીના હૂંફાળા પહાડી ક્ષેત્રના લોકો પણ હૂંફાળા છે. જાણીએ આટલી શિસ્ત, ધીરજ કઈ રીતે કેળવે છે અહીંના લોકો
વેલકમ ટુ અમેઝિંગ આઇઝૉલ
‘આ ભારતીય શહેરમાં એકેય ભિખારી નથી.’
‘સારું કહેવાય. અહીં અમીરોની સંખ્યા વધુ હશે.’
ADVERTISEMENT
‘ના, એમ તો રાજ્યની ૨૮ ટકા વસ્તી પુઅર કૅટેગરીમાં છે.’
‘આ ભારતીય શહેરમાં કોઈ પાન-સોપારી-માવો ખાઈને થૂંકતું નથી.’
‘અચ્છા! બની શકે કે સરકારે આ આઇટમો પર બૅન મૂક્યો હોય...’
‘ના, એવો કોઈ પ્રતિબંધ નથી... ઇન ફૅક્ટ, અહીં સોપારી ખાવી કલ્ચરલ પ્રથા છે.’
‘આ ભારતીય શહેરમાં કોઈ વાહનોના હૉર્ન નથી મારતું.’
‘અહીં વાહનો જ ઓછાં હશે. વળી રસ્તા પણ સારા હશે અને ટ્રાફિક પણ નહીં હોય.’
‘સૉરી સાહેબ, ૧૩૦ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ શહેરની સાડાત્રણ લાખની વસ્તી સામે અહીં કુલ ૧,૯૩,૯૭૬ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર છે. વળી આખો વિસ્તાર ડુંગરાળ છે અને મોટા ભાગના માર્ગ સિંગલપટ્ટી છે. ટ્રાફિકની વાત કરીએ તો રાજ્યનું પાટનગર હોવાથી સવારથી મોડી રાત સુધી વાહનોની આવન-જાવન ચાલુ રહે છે અને ઘણી વખત તો શહેરના પૂર્વીય છેડાથી પશ્ચિમી ભાગ સુધીના પાંચ કિલોમીટરની ડ્રાઇવમાં એક કલાક થાય છે. અને હા, તેમનાં વાહનોમાં હૉર્ન પણ હોય છે. હૉન્કિંગ પર કોઈ દંડ નથી છતાં આ શહેરના સિટિઝનો સિવિક રિસ્પૉન્સિબિલિટી સમજીને હૉર્ન નથી વગાડતા.’
‘હોઈ જ ન શકે, બિલકુલ ન હોય. ભારતમાં આવું શક્ય જ નથી!’
અહીં ગમેએટલો ટ્રાફિક હોય, કોઈ લેન તોડશે નહીં, હૉર્ન મારશે નહીં અને ટ્રાફિકની શિસ્તનું ૧૦૦ ટકા પાલન કરશે.
‘તમે કહો કે અહીં કોઈ ભીખ નથી માગતું એ માનવામાં આવ્યું, કોઈ પાન કે માવાની પિચકારી નથી મારતું એય ડાઇજેસ્ટ થાય એવું નથી તોય માની લીધું; પણ લોકો અહીં હૉર્ન વગાડ્યા વગર વાહનો ચલાવે છે એવી તો કલ્પના પણ નથી કરી શકાતી, કારણ કે આપણે તો એવા દેશના રહેવાસીઓ છીએ જ્યાં રસ્તાની સાઇડમાં ઊભેલાં વાહનોનું હૉર્ન વગાડીને આપણે આવી ગયા છીએ કે રાહ જોઈ રહ્યા છીએ એવું એલાન કરીએ છીએ, એ દ્વારા બીજા સાથે કમ્યુનિકેટ કરીએ છીએ.’
lll
યસ વાચકો, આ ૧૦૦ ટકા સત્ય છે કે ભારતના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમની રાજધાની આઇઝૉલમાં નથી થતું બૅગિંગ, નથી થતું કોઈ સ્પિટિંગ કે નથી કરાતું હૉન્કિંગ. આઇઝૉલ આહ લો લોમ ઈ. મતલબ કે વેલકમ ટુ બ્યુટિફુલ સિટી આઇઝૉલ.
