અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે વાઇટ હાઉસમાં વેનેઝુએલાનાં વિપક્ષનાં નેતા મારિયા કોરિના મચાડો સાથે મીટિંગ કરી હતી. આ મુલાકાતમાં મારિયા મચાડોએ એવું પગલું લીધું જેનાથી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હલચલ થઈ હતી.
મારિયા મચાડોએ ટ્રમ્પને આપ્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે વાઇટ હાઉસમાં વેનેઝુએલાનાં વિપક્ષનાં નેતા મારિયા કોરિના મચાડો સાથે મીટિંગ કરી હતી. આ મુલાકાતમાં મારિયા મચાડોએ એવું પગલું લીધું જેનાથી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હલચલ થઈ હતી. મારિયાને કદાચ વેનેઝુએલાનાં પ્રેસિડન્ટ બનાવવામાં આવશે એવી ચર્ચા હતી, પરંતુ હાલમાં આ બાબતે ટ્રમ્પનું સમર્થન નથી મળ્યું.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું અપહરણ કર્યા પછી સૌપ્રથમ વેનેઝુએલિયન નેતા સાથેની આ મુલાકાત હતી. આ મીટિંગ બાદ મારિયાએ કહ્યું હતું કે ‘મેં ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ગિફ્ટ કર્યો છે. મને લાગે છે કે આજે વેનેઝુએલાવાસીઓ માટે ઐતિહાસિક દિવસ છે. અમને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ભરોસો છે.’
વાઇટ હાઉસનાં સૂત્રોના કહેવા મુજબ મારિયા તેમનો નોબેલ પીસ પ્રાઇઝ પુરસ્કાર વાઇટ હાઉસમાં જ છોડીને ગયાં છે. એ ડોનલ્ડ ટ્રમ્પ પાસે છે.
મારિયાએ કેમ આપી દીધો નોબેલ?
મારિયા મચાડોએ નોબેલ શાંતિ પુરસ્કાર માત્ર ડોનલ્ડ ટ્રમ્પને ખુશ કરવા તેમને ભેટ નથી કર્યો. આ માટે તેમણે ૧૮૨૫માં અમેરિકાના સ્વતંત્રતાસંગ્રામના હીરો માર્ક્વિસનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘૨૦૦ વર્ષ પહેલાં માર્ક્વિસ ડે લાફાયેટે જ્યૉર્જ વૉશિંગ્ટનની તસવીરવાળો મેડલ સાઇમન બોલિયરને આપ્યો હતો જે અમેરિકા અને વેનેઝુએલાની વચ્ચે સ્વતંત્રતાની લડાઈમાં ભાઈચારાનું પ્રતીક બન્યો હતો. હવે બોલિવરના લોકોએ વૉશિંગ્ટનના ઉત્તરાધિકારી (એટલે કે ટ્રમ્પ)ને નોબેલ મેડલ પરત કર્યો છે.’
ડોનલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
મારિયા મચાડો સાથેની બેઠક પછી ટ્રમ્પે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રૂથ સોશ્યલ પર લખ્યું હતું, ‘મચાડો ખૂબ અદ્ભુત મહિલા છે જેણે જીવનમાં ખૂબ સહન કર્યું છે. મારિયાએ મારાં સારાં કામો માટે મને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર પ્રદાન કર્યો છે. અમારી વચ્ચે પરસ્પરનું સન્માન કમાલનું છે. ’
ટ્રમ્પે ભેટ આપી પોતાની બૅગ
મારિયાએ પોતાનો શાંતિ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કરી દીધો એ પછી જ્યારે તેઓ વાઇટ હાઉસમાંથી નીકળી રહ્યાં હતાં ત્યારે તેમના હાથમાં ટ્રમ્પની બ્રૅન્ડેડ બૅગ જોવા મળી હતી. આ બૅગ પર ટ્રમ્પની સાઇન કરેલી હતી. ટ્રમ્પે ગિફ્ટ કરેલી બૅગ સાથે નીકળવા બદલ ઇન્ટરનૅશનલ મીડિયામાં મચાડોની ખૂબ ટીકા થઈ હતી.
નોબેલ સંસ્થાની સ્પષ્ટતા: માલિક બદલાઈ શકે, ઉપાધિ નહીં
ડોનલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી આ પુરસ્કાર પોતાને મળે એવી ઇચ્છા જાહેર કરતા આવ્યા છે. મારિયાને જ્યારે આ પુરસ્કાર મળ્યો હતો ત્યારે તેમણે નારાજગી દર્શાવી હતી. મારિયાએ પોતાનો પુરસ્કાર ટ્રમ્પને આપી દેવાની વાત કરી હતી ત્યારે નૉર્વેની નોબેલ પુરસ્કાર આપતી સંસ્થાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ એક પદક અને સન્માન છે. એના માલિક બદલાઈ શકે છે, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની ઉપાધિ નથી બદલાઈ શકવાની. એક વાર પુરસ્કાર એનાયત થઈ જાય એ પછી કોઈને ટ્રાન્સફર કરી શકાતો નથી.’
નોબેલ પુરસ્કારના નિયમો મુજબ આ પુરસ્કાર કોઈને શૅર, ટ્રાન્સફર કે ગિફ્ટ નથી કરી શકાતો. મેડલ એ સોનાનો બનેલો પુરસ્કાર છે જે વ્યક્તિગત સંપત્તિ છે. એને ગિફ્ટ કરી શકાય છે, વેચી શકાય છે કે ઉધાર પણ આપી શકાય છે.


