ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ ભારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કહ્યું... : નરેન્દ્ર મોદી અને જ્યૉર્જિયા મેલોની મળ્યાં એ સમયનો G7નો વિડિયો સૌથી વધુ વાઇરલ થયો
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કૅનેડામાં યોજાયેલી G7 સમિટની બેઠકમાં ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામસામે મળ્યાં એ પ્રસંગનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. મેલોનીએ નરેન્દ્ર મોદીને ખૂબ આત્મીયતાથી કહ્યું હતું કે યુ આર ધ બેસ્ટ, આઇ ઍમ ટ્રાઇંગ ટુ બી ઍઝ યુ.
બન્ને નેતાઓની આ હળવી હૃદયસ્પર્શી વાતચીતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વધુ ને વધુ વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં દેખાય છે કે બન્ને નેતાઓ એકબીજા સાથે ઉષ્માપૂર્ણ રીતે હાથ મિલાવે છે અને સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરે છે. એ પછી મેલોની હસતાં-હસતાં વડા પ્રધાન મોદીને ઉપરોક્ત વાક્ય કહે છે. જવાબમાં વડા પ્રધાન મોદી હસતાં-હસતાં થમ્બ્સ-અપ કરે છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી અને જ્યૉર્જિયા મેલોનીની કેમિસ્ટ્રી સામે આવી હોય એવું પહેલી વાર નથી બન્યું, અગાઉ દુબઈમાં આયોજિત COP28 કૉન્ફરન્સ દરમ્યાન બન્નેએ સાથે સેલ્ફી લીધો હતો અને એની કૅપ્શનમાં મેલોનીએ લખ્યું હતું, ‘COP28 પર સારાં મિત્રો, #મેલોદી.’
દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી
G7 સમિટમાં નરેન્દ્ર મોદી અને જ્યૉર્જિયા મેલોની વચ્ચે ઔપચારિક મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં બન્ને નેતાઓએ ભારત અને ઇટલી વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી અને પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
એ દરમ્યાન બન્ને નેતાઓની એક તસવીર લેવામાં આવી હતી જે સૌપ્રથમ જ્યૉર્જિયા મેલોનીએ શૅર કરી હતી અને લખ્યું હતું કે ઇટલી અને ભારત એક મહાન મિત્રતા દ્વારા જોડાયેલા છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી સ્મિત કરતા જોવા મળે છે અને તેઓ આ વિચાર સાથે સંમત થતા દેખાય છે.
વડા પ્રધાન મોદીએ પણ આ પોસ્ટ શૅર કરીને લખ્યું હતું ‘વડા પ્રધાન જ્યૉર્જિયા મેલોની, હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. ઇટલી સાથે ભારતની મિત્રતા વધુ મજબૂત થતી રહેશે અને આપણા લોકો માટે ફાયદાકારક સાબિત થશે.’
મોદીએ ગ્લોબલ સાઉથ પર ભાર મૂક્યો
આ બેઠકમાં બન્ને નેતાઓએ ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ કમર્શિયલ કૉરિડોર (IMEC) અને મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પૅસિફિક ક્ષેત્ર જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ ઇટલીના યુદ્ધ સમયના અભિયાનમાં ભારતીય સેનાના યોગદાનને માન્યતા આપવા બદલ ઇટલીની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઇટલીમાંના યશવંત ઘાડગે સ્મારકની યોજના વિશે માહિતી આપી હતી. જ્યૉર્જિયા મેલોનીએ આ બેઠકને મૂલ્યઆધારિત ભાગીદારી ગણાવીને બન્ને દેશો વચ્ચે સહયોગને વધુ ગાઢ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
G7 શું છે?
G7 (ગ્રુપ ઑફ સેવન) એ સાત દેશોનો સમૂહ છે જેમાં કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાનો સમાવેશ છે. યુરોપિયન યુનિયન પણ એમાં ભાગ લે છે. આ જૂથની રચના ૧૯૭૦ના દાયકામાં વિશ્વ અર્થતંત્રની ચર્ચા કરવા માટે કરવામાં આવી હતી અને હવે એ આબોહવા, આરોગ્ય, વેપાર અને વૈશ્વિક સુરક્ષા જેવાં ક્ષેત્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. G7 વર્ષમાં એક વાર સમિટનું આયોજન કરે છે જેનું આયોજન ૭ સભ્યોમાંથી એક દ્વારા કરવામાં આવે છે. જ્યારે એ કાયદા બનાવતું નથી ત્યારે એ ચર્ચા અને સહયોગ દ્વારા વૈશ્વિક નીતિને આકાર આપવામાં મદદ કરે છે. ભારત G7નું સભ્ય નથી, પરંતુ એને ઘણી વાર મહેમાન-દેશ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. આ ભારતની વધતીજતી અર્થવ્યવસ્થા, વ્યૂહાત્મક મહત્ત્વ અને મુખ્ય લોકશાહી તરીકેની ભૂમિકાને કારણે છે. G7 દેશો વૈશ્વિક વાતચીતમાં ભારતના અવાજને મહત્ત્વ આપે છે અને ઘણી વાર એને મુખ્ય મુદ્દાઓ પર ખાસ કરીને ગ્લોબલ સાઉથને અસર કરતા મુદ્દાઓ પર મંતવ્યો શૅર કરવા માટે આમંત્રિત કરે છે.