શહેરથી જસ્ટ ૮ કિલોમીટર દૂર આવેલા ખ્વાહપાવપ ફૉલ્સમાં પહાડની તિરાડમાંથી ધોધ પડે છે એ નયનરમ્ય છે.
આ મિઝો કૅપિટલ વિશે વધુ વાત કરતાં પહેલાં આપણે નૉર્થ-ઈસ્ટનાં ૮ રાજ્યોમાંના એક સુંદર અને સુશીલ રાજ્ય મિઝોરમ વિશે જાણીએ. આસામ, મણિપુર, ત્રિપુરા, બંગલાદેશ તેમ જ મ્યાનમાર સાથે સરહદ શૅર કરતા મિઝોરમનું ક્ષેત્રફળ ૨૧,૦૮૭ સ્ક્વેર કિલોમીટર છે. ભારતના નકશામાં જોઈએ તો એની વેસ્ટ બાજુએ બંગલાદેશનો મોટો વિસ્તાર છે તો પૂર્વીય બાજુએ મ્યાનમારનો. ફક્ત સીમા જ નહીં, મ્યાનમારનું ચીન પ્રોવિન્સ ઐતિહાસિક દૃષ્ટિએ પણ મિઝોરમથી બહુ સમાન છે. મિઝોરમના નામનું અર્થઘટન કરીએ તો ત્રણ શબ્દથી બનેલા આ નામમાં મિ અર્થાત્ માનવ, ઝો અર્થાત્ ડુંગર-પહાડ, રમ મતલબ જગ્યા એટલે કે પહાડ પર રહેતા લોકો. કહેવાય છે કે હાલના ચીનના એક પ્રદેશમાં વહેતી યોલૉન્ગ નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પહેલાં બર્મા (હાલનું મ્યાનમાર) આવ્યા, ત્યાં રહ્યા, ત્યાંથી આગળ વધતાં મિઝો હિલની આસપાસ ઠરીઠામ થયા અને મિઝો કહેવાયા. જોકે આ કહેવાતી, સંભળાતી વાતોનું કોઈ દસ્તાવેજીકરણ નથી કારણ કે તેમની મૂળ ભાષાના કોઈ અક્ષરો નહોતા.
સોલોમન ચર્ચ
કટ ટુ અઢારમી સદીના અંત ભાગમાં. બ્રિટિશરો ભારતમાં આવ્યા અને અહીં પગપેસારો કરવા લાગ્યા. અંગ્રેજો સામે મિઝોએ ખૂબ લડત આપી, પરંતુ ધીરે-ધીરે આ વિસ્તાર પણ તેમના તાબામાં આવી જ ગયો. દેશને આઝાદી મળતાં મિઝોરમ ભારતના નકશામાં તો સમાઈ ગયું, પણ એ વખતે અને છેક ૧૯૭૦ સુધી એ આસામનો હિસ્સો બની રહ્યું. જોકે ૧૯૬૦ના દશકામાં મિઝો નૅશનલ ફ્રન્ટ દ્વારા ચળવળ થયા બાદ ૧૯૭૨માં ભારત સરકારે એને યુનિયન ટેરિટરી ઘોષિત કર્યું અને છેક ૧૯૮૭માં એને રાજ્યનો દરજ્જો મળ્યો. એ ન્યાયે મિઝોરમ ૩૮ વર્ષનું થયું. જોકે આમ તો ૨૦૦૦થી ૩૦૦૦ વર્ષ પહેલાં અહીં માનવવસ્તી હતી એના પુરાવા પુરાતત્ત્વ ખાતાને મળ્યા છે. મિઝોરમના વાંગછિયામાં પિપુટે લામલિયનના રોડ પરની ચટ્ટાનો પર એ ટાઇમે ઉકેરાયેલી આકૃતિઓ આજે પણ જોવા મળે છે. એ પછી અહીં અનેક જાતિઓ આવી અને ગઈ. ફાઇનલી ૧૬મીથી ૧૮મી સદી દરમ્યાન મિઝોનું આગમન થયું. આ જાતિ મોટા ભાગે ખેતી કરતી. જોકે મૂળે એ ચીન સાઇડની હોવાથી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના લોકોની પદ્ધતિ, સંસ્કૃતિ, ભાષા, રિવાજોથી ભિન્ન રહી અને આજે પણ ઘણી-ઘણી રીતે ત્યાંના સ્થાનિકો અને ભારતના અન્ય ભાગના નાગરિકોમાં ભિન્નતા છે.
