આરોપીઓ કાંદિવલીમાં પોતાની ધાક જમાવવા માગતા હતા: મધરાતે થયેલા ગોળીબારમાં એક યુવકના મૃત્યુ પછી ગુજરાતથી પકડવામાં આવેલા બે આરોપીની તપાસમાં આવું જાણવા મળ્યું : મૃત યુવક અને આરોપી વચ્ચે અનેક વખત ઝઘડા થયા હતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
બે દિવસ પહેલા કાંદિવલીમાં મધરાતે લાલજી પાડા વિસ્તારમાં થયેલા ગોળીબારમાં અંકિત યાદવ નામના એક યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે તેના ત્રણ મિત્રોને પગમાં ગોળી વાગી હતી. ગોળીબાર બાદ પલાયન થઈ ગયેલા આરોપીઓની મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ૨૪ કલાકમાં ગુજરાતના બીલીમોરામાંથી ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે તેઓ લાલજીપાડા વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માગતા હતા એટલે તેમણે માત્ર ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું. આરોપીઓ ફાયરિંગ કરવાનું યુટ્યુબ પરથી શીખ્યા હતા અને દારૂના નશામાં તેમણે આ ગોળીબાર કર્યો હતો.
ફાયરિંગ કર્યા બાદ તેમણે બોરીવલીથી ટ્રેન પકડી હતી અને ગુજરાતના બીલીમોરા પહોંચ્યા હતા. સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસીને અને મોબાઇલ ટ્રેસ કરીને પોલીસે સોનુ ચંદ્રભાન પાસવાન અને સૂરજ રામકિશન ગુપ્તા નામના બે આરોપીની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ગોળીબારની ઘટનાની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૧૧ની ટીમે પણ તપાસ શરૂ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં જણાઈ આવ્યું છે કે લાલજી પાડા વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે સોનુ પાસવાન પ્રયાસ કરી રહ્યો હતો. મૃતક અંકિત યાદવ સાથે તેનો દહીહંડી વખતે જમવા બાબતે ઝઘડો થયો હતો. આવી રીતે સોનુએ બીજા કેટલાક લોકો સાથે પણ ઝઘડો કર્યો હોવાનું જણાયું છે. બે દિવસ પહેલાં રાત્રે અંકિત તેના મિત્રો સાથે પગપાળા જઈ રહ્યો હતો ત્યારે તેમને ડરાવવા માટે સોનુએ તેની પાસેના દેશી કટ્ટામાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. એક ગોળી અંકિતના પેટમાં વાગી હતી, જ્યારે તેના મિત્રો મનીષ ગુપ્તા અને પ્રકાશ નારાયણના પગમાં એક-એક ગોળી વાગી હતી. ઝોન-૧૧ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલસિંહ ઠાકુરે માહિતી આપી હતી કે ‘આરોપી સોનુ પાસવાન અને સૂરજ ગુપ્તાએ દારૂના નશામાં ફાયરિંગ કર્યું હતું. તેઓ ધાક જમાવવા લોકો સાથે કાયમ ઝઘડા કરતા હતા. ડરાવવા માટે તેમણે કરેલા ફાયરિંગમાં અંકિત યાદવે જીવ ગુમાવ્યો છે. અમે આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છીએ.’

