મરાઠી નહીં જ શીખું એવી ચૅલેન્જ મારનારા સુશીલ કેડિયાનો યુ-ટર્ન, તેમની ઑફિસમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોનો હુમલો
વરલીમાં આવેલી સુશીલ કેડિયાની ઑફિસ પર ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ નારિયેળથી હુમલો કર્યો હતો.
મરાઠીના મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા વેપારીઓને કરવામાં આવતી મારઝૂડ જોઈ ઉશ્કેરાઈ ગયેલા બિઝનેસમૅન સુશીલ કેડિયાએ શુક્રવારે ટ્વીટ કરીને મરાઠી નહીં જ શીખું એમ ઘસીને કહી દીધું હતું. જોકે એના બીજા જ દિવસે તેમની ઑફિસ પર રાજ ઠાકરેના સમર્થકોએ હુમલો કરીને કાચના દરવાજા પર બહારથી થેલીમાં લાવેલાં નાળિયેર ફેંક્યાં હતાં અને રાજ ઠાકરેના સમર્થનમાં નારાબાજી કરી હતી. તેમની ઑફિસના સિક્યૉરિટી ગાર્ડે તેમને એમ કરતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે એકલો હતો અને સામે પાંચ જણ હતા એથી તે તેમને બહુ રોકી ન શક્યો. વરલી પોલીસે આ સંદર્ભે પાછળથી એ પાંચ જણને તાબામાં લઈ પૂછપરછ શરૂ કરી હતી.
જ્યારે બીજી તરફ સુશીલ કેડિયાએ પણ તેમનું સ્ટૅન્ડ બદલ્યું છે અને એ નિવેદન સ્ટ્રેસમાં આવી જઈ ઓવરરીઍક્ટ કરતાં થઈ ગયું એમ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘લોકો એને પોતાની રીતે ઇન્ટરિપ્રટ કરીને કન્ટ્રોવર્સી ઊભી કરી એમાંથી ફાયદો લેવાની કોશિશ કરી રહ્યા છે. જે લોકો મરાઠી નથી જાણતા એમના પર થતા હુમલા જોઈને અસ્વસ્થ થઈને મેં ઉશ્કેરાટમાં આવું ઓવરરીઍક્શન આપી દીધું હતું. પાછળથી મને લાગ્યું કે મારે મારું એ ઓવરરીઍક્શન પાછું ખેંચવું જોઈએ. હું સાત ભાષા જાણું છું, પણ મરાઠી સાથે એવું ન બની શક્યું, કારણ કે જ્યારે એના માટે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે જેમાં તમને વારંવાર ડરાવવામાં આવે તો કુદરતી રીતે એ માટે તમે હેઝિટેટ થાઓ છો. જો એકાદો શબ્દ ખોટો બોલાઈ જશે તો લોકો એને ઇન્ટરિપ્રટ કરી જાણે તેમનું અપમાન થાય છે એમ ગણશે, એવો ડર લાગ્યા કરે. દમ ઘુટ જાતા હૈ ઐસે માહૌલ મેં, આવી પરિસ્થિતિમાં મેં એ ટ્વીટમાં ઓવરરીઍક્ટ કરી દીધું, મને હંમેશાં રાજ ઠાકરે માટે માન રહ્યું છે. તેમના હનુમાનચાલીસા અને રાષ્ટ્રવાદના કૅમ્પેનનું મેં હંમેશાં સમર્થન કર્યું છે. તેઓ હંમેશાં મારા માટે હીરો રહ્યા છે, પણ આ વખતે જ્યારે વેપારી પર હુમલો થયો ત્યારે હું સ્ટ્રેસમાં આવી ગયો અને મેં લાગણીમાં વહી જઈ ઓવરરીઍક્શન આપી દીધું. હું મારી ભૂલ કબૂલ કરું છું અને હું એ સુધારવાની કોશિશ કરીશ. લોકોને ડરાવવાના બાદલે જો તમે તેમને એ માટે એન્કરેજ કરશો તો એનાથી કડકડાટ મરાઠી બોલવામાં અમારું હેઝિટેશન ઓછું થશે અને અમે મરાઠી લૅન્ગ્વેજ કોઈ પણ ડર વગર વધારે ને વધારે વાપરી શકીશું.’