નવું ખૂલેલું સ્કાયવૉક રિસૉર્ટ.
હવે ભૌગોલિક રચનાની વાત કરીએ. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાંથી પસાર થતું કર્કવૃત્ત મિઝોરમની બરાબર મધ્યમાંથી પસાર થાય છે. એ ન્યાયે અહીંનો પ્રદેશ થોડો ઉષ્ણ હોવો જોઈએ. જોકે દરિયાની સપાટીથી ૩૦૦૦ ફુટની ઊંચાઈએ પૂર્વ હિમાલયની પર્વતમાળમાં ૬૫૦૦ ફુટ ઊંચાઈ સુધી વિસ્તરેલા આ દેશનું તાપમાન નહીં અતિશય ગરમ, નહીં ઠંડું પણ હૂંફાળું રહે છે. મીન્સ, ઉનાળામાં ૨૦થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ અને શિયાળામાં ૧૧થી ૨૦ ડિગ્રી સેલ્સિયસ. આવા વૉર્મ વાતાવરણે મિઝોરમને વધુ ગ્રીન બનાવ્યું છે. આખા સ્ટેટમાં ઘુમાવદાર પરંતુ લીલીછમ પહાડીઓ અને ખીણો છે. હૃષ્ટપુષ્ટ નદીઓ, ઝરણાંઓ અને ગ્રીન ગાલીચા ઓઢેલાં વેલ્વેટિયા મેદાનો છે. નીલરંગી ચોખ્ખું આકાશ છે અને તન-મનમાં તાજગી ભરી દેતી ગુલાબી હવા છે. સમસ્ત રાજ્યનું વાતાવરણ આવું જ છે, કારણ કે સ્ટેટનો ૭૬ ટકા ભાગ ગીચ જંગલોથી ઢંકાયેલો છે. પાટનગર આઇઝૉલનું ક્લાઇમેટ પણ આવું ફૂલગુલાબી છે. અત્યંત બિઝી શહેર હોવા છતાં અહીંનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૦થી ૩૫ની વચ્ચે રહે છે (બાય ધ વે મુંબઈનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૧૦૦થી ૧૫૦ વચ્ચે રહે છે). જેમ અહીં ઍર પૉલ્યુશન નથી એ રીતે નૉઇસ પૉલ્યુશન પણ નથી. સ્થાનિકો પોતાની નૈતિક જવાબદારી સમજીને હૉર્ન નથી વગાડતા કે જાહેર ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો અથવા તહેવારો વખતે લાઉડસ્પીકરોનો ઉપયોગ નથી કરતા. ઈવન ફટાકડા પણ નથી ફોડતા. બીજું, અહીં ઓવરટેકની તો પ્રથા જ નથી અને લેન-ક્ટિંગ જાણે કોઈને આવડતું જ નથી. ટ્રાફિક હોવા છતાં લોકો પોતાનાં વાહનો શિસ્તબદ્ધ ચલાવે છે, ઈવન ટૂ-વ્હીલર્સ પણ. અન્ય પહાડી ક્ષેત્રોમાં જેમ બાઇક, સ્કૂટરની સંખ્યા વધુ હોય છે એ જ રીતે અહીં પણ હજારો ટૂ-વ્હીલર્સ છે; પરંતુ લોકો ખૂબ ડિસિપ્લિન્ડ અને શાંત છે, સિસ્ટમમાં માનનારા છે. કોઈ ટ્રાફિક-સિગ્નલ ન હોવા છતાં ટ્રાફિક-પોલીસના ઇશારે આખો વાહનવ્યવહાર ચાલે છે.
આ તો થઈ વાહનવ્યવહારની વાતો, બટ વૉટ અબાઉટ પીપલ? આખરે કોઈ પણ શહેર કે દેશ ત્યાંના સ્થાનિકોથી જ બનેને.
મિઝોરમનો તાજમહલ કહેવાય છે કે.વી. પૅરૅડાઇઝ
મિઝો લોકો સરળ, શાંત અને સાલસ છે. વળી વેલકમિંગ પણ છે. તેમની ઑફિશ્યલ ભાષા અંગ્રેજી છે અને હિન્દી ભાષા બહુ આવડતી નથી, પરંતુ દિલ સે હિન્દુસ્તાની છે. નૉર્થ-ઈસ્ટનાં આઠ રાજ્યોમાંથી અમુક રાજ્યના લોકો પોતાને ઇન્ડિયન માનતા પણ નથી અને કહેવડાવતા પણ નથી, પરંતુ મિઝો પીપલને ભારતીય હોવાનું ખૂબ ગૌરવ છે. આ રાજ્યના ૮૭થી ૮૮ ટકા લોકો ઈસાઈ ધર્મ પાળે છે. એ નાતે તેમના તહેવારો, તેમની ખાણી-પીણી, રીત-રસમ મેઇન લૅન્ડ ઇન્ડિયાથી ઘણી અલગ છે. છતાં અહીં ફરવા આવતા ભારતીયો માટે તેમને ભ્રાતૃભાવ છે. તેઓ મદદ માટે સામેથી આગળ આવે છે અને બનતી બધી હેલ્પ કરે છે. અહીં સ્ત્રી-પુરુષને સમાન અધિકારો છે. સ્ત્રીઓ માટે ક્યાંય અનામત બેઠકો નથી. મોટા ભાગે સ્ત્રીઓ જ દુકાનો અને ઑફિસો સંભાળે છે. પુરુષો ખેતરમાં કે આઉટ ઑફ ધ
સિટી કામ કરતા હોય છે. મહિલાઓ અહીં સુરક્ષિત પણ છે. ઇન ફૅક્ટ, અહીં કોઈ ચીટિંગ કે ચોરી કે ખોટાં કામ નથી કરતું. લોકો સાફ દિલના અને ઈમાનદાર છે.
આઇઝૉલમાં જોવા જેવું શું?
શહેરનાં મુખ્ય દર્શનીય સ્થળોની વાત કરીએ તો પ્રથમ ક્રમાંકે આવે સોલોમન ચર્ચ. એ ૧૯૯૦ના દાયકામાં જ બન્યું છે, પરંતુ એની આર્કિટેક્ચરલ શૈલી બેનમૂન છે. કે. વી. પૅરૅડાઇઝ મિઝોરમનું તાજમહલ છે જે પતિએ તેની પત્નીની યાદમાં બનાવ્યું છે. આ દેવળનું લોકેશન અદ્ભુત છે. પવિત્ર સ્થળોની શ્રેણીમાં જ આગળ વધીએ તો અહીં એક ગુરુદ્વારા પણ છે અને શિવજીનું મંદિર પણ છે જે અહીં રહેતા ૩ ટકા સનાતનધર્મીઓ સંભાળે છે. કોઈ પણ પ્રદેશની સંસ્કૃતિ જાણવા જે-તે પ્રદેશના મ્યુઝિયમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહીંનું સ્ટેટ મ્યુઝિયમ સમૃદ્ધ તો છે જ, એ સાથે એજ્યુકેટિંગ પણ છે. લુંગલેંગ લાલઇન, મુથી પાર્ક, ઝૂ આઇઝૉલના રહેવાસીઓ માટેનાં પિકનિક સ્પૉટ છે તો લાલસાવુંગા પાર્ક મિઝોરમનાં ગાઢ જંગલોનો અનુભવ આપે એવો દમદાર છે. ખાસ કરીને અહીંનો લાકડાનો ઝૂલતો પુલ સ્થાનિકો અને સહેલાણીઓ બેઉ માટે સાહસિકતાનો અનુભવ કરાવે છે. કોઈ પ્રાકૃતિક સ્થળે ન જવું હોય અને ફક્ત સિટીની જ મજા માણવી હોય તોય ખ્વાહપાવપ ફૉલ્સ જોવા જરૂર જજો. શહેરથી ૮ કિલોમીટરના અંતરે આવેલા આ ઝરણાની બે તોતિંગ ધારાઓ એક પહાડમાં નૅચરલી પડેલા ગૅપમાંથી નીચે પડે છે એ જોવાનું તો અનોખું છે, પણ એની નીચે આવેલા તળાવમાં છબછબિયાં કરવાનું પણ અલાઉડ છે. આજુબાજુનાં રાજ્યોની જેમ મિઝોરમમાં પણ ભારે વરસાદ પડે છે અને ચોમાસાની સીઝન બાદ અહીંનાં ઝરણાં અને નદીઓ પ્રસૂતા મહિલાની જેમ ભારેકાય થઈ જાય છે. અફકોર્સ ધીરે-ધીરે એ પ્રવાહ અને પ્રમાણમાં કમી આવે છે એટલે જો ધબધબાની ધડબડાટ જોવી હોય તો ઑક્ટોબર ટુ ડિસેમ્બર આર ધ બેસ્ટ મન્થ્સ. આમ તો અહીં બારે માસ મોસમ ખુશનુમા રહે છે. છતાંય વર્ષાનું પ્રમાણ વધુ હોવાથી મેથી મિડ-સપ્ટેમ્બર અહીં આવવાનું ટાળવું જોઈએ.
હવે રહેવાની વાત કરીએ તો ગુજરાત-મહારાષ્ટ્રમાં ટૂરિસ્ટ પ્લેસ તરીકે પૉપ્યુલર ન હોવા છતાં અહીં અનેક તારાંકિત હોટેલો અને રિસૉર્ટ્સ છે, કારણ કે બંગાળ અને સાઉથનાં રાજ્યો, નૉર્ધર્ન સ્ટેટથી અનેક ટૂરિસ્ટો અહીં આવે છે. હા, અહીં આવવા દરેક વ્યક્તિએ ઇનર પરમિટ લેવી મસ્ટ છે. એ ત્યાં પહોંચીને કે પછી ઑનલાઇન પણ મેળવી શકાય છે. એ સિમ્પલ પ્રક્રિયા છે અને ફક્ત ઓળખપત્ર આપવાથી મળી જાય છે.
લેટ્સ ટૉક અબાઉટ ધ ફૂડ નાઓ. વેજિટેરિયન મિત્રો માફ કરજો. અહીં પ્યૉર વેજ પીરસતી માત્ર બે રેસ્ટોરાં છે. હા, નૉન-વેજ રેસ્ટોરાંમાં વીગન, શાકાહારી ખાણું મળી રહે ખરું. પ્યૉર મિઝો ડિશની વાત કરીએ તો તેઓ જાતજાતનાં શાકભાજી ખાય, પણ બૉઇલ કરીને અને અમુક હર્બ્સ નાખીને. કોઈ વઘાર નહીં, કોઈ બીજા મસાલા નહીં. હા, અહીં ચટણી જાતજાતની મળે છે. ગુજરાતમાં જેમ અથાણાં મળે એમ. એ રીતે લાલ રંગનાં મરચાં અહીંનાં ખાસ છે. મિઝો ચિલી નામે ઓળખાતાં આ મરચાંનો તિખારો પાડોશી સ્ટેટ આસામના ભુત જોલોકીઆ (સૌથી તીખું મરચું)થી થોડોક ઓછો છે. એટલે જો તમારે કોઈ સાદી ડિશમાં સ્વાદ ઉમેરવો હોય તો એક કોળિયો મેઇન ડિશનો અને સાથે એક બટકું આ મરચાનું લો એટલે બારેય ભવન ઝળાંહળાં થઈ જશે. આખા ભારતમાં વન ટાઇમ ઝોન હોવાથી અહીં સૂર્યાસ્ત સાડાપાંચથી ૬ વાગ્યા સુધી થઈ જાય છે અને સૂર્યોદય ચારથી સાડાચારની વચ્ચે. જોકે અહીંના લોકો ઘડિયાળના ટાઇમને બદલે કુદરતની લાઇટને વધુ ફૉલો કરે છે એટલે સવારે સાત વાગ્યે બધી ઑફિસો ખૂલી જાય છે અને સાંજે ચાર વાગ્યે બધું બંધ. બજારો અને દુકાનો તો સવારે સાડાછ વાગ્યામાં ઓપન થઈ જાય છે. ઑફિસ અને દુકાનો સન્ડે બંધ જ રહે છે. એમાંય મિઝો પીપલ સન્ડે મૉર્નિંગ તો ચર્ચમાં જ હોય છે. બેઝિકલી અહીં દરેક લોકલ ચર્ચની વિવિધ પ્રવૃત્તિમાં સ્વેચ્છાએ જોડાય છે. સ્થાનિકો ડિનર પણ વહેલું કરી લે છે. હા, યંગસ્ટરોને જમ્યા પછી અહીં કૅફેમાં જવાનો ક્રેઝ છે. જાતજાતની કૉફી, બેકરી આઇટમ્સ, મિઝો મ્યુઝિક ઍન્ડ ફ્રેન્ડ્સની કંપની એ જ તેમની નાઇટ લાઇફ છે. અહીં નાઇટ ક્લબ છે, પણ બહુ જૂજ. એના કરતાં અહીંના લોકોને કૅરિઓકી બાર વધુ આકર્ષે છે. જપાન-કોરિયાની જેમ અહીં પણ ઠેર-ઠેર આવા બાર જોવા મળે છે.
જમ્મુ-બારામુલ્લા રેલવેલાઇનની જેમ અહીંની બૈરાલી-સૈરાંગ લાઇન પણ આઇકૉનિક બની રહેવાની છે
પૂર્વોત્તર સીમાંત રેલવે ક્ષેત્ર અંતર્ગત અંદાજિત ૮૬૦૫ કરોડ રૂપિયામાં નિર્માણ પામેલી ૫૧ કિલોમીટર લાંબી રેલવેલાઇન મિઝોરમને ભારતનાં અન્ય રાજ્યો સાથે જોડવાની છે. આ લાઇનમાં ૧૪૨ નાના-મોટા પુલ, ૨૩ સુરંગ અને ૪ સ્ટેશન છે. આ રેલલાઇનના છેલ્લા સેરાંગ રેલવે-સ્ટેશન સુધી પહોંચવા સૌથી ઊંચો ઘાટ નિર્માણ કરવામાં આવ્યો છે. એ ૧૦૪ મીટર ઊંચો, કુતુબમીનારથી પણ ૪૩ મીટર ઊંચો છે. પહાડી ક્ષેત્રમાં આ પ્રમાણેનું નિર્માણકાર્ય રેલવે ડિપાર્ટમેન્ટની અમૂલ્ય સિદ્ધિ છે. ભવિષ્યમાં આ લાઇનને મ્યાનમારના કલાય (કાલે) સ્ટેશન સુધી જોડવાની પરિયોજના છે. સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલી બૈરાલી-સૌરાંગ લાઇન ઓપનિંગ સેરેમનીની પ્રતીક્ષામાં છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મિઝોરમ ડ્રાય સ્ટેટ છે એટલે અહીં આલ્કોહૉલ મળતો નથી, પરંતુ દરેક ડ્રાય સ્ટેટમાં થાય છે એમ આજુબાજુનાં રાજ્યોમાંથી અહીં ભરપૂર માલ ઠલવાય છે.
અત્યાર સુધી રોડ અને હવાઈમાર્ગે જોડાયેલું મિઝોરમ ટૂંક સમયમાં જ રેલવેથી પણ દેશના અન્ય ભાગ સાથે જોડાશે. એ સિવાય આઇઝૉલનું લેંગપૂઈ ઍરપોર્ટ કલકત્તા, ગુવાહાટી, દિલ્હી, ત્રિપુરા તેમ જ આજુબાજુનાં સ્ટેટ્સનાં વિમાની મથકો સાથે સુપેરે જોડાયેલું છે. રાજ્યના ધનિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા હેલિકૉપ્ટરનો ઉપયોગ પણ કરે છે.
મિઝોરમ અને મ્યાનમારની બૉર્ડર વચ્ચે ૧૬ કિલોમીટરનો બફર ઝોન છે જ્યાં બેઉ જગ્યાના સિટિઝન્સ વીઝા-પાસપોર્ટ વગર આવ-જા કરી શકે છે. બંગલાદેશ સાથે આ વ્યવહાર નથી અને સરવાળે આ બૉર્ડર પર ઝાઝી ઘુસપૈઠ પણ નથી.
મણિપુર અને આસામમાં ચાલતી આંતરિક અશાંતિની સરખામણીએ મિઝોરમ શાંત અને સેફ સ્ટેટ છે. આ પહાડી લોકો નિયમમાં માનનારા અને કાયદામાં રહેનારા છે. હા, કોઈ તેમને કનડે તો પછી ધોળે દિવસે તારા દેખાડી દે છે.
આ શહેર જપાન, કોરિયાના શહેર જેવું જ ચોખ્ખું છે. અહીંનું મ્યુનિસિપલ કૉર્પોરેશન કાર્યક્ષમ છે. એથીયે વધીને નાગરિકો સ્વચ્છતા પ્રત્યે અતિશય જાગરૂક છે. કોઈ જાહેરમાં ધૂમ્રપાન
નથી કરતું, જ્યાં-ત્યાં થૂંકતું કે કચરો નથી ફેંકતું. સ્વેચ્છાએ ગાર્બેજનું યોગ્ય વર્ગીકરણ કરે છે. ફક્ત મોટાં નગરો જ નહીં, નાનાં ગામડાંઓમાં પણ લોકો પર્યાવરણનું જતન કરવા કટિબદ્ધ છે.
એજ્યુકેશન અને હેલ્થકૅરની સેવાઓ પણ સારી છે. આઇઝૉલમાં હાયર સ્ટડી માટે યુનિવર્સિટી છે, પરંતુ યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં જવાનું વધુ પ્રિફર કરે છે.
આઇઝૉલ તેમ જ આખું રાજ્ય જાહેર પરિવહન સેવાઓથી સંકળાયેલું છે. પાટનગરમાં પણ સરકારી બસોની સારી સુવિધા ઉપલબ્ધ છે. જોકે ટ્રાફિકને કારણે લોકો બસને બદલે ચાલીને જવાનું વધારે પ્રિફર કરે છે અથવા ટૂ-વ્હીલર વાપરે છે. પર્યટકો પણ અહીં સ્કૂટર ભાડે લઈ શકે છે.
મિઝોરમના લોકોનું મુખ્ય કામકાજ ખેતીવિષયક છે. ચોખા, કપાસ, બામ્બુ, શાકભાજી, મકાઈની ખેતી કરે છે. આ ઉપરાંત અહીંનું હૅન્ડિક્રાફ્ટ્સ પણ વર્લ્ડ ફેમસ છે. મિઝો પ્રજા હૅન્ડક્રાફ્ટમાં ખૂબ માહેર હોય છે.
સ્ટેટના ચીફ મિનિસ્ટર લાલદુહોમા બોરમ પીપલ્સ મૂવમેન્ટ પક્ષના છે અને અહીં ગઠબંધનની સરકાર છે. તેમનું નિવાસસ્થાન આઇઝૉલમાં જ છે.
ભારતનાં અન્ય ઈસ્ટર્ન રાજ્યોની જેમ મિઝો પ્રજા ફુટબૉલ ફૅન છે.
દેશનાં ૧૦૦ સ્માર્ટ સિટી મિશન કાર્યક્રમમાં આઇઝૉલ પણ સામેલ છે. એ અંતર્ગત આ શહેરમાં પાંચ કિલોમીટર લાંબી મોનોરેલ બનાવવાનું પ્લાનિંગ છે. જોકે એ પ્લાન હજી તો પેપર પર જ છે.
અહીંની યુવા પ્રજા હેલ્થ-કૉન્શ્યસ હોવા સાથે ફૅશનેબલ પણ છે. લેટેસ્ટ ફૅશનનાં કપડાં, શૂઝ, ઍક્સેસરીઝ વાપરે છે. કોરિયન કલ્ચરનો દીવાનો આ વર્ગ કોરિયન ફૂડ કે ડ્રામાથી અભિભૂત છે. પાશ્ચાત્ય પૉપસંગીતના ફૅન હોવા સાથે તેમની ઇંગ્લિશ ઍક્સન્ટ પણ અમેરિકન જેવી છે. મિડ-એજ અને આધેડ મિઝો પણ અપટુડેટ રહે છે. ખાસ કરીને આ પ્રજા અદ્યતન રહેણીકરણી પાછળ ખૂબ પૈસા વાપરે છે. આઇઝૉલમાં લગભગ દરેક ઇન્ટરનૅશનલ બ્રૅન્ડના શોરૂમ છે

